વેપારીઓને નફામાં ‘નુકસાન’:તૈયાર હીરાના ભાવમાં 7% સુધી ઘટ્યા રેપાપોર્ટના નિર્ણયથી સુરતને નુકસાન

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓને નફામાં ‘નુકસાન’, કારીગરોના કામના કલાકો ઘટી શકે

શહેરની ડાયમંડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે 2 બેડ ન્યૂઝ છે. રેપાપોર્ટે તૈયાર હીરાના ભાવમાં 3થી 7 ટકા સુધીનો ઘટાડો કરી દેતાં સુરતમાં તૈયાર હીરા વેચનારાઓને તેમના નફામાં નુકસાની થશે. કેટલાક લોકો સ્ટોક કરશે અને પ્રોડક્શન ઓછું કરી શકે છે, જેના કારણે રત્નકલાકારોને મળતી રોજગારી પર અસર થઈ શકે છે. બીજીતરફ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે મશીનરી ઉપર અપાતી ટફ યોજનાની જગ્યાએ ટેક્સટાઇલ મમંત્રાલયે પી.એલ.આઈ સ્કીમ મૂકી છે, જેમાં નાના વીવર્સને કોઈ જ લાભ મળશે નહીં.

રેપાપોર્ટ દ્વારા તૈયાર હીરાના ભાવમાં 3થી 7 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે હીરા ઉદ્યોગકારો દ્વારા સ્ટોક કરી રાખવામાં આવ્યો છે તેવા ઉદ્યોગકારોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડશે. હીરા ઉદ્યોગકારોના મત અનુસાર વર્ષ 2008 બાદ સૌ-પ્રથમ વખત તૈયાર હીરામાં આટલો મોટો ભાવ ઘટ્યો છે. હીરાની માંગમાં વધારો થવાને કારણે આંતરાષ્ટ્રીય માર્કેટમાં રફના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો હતો.

બીજી તરફ તૈયાર હીરાના ભાવમાં ઘટાડો કરાતા વેપારીઓને નુકસાનનો સામનો કરવો પડશે. અંદરખાને વેપારીઓ રેપાપોર્ટના આ નિર્ણયનો વિરોધ પણ કરી રહ્યાં છે. સુરત ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણી કહે છે કે, ‘હીરા વેપારીઓની હોલ્ડિંગ કેપેસિટી હોય તે માલનો સ્ટોક કરે. જેમની મજબૂરી હોય તેવા હીરા વેપારીઓ નુકસાન કરીને વેચે. અથવા તો પ્રોડક્શન પર કાપ પણ આવી શકે.’

જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતના હીરા વેપારીઓ મહેનત કરીને હીરાનું મેન્યુફેક્ચરિંગ કરે અને અન્ય કંપની તેના ભાવ નક્કી કરે તે અયોગ્ય બાબત છે. હીરાવેપારીઓએ એક થઈ તેનો વિરોધ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...