સુરતના ઉધના મગદલ્લા રોડ પર સોમેશ્વર જંકશન પાસે મોડી રાતે પાર્ક કરેલા છોટા હાથી ટેમ્પામાં અચાનક આગ લાગી હતી. ટેમ્પામાં આગ લાગતા ટેમ્પો ડ્રાઈવર વગર જ દોડવા લાગ્યો હતો અને અંદાજીત 50થી 60 ફૂટ દુર રોંગ સાઈડમાં જઈને દીવાલ સાથે ભટકાયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો.
રસ્તા પર ઉભેલા ટેમ્પા માં અચાનક આગ ભભુકી
સુરતના ઉધના મગદલ્લા રોડ પર બે વાગે રોડ પર ઉભેલા ટેમ્પોમાં અચાનક આગ લાગવાની ઘટના બનવાની પામી હતી. ઉધના મગદલ્લા રોડ સોમેશ્વર જંકશન પાસે J. H અંબાણી સ્કૂલ સર્કલ થી પીપલોદ જતા રસ્તા પર છોટા હાથી ટેમ્પામાં અચાનક આગ લાગી છે. મોડી રાત્રીએ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબુ
ફાયર વિભાગની ટીમે જોયું તો છોટા હાથી ટેમ્પામાં બોનેટ અને કેબીનમાં ભીષણ આગ લાગી હતી. અને ટેમ્પો ભડભડ સળગી રહ્યો હતો. જેને લઇ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા અને પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો.
આગ લાગતાં ટેમ્પો ડ્રાઇવર વગર જ દોડવા લાગ્યો હતો
ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે ટેમ્પા માલિક મેહુલભાઈએ અહી ટેમ્પો પાર્ક કર્યો હતો. આ દરમ્યાન રાત્રિના સમયે ટેમ્પામાં કોઈ કારણોસર શોર્ટ સર્કીટ થતા આગ ભભૂકી ઉઠી હતી. અને ટેમ્પામાં આગ લાગતા ટેમ્પો ડ્રાઈવર વગર જ દોડવા લાગ્યો હતો.અંદાજીત 50થી 60 ફૂટ જેટલો ટેમ્પો દોડ્યો હતો અને રોંગ સાઈડમાં જઈને દીવાલ સાથે ભટકાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા અમારી ટીમ ઘટના સ્થળે દોડી ગયી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગના કારણે છોટા હાથી ટેમ્પો બળીને ખાખ થઇ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.