કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઇ વિશ્વભરમાં ખળભળાટ છે. કેન્દ્રની સૂચના બાદ સુરત પાલિકાનું તંત્ર પણ એલર્ટ થયું છે. કોરોના વાઈરસને લઈને હજુ પણ વિશ્વ આખાની અંદર પડકારો વધતા દેખાઈ રહ્યા છે. કોરોના વાઈરસના નવા વેરિયન્ટના કારણે ફરી એકવાર જીવનું જોખમ ઊભું થતું દેખાઈ રહ્યું છે. ત્યારે સુરતના ઇન્ફેકશન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પ્રતીક સાવજની Divyabhaskar.com સાથે ખાસ વાત. ડો. પ્રતીક સાવજે જણાવ્યું હતું કે, ખૂબ જ ઝડપથી સ્પ્રેડ થતો ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનો વિષય છે. ઓમિક્રોન વેરિયન્ટ સામે લડવા સજ્જ પણ સાવચેતી ખૂબ જ જરૂરી છે. વેક્સિનેટ હશો તો જીવ જવાનો ખતરો ઓછો છે.
કોરોનાના નવા વેરિયન્ટને લઈને શું માનવું છે?
ડો. પ્રતીક: કોરોના વાઈરસના કારણે આપણે છેલ્લા દોઢ વર્ષમાં સમગ્ર વિશ્વમાં જે પરિસ્થિતિ જોઈ છે તેનાથી આપણે વાકેફ છીએ. શરૂઆતના તબક્કામાં જે પ્રકારના મોતના આંકડા સામે આવી રહ્યા હતાં, જે લોકો પોઝિટિવ થતા હતા ત્યારે એ ચિંતાનો વિષય સ્વાભાવિક રીતે જ થઈ જતો હતો. પરંતુ આપણે કેટલીક તકેદારીઓ રાખી અને તેના કારણે આપણે હાલ તેનાથી સુરક્ષિત થઈ શક્યા છે. પરંતુ આ નવા વેરિયન્ટે ફરી માથું ઉચક્યું છે. આ કેટલો ઘાતક છે તેના પરથી માલૂમ પડે છે કે તે 32 વખત મ્યુટેશન થઈ શકે છે.
ઓમિક્રોન અસ્તિત્વમાં આવ્યા પાછળનું તમે કયું કારણ માનો છો?
ડો. પ્રતીક: ઓમિક્રોન વેરિયન્ટનું મૂળ સ્ત્રોત આપણને દક્ષિણ આફ્રિકા હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંથી આ સમગ્ર વિશ્વમાં ધીરે ધીરે સ્પ્રેડ થઈ રહ્યો છે. મારું એવું માનવું છે કે સાઉથ આફ્રિકાની અંદર વેક્સિનેશનની કામગીરી ખૂબ જ ધીમી થઇ હતી. તેના કારણે કોરોના વાઈરસને જે મ્યુટેશન માટેનો જે પર્યાપ્ત સમય મળ્યો છે તેના કારણે આ વધુ ઘાતક થયો છે. જો વેક્સિનેશનની કામગીરી થઇ ગઇ હોત તો કદાચ મ્યુટેશન ન થવાને કારણે આ નવો વેરિયન્ટ અસ્તિત્વમાં ન હોત. પરંતુ સાઉથ આફ્રિકાની અંદર ખૂબ જ ધીમી ગતિએ વેક્સિનેશનની કામગીરી થઇ છે અને તેના કારણે મુશ્કેલી ઉભી થઇ છે.
વેક્સિનેશન જે દેશોમાં થયું છે ત્યાં પણ હવે આની સ્થિતિ વધુ જોવા મળી રહી છે?
ડો. પ્રતીક: વેક્સિનેશન જે દેશોમાં થયું છે ત્યાં ઓમિક્રોનનું મૂળ આપણને જોવા નથી મળ્યું. પરંતુ આ જે વેરિયન્ટ છે કે વેક્સિન લીધી હોય તો પણ તેના સકંજામાં લઇ શકે છે પરંતુ તે એટલો ઘાતક નથી રહેતો. સાઉથ આફ્રિકાની અંદર વેક્સિનેશનની પ્રક્રિયા ઓછી થઈ અને જે સમય હતો જેના કારણે હવે આ અન્ય દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. પરંતુ દક્ષિણ આફ્રિકા માટે આ બાબત ખૂબ જ ઘાતક પુરવાર થઈ શકે છે. સાઉથ આફ્રિકા બાદ હોંગકોંગ, ઈઝરાઈલ, બેલ્જિયમ, ઝિમ્બાબ્વે જેવા દેશોમાં ઓમિક્રોન સ્પ્રેડ થયો છે અને ત્યાં પણ આવા કેસો હવે ડિટેક્ટ થવા લાગ્યા છે.
હવે આપણે કેવી રીતે તૈયારી કરવી જોઈએ?
ડો. પ્રતીક: હવે સારી બાબત એ છે કે આપણે તમામ બાબતથી માહિતગાર છીએ. શરૂઆતના તબક્કામાં આપણી પાસે ખૂબ જ ઓછી માહિતી હતી અને તેના કારણે આપણે તૈયારી ન કરી શકતા. હવે જ્યારે આપણને ખબર છે કે આપણા દેશમાં નહીં પરંતુ અન્ય દેશની અંદર આવેલો વેરિયન્ટ સ્પ્રેડ થયો છે. ત્યારે સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ કે જે દેશોમાં આ વેરિયન્ટ છે ત્યાંથી આવનાર તમામ મુસાફરોનો એરપોર્ટ સહિતના સ્થળો ઉપર તપાસ ખૂબ ગંભીરતાથી કરવી જોઈએ અને તેમને 14 દિવસ માટે ક્વોરન્ટીન ફરજિયાત પણે રાખવું જોઈએ. સાઉથ આફ્રિકા સહિત અન્ય દેશોમાંથી આવતા લોકો પર વિશેષ ચાંપતી નજર રાખવી જોઈએ.
હવે આપણે ફરીથી સાવધાની અને તકેદારી રાખવી જોઈએ?
ડો. પ્રતીક: ઓમિક્રોન વેરિયન્ટ અત્યાર સુધીના તમામ કોરોના વાઈરસના વેરિયન્ટ કરતા ખૂબ જ અલગ છે. હવે ફરી એકવાર સમય આવી ગયો છે કોરોના સંક્રમણના આંકડા ઉપર નજર રાખવાની. જો કેસોમાં વધારો થાય તો આપણે સમજી જવાનું કે હવે ઓમિક્રોનનો કહેર શરૂ થઈ ગયો છે. તેની ફેલાવવાની ઝડપથી અત્યાર સુધીના તમામ વેરિયન્ટ કરતા અલગ પ્રકારની છે. આપણે સર્વે ખૂબ જ કાળજી રાખવી પડશે. આશ્ચર્યની વાત એ છે કે આવી સ્થિતિ હોવા છતાં પણ લોકો હજુ વેક્સિન ઝડપથી નથી લઈ રહ્યા. વેક્સિનેટ હશો તો આની સામે લડી શકશો. જીવ જવાનો ખતરો ઓછો થશે.
આગામી લડાઈ કેવી રીતે તમે જોઈ રહ્યા છો?
ડો. પ્રતીક: મને એવું લાગે છે કે હવે પછીના થોડા દિવસોની અંદર સરકાર વધુ કડકાઈથી નિયમોનું પાલન કરશે. સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે આપણે તેમને વધાવવા જોઈએ. પરંતુ હવે મને એવું લાગે છે કે ફરી એક વખત માત્ર ફરજિયાત માસ્ક પહેરીને લોકો ઘરની બહાર નીકળે તેના માટે સખ્તાઈ કરવાની જરૂર જણાશે. ટૂંક સમયમાં જ આ બાબતે સરકાર ફરીથી માસ્ક વગરના લોકો ઉપર દંડની કાર્યવાહી શરૂ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.