એરપોર્ટને નડતરરૂપ 27 જેટલી બિલ્ડીંગોના ડિમોલીશનના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સ્પેશ્યલ પીટિશનમાં આજે સ્થાનિકો દ્વારા જવાબ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. જેમાં હાઇકોર્ટે તા. 19મી ડિસેમ્બરની છેલ્લી મુદ્દત આપી હોવાની વિગતો છે. આગામી મુદ્દતમાં ડિમોલીશન કરવા મુદ્દે ફાયનલ હિયરીંગ થાય તેવી શક્યતા છે.
અપીલની સુનાવણી થતાં કોર્ટે રેસીડેન્સ લોકોને નોટીસ ઇસ્યુ કરી હતી. પાછલી મુદ્દતમાં એટલે કે તા. 1 ડિસેમ્બરે સ્થાનિકોને નોટીસ મળી ન હોવાથી મુદ્દત આપવામાં આવી હતી. આ કેસ આજે ફરીવાર હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી, જેમાં સ્થાનિકો દ્વારા જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો હતો.
પીટીશનરના કહેવા પ્રમાણે હાઇકોર્ટે સ્થાનિકોને ટકોર કરીને આ છેલ્લી મુદ્દત આપવા માટે કહ્યું હતું, હવે આગામી તા. 19 ડિસેમ્બરે ફાયનલ હિયરીંગ કરવામાં આવશે. આગામી મુદ્દત દરમિયાન સ્થાનિકો દ્વારા પોતાનો જવાબ રજૂ કરાશે.
નડતરરૂપ બિલ્ડીંગો તોડવા ડીજીસીએનો આદેશ
સ્પેશ્યલ પીટિશન ફાઇલ કરનાર અમદાવાદના એક્ટીવિસ્ટ વિશ્વાસ ભાંભોરકરએ જણાવ્યું કે, સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ માટે જે બિલ્ડીંગો નડતરરૂપ છે તેને તોડવા માટે ડીજીસીએએ આદેશ કર્યો હતો.
આ હુકમની સામે બિલ્ડરો અને સ્થાનિક રહીશોએ હાઇકોર્ટમાં પીટીશન કરીને સ્ટે લઇ લીધો હતો. આ હુકમ અયોગ્ય હોવાની રજૂઆત સાથે ફરીવાર હાઇકોર્ટના ચીફ જસ્ટીસની કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.