સમગ્ર રાજ્યમાં અને સુરત શહેરમાં સમયાંતરે જે પ્રકારે આગની ઘટના બનતી હોય છે. તેમાં ઝડપથી કામગીરી થઈ શકે તેના માટેની તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. સુરત જેવા શહેરમાં સતત બનતી ઘટનાઓને કારણે ફાયર વિભાગે મોકડ્રિલની કામગીરી દર મહિને શરૂ કરી છે. સુરતના અલગ અલગ હોસ્પિટલમાં આજે અલગ અલગ સમયે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આગ લાગતા સમયે દર્દીઓનું રસ્તો કેવી રીતે કરવો તે અંગેની કામગીરી ઉપર સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સફળતાપૂર્વક મોકડ્રિલ યોજાઈ
કોરોનાકાળ દરમિયાનથી મોકડ્રીલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. પરંતુ, શહેરમાં અને રાજયભરમાં બનતા ફાયરના કિસ્સાને કારણે હોસ્પિટલની અંદર ઘણી વખત અકસ્માતોની ઘટના સામે આવતા દર મહિનાની છઠ્ઠી તારીખે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા સુચન પ્રમાણે મોકડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોકડ્રિલ કરવા પાછળનો હેતુ એવો છે કે, તમામ ઝોનમાં ફાયર વિભાગને ટીમ સતર્કતાથી અને યોગ્ય રીતે કામગીરી કરી શકે. તેના માટે સજ્જ રહી શકે. વિવિધ ઝોનના ફાયર ઓફિસરોની ટીમ દ્વારા સફળતાપૂર્વક મોકડ્રિલને પાર પાડી હતી.
યોગ્ય સંકલન કરાયું
ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું કે, મોકડ્રિલ કરતી વખતે પહેલાથી હોસ્પિટલ સાથે યોગ્ય સંકલન કરી લેવામાં આવે છે. તેની સાથે અન્ય લોકો કે, જ્યારે આગ લાગતી હોય છે. ત્યારે બીજા વિભાગની જવાબદારી હોય છે. તેમને પણ હવે સંકલનમાં લઈ લેવામાં આવે છે. જેમકે ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ગેસ લાઇન સાથે સંકળાયેલા વિભાગ, જિલ્લા પંચાયતના અધિકારીઓ, મામલતદાર સહિતના અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાતા હોય છે. મોકડ્રિલ દરમિયાન રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન જે પણ તકલીફો સામે આવે તેનું જે તે હોસ્પિટલના સંચાલકો સાથે વાતચીત કરીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. હોસ્પિટલના સ્ટાફને પણ આવી સ્થિતિમાં કેવી રીતે કામગીરી કરવી તેને લઈને સમજ આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.