સુરતના પાસોદરામાં ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી નિર્મમ હત્યા કરનારા આરોપી ફેનિલને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે હત્યાના બનાવને રેરેસ્ટ ઓફ ધી રેર ગણાવી હત્યારા ફેનિલને સજા સંભળાવી હતી. મનુસ્મૃતિના શ્લોકની સાથે જજ વિમલ કે. વ્યાસે આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણીને આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આ સજાને યથાવત્ રાખવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત્ રાખવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે.
ફાંસી યથાવત્ રાખવા માગ
ગ્રીષ્મા હત્યાનો કેસ કોર્ટમાં ઝડપથી ચાલી ગયો હતો. પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા હત્યારા ફેનિલને ફાંસીના માંચડા સુધી પહોંચાડવા માટે કોઈ કસર રાખવામાં આવી નહોતી. ત્યારે હત્યારા ફેનિલને થયેલી ફાંસીની સજાના કન્ફર્મેશન માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત્ રાખવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે.
ફેનિલ હાલ લાજપોર જેલમાં
ગ્રીષ્માની નિર્મમ પણે હત્યા કરનારા ફેનિલને હવે કોર્ટે ફાંસીની સજા આપી હોવાથી લાજપોર જેલમાં તે પાક્કા કામનો કેદી બની ગયો છે. કેદી તરીકે જેલ દ્વારા દરેકને એક નંબર આપવામાં આવતો હોય છે. એ મુજબ ફેનિલને પણ નંબર આપી દેવામાં આવ્યો છે, જેથી ગ્રીષ્માનો હત્યારો ફેનિલ ગોયાણી હવે 2231 નંબરથી ઓળખાશે. જ્યાં સુધી ફાંસીના માચડે ફેનિલને લટકાવી દેવામાં ન આવે ત્યાં સુધી લાજપોર જેલમાં રાખવામાં આવશે.
ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.