સુરતમાં આગ દુર્ઘટના:ડભોલીમાં મેડિકલ સ્ટોર અને ડેન્ટલ ક્લિનિકમાં લાગેલી આગ ફિઝિયોથેરાપી ક્લિનિક સુધી પ્રસરી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

સુરતએક મહિનો પહેલા
આગના પગલે મેડિકલ સ્ટોરમાં દવાઓનો જથ્થો ખાક.

સુરતમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. ડભોલી વિસ્તારના હરી દર્શનના ખાડા પાસે મેડિકલ સ્ટોર અને ડેન્ટલ ક્લિનિકમાં આગ લાગવાની ઘટના બનતા આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ આગ બાજુમાં જ આવેલી ફિઝિયોથેરાપી ક્લિનિકમાં પણ પ્રસરી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ બે ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મેડિકલ, ફિઝિયો અને ડેન્ટલ ક્લિનિક આગ લાગી
ડભોલી વિસ્તારમાં સર્જન રેસિડેન્ટની શોપ નંબર એકમાં મેડિકલ ચાલતું હતું. મેડિકલ અને ડેન્ટલ ક્લિનિકમાં એકાએક આગ લાગી હતી. ડેન્ટલ ક્લિનિકની બાજુમાં આવેલા સરસ્વતી ફિઝિયોથેરાપી ક્લિનિકમાં પણ આગ પ્રસરી હતી. મેડિકલ સ્ટોરમાં લાગેલી આગ બાજુમાં પ્રસરી જતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. આસપાસના લોકોને જાણ થતાની સાથે ફાયર વિભાગને કોલ કરીને જાણ કરી હતી.

શરૂઆતમાં આગ મેડિકલ સ્ટોરમાં લાગી હતી.
શરૂઆતમાં આગ મેડિકલ સ્ટોરમાં લાગી હતી.

આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી: ફાયર ઓફિસર
ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું કે અમને કોલ મળતાની ગણતરીની મિનિટોમાં જ ડભોલી હરિ દર્શન ખાડા નજીક અમે પહોંચી ગયા હતા. શરૂઆતમાં આગ મેડિકલ સ્ટોરમાં લાગી હતી જેમાં મેડિકલની દવાઓ અને કોસ્મેટિકનો જથ્થો બળીને ખાસ થઈ ગયો હતો. તેની બાજુમાં જ હરેકૃષ્ણ ડેન્ટલ ક્લિનિક અને સરસ્વતી ફિઝિયો થેરાપી ક્લિનિક પણ હતું. ફિઝિયોથેરાપી ક્લિનિકમાં નુકસાન ઓછું થયું છે. મેડિકલ સ્ટોરમાં આગ લાગી હોવાથી ત્યાં નુકસાન થયું છે.

આગના પગલે લોકો એકઠાં થઈ ગયા.
આગના પગલે લોકો એકઠાં થઈ ગયા.

મેડિકલ કે ક્લિનિકમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ નહીં
ઘટના સમયે ક્લિનિકમાં કે મેડિકલ સ્ટોરમાં કોઈ ન હતું. જેને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. મુગલીસરા અને કતારગામની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...