તાજેતરમાં સુરત મહાનગર પાલિકામાં મળેલી સામાન્ય સભામાં હોબાળો કરી આખી રાત વિપક્ષના સભ્યોએ ગૃહમાં વિતાવી હતી. જો કે, નિયમ મુજબ મેયરની પરવાનગી વગર સભાગૃહમાં કોઇ કાર્યક્રમ થઇ શકે નહિં. સભા પૂર્ણ થઇ ગયા બાદ પણ વિપક્ષના સભ્યો આખી રાત બેસી રહેતા સિકયુરિટી અધિકારીઓની બેદરકારી સામે આવી છે.
આ મામલે મેયર હેમાલી બોઘાવાલાએ કમિશનરને નોંધ મુકી સમગ્ર ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી છે. અગાઉ ડે.કમિશનરને નોંધ મુકી હતી. પરંતુ હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી. જેથી મેયરે ફરી કમિશનરને નોંધ મુકી છે.
પળેપળની માહિતીનો રિપોર્ટ મંગાવ્યો
ગત 30 એપ્રિલે સાંજે 7:05 કલાકથી 1 મેેને બપોરે 3:15 કલાક સુધીમાં પાલિકાના સભાગૃહમાં ઘૂસાડવામાંઆવેલા નાસ્તા, ગોદળા સહિતની વસ્તુઓ તેમજ મુખ્ય કચેરીના પ્રવેશ દ્વારથી પ્રવેશ પાસ સાથે કે પાસ વગર કોને કોને પ્રવેશ આપવામાં આવ્યો હતો તથા પાલિકાના સ્ટાફ સિવાય કઈ કઈ વ્યકિત પાલિકાના પરિસરમાં હાજર હતી જેવી પળેપળની વિગતવાર માહિતીનો રિપોર્ટ મેયરે મંગાવ્યો છે.
ગળુ દબાવવા મુદ્દે હજુ FIR નહિં
1 મેના રોજ સભાગૃહમાંથી ટીંગાટોળી કરી આપના નગરસેવકોને બહાર કઢાયા હતા. જેમાં ઘનશ્યામ મકવાણાનું માર્શલે ગળુ દબાવી દીધું અને મહિલા નગરસેવિકા કુંદન કોઠિયાના કપડા ફાડી નંખાયા હતા. આ મામલે હજુ એફ.આઇ.આર થઇ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.