નુકસાનની શક્યતા:તામિલનાડુના પૂરથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 150 કરોડનો ફટકો, વેપારીઓનાં હજારો પાર્સલ અટવાયાં

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • 14 જાન્યુઆરીએ તામિલનાડુ સહિત દક્ષિણમાં ઊજવાતા પોંગલથી સુરતને કરોડોનો વેપાર
  • સ્થાનિક ટેક્સટાઇલ ટ્રેડર્સ દ્વારા મોકલાતાં કાપડનાં હજારો પાર્સલ અટવાયાં છે

તામિલનાડુમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને 150 કરોડનું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને સાઉથમાં ઊજવાતા પ્રસિદ્ધ તહેવાર પોંગલ નિમિત્તે સુરતના ટેક્સટાઇલ વેપારીઓ દ્વારા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં તૈયારી શરૂ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ હાલમાં પૂરની સ્થિતિને કારણે હજારો પાર્સલ અટકી પડ્યાં છે.

છેલ્લાં 2 વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળીએ સુરતના વેપારીઓનો સારોએવો વેપાર થયો હતો. આ વર્ષે દિવાળીએ ટેક્સટાઈલ વેપારીઓને 16 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર મળ્યો હતો. દિવાળી બાદ શરૂ થનારી લગ્નસરાની સીઝન માટે સુરતના ટેક્સટાઈલ વેપારીઓ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, સાઉથ અને ખાસ કરીને તામિલનાડુ રાજ્યમાં મોટે પાયે ઊજવાતા પોંગલ તહેવાર માટે પણ સુરતના ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ તહેવાર 14 જાન્યુઆરીના રોજ ઊજવવામાં આવે છે.

ત્યારે સુરતના વેપારીઓ દ્વારા નવેમ્બર-ડિસેમ્બર મહિનાથી જ પોંગલ તહેવાર માટે તૈયારી શરૂ કરીને ટેક્સટાઈલનાં પાર્સલો મોકલવામાં આવતાં હોય છે, પરંતુ થોડા દિવસથી તામિલનાડુમાં ભારે વરસાદ અને અનેક શહેરોમાં પૂરની સ્થિતિને લઈને સુરતના ટેકસટાઈલ ઉદ્યોગ પર એની માઠી અસર પડી છે. સ્થાનિક કાપડ વેપારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં તામિલનાડુ માટેનાં હજારો પાર્સલો પણ અટકી પડ્યાં છે. વરસાદની આવી તારાજીને કારણે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને 150 કરોડથી વધારેનું નુકસાન જવાની શક્યતા જોવાઈ છે.

નવેમ્બર-ડિસેમ્બરથી જ તૈયારી થવા માંડે છે
ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે, જાન્યુઆરી મહિનામાં સાઉથમાં પોંગલને તહેવાર આવે છે. સુરતના ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા નવેમ્બર ડિસેમ્બર પછી આ તહેવાર માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ તામિલનાડુમાં વરસાદ અને પૂરની સ્થિતિને કારણે હાલ માલ મોકલવાનું અટવાઈ રહ્યું છે, જેને લઈને સુરતના વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવશે.’

અન્ય સમાચારો પણ છે...