ત્રણ વર્ષ પછી આ ઉતરાયણે પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં અનુકૂળ આવે તેવો પવન ફૂંકાશે. છેલ્લાં 3 વર્ષથી 6થી 8 કિલમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે, પરંતુ આ વર્ષે 14 અને 15 જાન્યુઆરી એમ 2 દિવસ 10થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે તાપમાનમાં 3 દિવસ સુધી વધારો નોંધાશે. છેલ્લાં 3 દિવસથી ઠંડીનો ચમકારો હતો.
પરંતુ ગુરુવારે પારામાં 1 ડિગ્રી ઘટાડો નોંધાયો છે, બીજી તરફ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બુધવારે મહત્તમ તાપમાન 26.4 ડિગ્રી જ્યારે લધુતમ 11.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગુરુવારે મહત્તમ તાપમાન 26.6 અને લધુતમ તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું હતું. 17મી સુધી શહેરમાં ક્રમશ: તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે. 18મી બાદ ફરીથી ક્રમશ: 4 ડિગ્રીનો ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે.
ધાબા પર ભીડ ભેગી થઈ તો જવાબદારો સામે કાર્યવાહી
ઉતરાયણની પૂર્વ સંધ્યાએ ડબગરવાડ સહિત શહેરના પતંગ બજારોમાં મોડી રાત સુધી ભીડ જોવા મળી હતી. આ અંગે પતંગ-દોરાના વેપારી જયેશ દોરીવાલા કહે છે કે, એક અંદાજ પ્રમાણે એક જ દિવસમાં 5 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. ભાવ વધારો હોવા છતાં પતંગ-દોરીના વેચાણમાં ઘટાડો થયો ન હતો. છેલ્લાં 2 વર્ષની સરખામણીમાં આ વર્ષે વેચાણમાં 10 ટકાનો વધારો થયો હતો. આ સાથે જ ઉતરાયણમાં ભાગળ-રાજમાર્ગ વિસ્તારમાં ઘણા લોકો પતંગ રસિયાઓને મકાનનું ટેરેસ ભાડે આપતા હોય છે. જો કે, આ વખતે ટેરેસ પર ભીડ હશે તો પોલીસ કાર્યવાહી કરશે. પોલીસ સવારથી બંદોબસ્તમાં ગોઠવાય જશે અને ટેરેસ પર ખાસ નજર રાખશે. લોકોના ટોળા દેખાશે તો સોસાયટીના સેક્રેટરી કે જવાબદાર વ્યકિત સામે કાર્યવાહી કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.