દિલધડક રેસ્ક્યૂ:સુરતના વેસુમાં માનસિક તણાવમાં 10માં માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને ફાયરબ્રિગેડે બચાવી લીધી

સુરત6 મહિનો પહેલા
વાતોમાં રાખીને મહિલાને આપઘાત કરતાં બચાવી લેવામાં આવી હતી.
  • કોરોનામાં પારિવારિક બે સભ્યોના મોત બાદ મહિલા માનસિક તાણમાં રહેતી હતી

વેસુમાં 10 માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને ફાયરે એક કલાકની ભારે દિલધડક જહેમત બાદ બચાવી લીધી હતી. માનસિક તણાવમાં મહિલાએ મોતને વ્હાલું કરવા લગભગ 120 ફૂટની ઉચાઈએથી નીચે કૂદકો મારવાનો પ્રયાસ કરતા પરિવારના હોશ ઉડી ગયાં હતાં. ફાયરના જવાનોએ 54 મીટર સુધી ઊંચે જતી સીડીવાળી TTL ગાડી, જમ્પિંગ સીટ અને ચેરનોટ સાથે રેસ્ક્યૂના ત્રણેય વિકલ્પ સાથે મહિલાને બચાવી લેવામાં સફળ રહ્યાં હતાં. ફાયરની સમય સૂચકતાથી પરિવારને વિખેરાતા બચાવી લીધો હતો. કોરોનામાં પારિવારિક 2 સભ્યોના ઉપરા ઉપરી મોત બાદ મહિલા માનસિક તણાવમાં રહેતી હોવાથી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું.

ફાયરબ્રિગેડ દ્વારા 10માં માળેથી મહિલાને ઉતારવા સીડીવાળી TTL ગાડીનો ઉપયોગ કરાયો હતો.
ફાયરબ્રિગેડ દ્વારા 10માં માળેથી મહિલાને ઉતારવા સીડીવાળી TTL ગાડીનો ઉપયોગ કરાયો હતો.

મહિલાના આપઘાતના પ્રયાસની જાણ થતાં રેસ્ક્યૂ કરાયું
ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોલ લગભગ રાત્રિના 10 વાગ્યાનો હતો. એક મહિલા વેસુ નંદનવન-1 ના 10 માળે ગેલેરીમાંથી આપઘાતનો પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળતા તાત્કાલિક ફાયરના જવાનો TTL ગાડી, જમ્પિંગ સીટ અને ચેર નોટ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. એક બાજુ TTL ગાડી ની 54 મીટર ની ઉંચાઈ સુધી લઈ જવાતી સીડીની મદદ લેવાઈ હતી. તો બીજી બાજુ જમ્પિંગ સીટ ગ્રાઉન્ડ ફ્લોર પર તૈયાર કરાઈ હતી, અને ત્રીજી ટીમ ચેરનોટ એટલે કે, શરીરે દોરડા બાંધી 11મા માળેથી 10 માળે ઉતરવાની કોશિશ કરી મહિલાને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ફાયરબ્રિગેડ દ્વારા ત્રણ સ્તરે કામગીરી કરીને મહિલાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
ફાયરબ્રિગેડ દ્વારા ત્રણ સ્તરે કામગીરી કરીને મહિલાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

અગાઉ પણ બે વાર આપઘાતના પ્રયાસ કરેલા
ફાયરે ત્રણેય વિકલ્પ સાથે કામગીરી કરી ચોથી બાજુ મહિલાને વાતોમાં ભેરવી હતી. જેને લઈ ચેરનોટની ટીમએ અચાનક ઉપરથી ગેલેરીમાં કુદી મહિલાને પકડીને ખેંચી લીધી હતી. આ રીતે મહિલાનો બચાવ થતા જોઈ પરિવાર ભાવુક બની ગયો હતો. અનેકવાર આભાર વ્યક્ત કરી કામગીરી ની ભરપેટ વખાણ કર્યા હતાં. વેપારી પરિવારની મહિલાએ કોરોનામાં પરિવાર ના બે વૃદ્ધ ગુમાવ્યા બાદ તેઓ માનસિક તણાવમાં રહેતા હતાં. અગાઉ પર 2 વાર આપઘાતની કોશિશ કરી ચુક્યા હોવાનું પરિવારે જણાવ્યું છે. જોકે આ વખતે પરિવારના હોશ ઉડી ગયા હતાં. હાલ મહિલાની તબિયત સારી છે.