• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Fight Between Current And Former President, Ajit Contractor Said 'Kunwarji Became A Minister By Doing Politics In The Name Of Society'

કોળી સમાજમાં 'બખેડો':વર્તમાન અને પૂર્વ પ્રમુખ વચ્ચે હુંસાતુંસી, અજીત કોન્ટ્રાક્ટરે કહ્યું-'કુંવરજી સમાજના નામે રાજકારણ કરી મંત્રી બનેલા'

સુરતએક મહિનો પહેલા
અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટર(પટેલ)એ વાત કરતા કુંવરજી બાવળિયા ઉપર આક્ષેપો કર્યા હતાં.
  • સંમેલનનો વિરોધ કરીને કુંવરજી બાવળિયાએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યુ-અજીત પટેલ

સુરતના કામરેજ ખાતે દાદા ભગવાન મંદિરમાં યોજાયેલા અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય સંમેલન મળ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે હુંસાતુસી શરૂ થઇ છે. કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરાયા બાદ વિવાદનો મધપુડો છંછેડાયો છે. ત્યારે દિવ્ય ભાસ્કર સાથે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટર(પટેલ)એ વાત કરતા કુંવરજી બાવળિયા ઉપર મોટા આક્ષેપો કરતાં કહ્યું કે, આ સંમેલનમાં હાજર ન રહીને બાવળિયાએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. તથા સમાજના નામે રાજકારણ રમીને કુંવરજી કેબિનેટ મિનિસ્ટર બન્યાં હતાં.

દિવ્યભાસ્કર: અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ અધ્યક્ષ અને રાજકીય નેતા કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ શું છે?
અજિત પટેલ:
કુંવરજી બાવળિયાએ સમાજવિરોધી કૃત્ય કરવાનું ચાલુ રાખ્યું છે. અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય સંમેલનનું આયોજન હોવા છતાં તેમણે એવો મેસેજ વહેતો કર્યો હતો કે, આ કાર્યક્રમમાં કોઈએ જવું નહીં. જ્યારે મહત્વની વાત એ છે કે, આખા કાર્યક્રમની રૂપરેખા અને વ્યવસ્થા તેમણે જ કરવાની જવાબદારી અમારા દ્વારા આપવામાં આવી હતી. આ કારણસર તેમને અમારા સંગઠનના બંધારણ મુજબ સસ્પેન્ડ કરાયા છે.

સમાજના નામે રાજકારણ રમીને કુંવરજી કેબિનેટ મિનિસ્ટર બન્યાં હતાં-અજીત પટેલ
સમાજના નામે રાજકારણ રમીને કુંવરજી કેબિનેટ મિનિસ્ટર બન્યાં હતાં-અજીત પટેલ

દિવ્યભાસ્કર: કુંવરજી બાવળિયા સમાજના નામે રાજકારણ કરી રહ્યા છે?
અજીત પટેલ:
કુંવરજીભાઈની નસમાં રાજકારણ છે. તેઓ દરેક કામને સ્વાભાવિક રીતે જ રાજકારણના હિતથી જોતા હોય છે. સત્તા વગર તેઓ રહી શકે તેમ નથી. એવું મને અંગત રીતે લાગે છે. કુંવરજીભાઈ રાજકારણમાં વધુ રચ્યા પચ્યા રહે છે. માટે તમને સમાજ કરતાં રાજકારણમાં વધુ રસ છે.

દિવ્યભાસ્કર: કુંવરજી બાવળિયાને રાજકીય રીતે મજબૂત કરવામાં સમાજનો કેટલો ફાળો?
અજીત પટેલ:
કુંવરજીભાઈ આજે જે પણ છે તે સમાજના કારણે છે. બાકી બીજું એમનામાં કોઈ દમ નથી. સમાજસેવામાં તેમની કોઈ ઓળખ નથી. સમાજના પ્રમુખ બનીને તેમણે રાજકીય લાભ લીધો છે. સૌ કોઈ જાણે છે કે, કોળી સમાજની સંખ્યા ખૂબ વધુ છે. મતદારો પણ વધારે છે. તેના માટે જ તેઓ રાજકીય રીતે મજબૂત થયા છે. કેબિનેટ મિનિસ્ટર જેવા મહત્વનો દરજ્જો પ્રાપ્ત કરી શક્યા છે. હજી પણ તેમની રાજકીય સત્તા મેળવવાની ભૂખ સંતોષાઈ નથી. તેના કારણે આ પ્રકારના કાવાદાવા કરે છે.

બાવળિયાને અમારા સંગઠનના બંધારણ મુજબ સસ્પેન્ડ કરાયા છે-અજીત પટેલ
બાવળિયાને અમારા સંગઠનના બંધારણ મુજબ સસ્પેન્ડ કરાયા છે-અજીત પટેલ

દિવ્યભાસ્કર: તમારા દ્વારા પણ ભાજપના ઇશારે તેમને સસ્પેન્ડ કરાયા હોય તેવી ચર્ચા છે?
અજીત પટેલ:
રાજકારણ અને મારે કઈ લેવાદેવા નથી. મારો આખો સમાજ જાણે છે કે, સમાજ માટે મેં રાજકીય રીતે મોટો ભોગ આપ્યો છે. સમાજને પ્રથમ સ્થાન આપીને રાજકારણને અને સત્તાને ત્યજી છે. આ તો તેમણે સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે. તેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમારા બંધારણમાં એની જોગવાઇ છે. તે મુજબ જ કામ કરવામાં આવ્યું છે.

દિવ્યભાસ્કર: કુંવરજી બાવળિયાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અપમાન કેવી રીતે કર્યુ.. જેનો તમે આક્ષેપ કરી રહ્યા છો?
અજીત પટેલ:
ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવો યોગ્ય પણ નથી. પરંતુ કુંવરજી બાવળિયા જે પ્રકારનું વર્તન કર્યું છે. તેને કારણે કહેવાની ફરજ પડી રહી છે. 24 માર્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને કુંવરજી બાવળિયા સાથે અમારી બેઠક થઇ હતી. તેમાં રાષ્ટ્રપતિની સમક્ષ અત્યારે જે કાર્યક્રમ યોજાયો હતો. તેના માટે કુવરજી બાવળિયાએ સંમતિ આપી હતી. ત્યાર પછી તેઓ ફરી ગયા અને આ કાર્યક્રમનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ જેટલા મહત્વના હોદ્દા ઉપર બેઠેલા અમારા સમાજના રામનાથ કોવિંદજીની પણ ગરીમા જાળવી નથી. તેમણે તેમની સમક્ષ તમામ બાબતોને સ્વીકારી લીધી હતી.

બાવળિયાની રાજકીય સત્તા મેળવવાની ભૂખ સંતોષાઈ નથી-અજીત પટેલ
બાવળિયાની રાજકીય સત્તા મેળવવાની ભૂખ સંતોષાઈ નથી-અજીત પટેલ

દિવ્યભાસ્કર: સમાજના નામે રાજકારણ થઈ રહ્યું છે એવું લાગે છે?
અજીત પટેલ:
રાજકારણ મારો વિષય નથી. કુંવરજી બાવળિયા કરી રહ્યા છે. અત્યાર સુધી તેઓ સમાજના નામે ખૂબ રાજકીય રીતે લાભ લઇ રહ્યા હતા. હજી પણ લઈ રહ્યા છે, અને હજી લેવાને પ્રયાસ કરી રહ્યા છે. એવું કહેવામાં ખોટું નથી. મારે કોઇ ચૂંટણી લડવાની નથી. એમને ચૂંટણી લડવાની હશે એટલે ધમપછાડા કરી રહ્યા છે.

સમાજના નામે કુંવરજી બાવળિયા કરી રહ્યા છે-અજીત પટેલ
સમાજના નામે કુંવરજી બાવળિયા કરી રહ્યા છે-અજીત પટેલ

દિવ્યભાસ્કર: સમાજે આ પ્રકારે તેમને સસ્પેન્ડ કર્યા બાદ તેમને રાજકીય કદ હજુ પણ મજબૂત રહેશે ખરું?
અજીત પટેલ:
સમાજના નામે તેઓ રાજકારણમાં પ્રવેશી તો ગયા છે. પરંતુ તેમણે કેટલું કામ કર્યું છે. તે સમાજના લોકો જાણે છે. સમાજના હિત માટે તેમણે શું કર્યું છે. તે પણ સમાજ જાણે છે. આપવા કરતાં મેળવ્યું વધારે હોય તેવું મને અંગત રીતે લાગે છે.

કુંવરજીને ચૂંટણી લડવાની હશે એટલે ધમપછાડા કરી રહ્યા છે-અજીત પટેલ
કુંવરજીને ચૂંટણી લડવાની હશે એટલે ધમપછાડા કરી રહ્યા છે-અજીત પટેલ

દિવ્યભાસ્કર: તમે શું કહેવા માગો છો કે, કુંવરજી બાવળીયાએ સમાજ માટે કંઈ નથી કર્યું?
અજિત પટેલ: લોકો જાણે છે. આટલા વર્ષો તેઓ રાજકારણ સમાજના નામે જ કરી રહ્યા છે. સમાજના લીધે તેમણે સત્તા મેળવી છે. પરંતુ તેમણે શું કર્યું છે. તે સમાજના લોકો પણ જાણે છે. અંગત રીતે માનવું છે કે, તેમણે સમાજ માટે કશું કર્યું નથી.

અન્ય સમાચારો પણ છે...