સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ છે. બન્ને પક્ષ તરફથી દલીલો પૂર્ણ થઈ છે, જેથી સંભવતઃ આ કેસમાં ચુકાદો કોર્ટ આગામી 16 એપ્રિલના રોજ જાહેર કરે એવી શક્યતા સેવવામાં આવી રહી છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે પોલીસ સહિતની ન્યાયિક પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી છે, જેથી આગામી સમયમાં આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. બીજી તરફ બચાવ પક્ષે સતત ત્રણ દિવસ સુધી અંતિમ દલીલો કરી હતી, જેમાં ફેનિલને ફસાવવા ઝડપથી ચાર્જશીટ કરવામાં આવી હોવાની દલીલો કરાઈ હતી.
બચાવ પક્ષે દલીલો કરી
હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી. સતત ત્રણ દિવસ દલીલો કરી હતી, જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલાં નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરુદ્ધનું વાતાવરણ ઊભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.
105 સાક્ષીની જુબાની લેવાઈ
ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી, જ્યારે 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું, જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. આ કેસમાં હવે આરોપીના બચાવપક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની કેસ કાર્યવાહી બાદ કેસનો ચુકાદો સંભવતઃ 16મી એપ્રિલે જાહેર કરવામાં આવશે.
ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.