પ્રેમના ચક્કરના મોટાભાગે કરુણ અંજામ આવતાં હોય છે. ત્યારે નવસારી જિલ્લાના વાંસદાના સિંગાડ ગામે અજબ કિસ્સો બની ગયો હતો. સગીરાના પ્રેમમાં પાગલ પ્રેમીએ તેના ઘરે જઈને જ્વલનશીલ પદાર્થ શરીરે છાંટીને આપઘાત કર્યો હતો. સગીરા લગ્ન માટે ભાગી જવાની ના પાડતી હોવાથી ઉશ્કેરાયેલા યુવકે પોતાના શરીરે આગ ચાંપી દીધી હતી. જેથી તેને બચાવવા જતાં સગીરાના પિતા પણ દાઝી ગયા હતાં. યુવકના મોતના છ દિવસની સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ સગીરાના પિતા પણ મોતને ભેટ્યાં હતાં.
પ્રેમી સગીરાને લગ્ન માટે દબાણ કરતો
ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા સાથે યુવક પ્રેમમાં હતો. શરૂઆતમાં એક બીજા સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. બોલ-ચાલના સંબંધ હતાં. યુવક સતત સગીરાને ભાગી જવા માટે કહેતો હતો. લગ્ન કરી લેવાની પણ વાત કરતો હતો. પરંતુ સગીરા સતત તેને સમજાતી હતી કે, તેની ઉંમર ખૂબ જ ઓછી છે. તેના કારણે તે લગ્ન કરી શકે તેમ નથી. એક દિવસ અચાનક જ પ્રેમી યુવક સગીરાના ઘરે પહોંચી ગયો હતો, અને પોતાના શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ નાખીને સળગી ગયો હતો. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
સગીરાના પિતા બચાવવા કુદયાં હતા
યુવક સગીરાના ઘરે પહોંચી ગયો હતો. પ્રેમ લગ્ન કરવા માટેની જીદ કરી રહ્યો હતો. પરંતુ સગીરાના પિતાએ કહ્યું કે, દીકરીની ઉંમર ખૂબ જ ઓછી છે. આ સંજોગોમાં લગ્ન કરી શકાય નહીં. અત્યારે ભણવાનું ચાલુ છે. તેમાં જ ધ્યાન આપવું જોઈએ. એ પ્રકારની વાત તેણે યુવકને કરી હતી. પરંતુ યુવક પ્રેમમાં બેબાકળો થયો હતો. તેના કારણે સગીરા અને તેના પિતાની વાત ન માનીને તેણે જીવન ટૂંકાવી દેવાનું વિચાર્યું હતું. તેમની સામે જ પોતાના શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ નાંખીને સળગી ગયો હતો. યુવક સળગતો હતો. તે દરમિયાન જ સગીરાના પિતાએ તેને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. જેના કારણે તેઓ પોતે પણ ગંભીર રીતે દાજી ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. છ દિવસની સારવાર બાદ વૃદ્ધ લલ્લુભાઈનો મોત નીપજ્યું હતું.
યુવક ભાગીને લગ્ન કરવાનું કહેતો: સગીરા
સગીરાએ કહ્યું કે, હું ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. યુવક સાથે અમારા બોલ ચાલના સંબંધ હતાં. સારી એવી મિત્રતા પણ હતી. પરંતુ મારું ધ્યાન ભણવામાં હતું. મારી ઉંમર પણ 18 વર્ષ કરતા ઓછી છે. મારું સપનું ડોક્ટર બનવાનું છે. તેના માટે હું સાયન્સમાં અભ્યાસ કરતી હતી. યુવક ઘણા સમયથી મને સાથે ભાગી જવા માટે કહેતો હતો. પરંતુ, હું એને સતત સમજાવતી રહી. એક દિવસે ક્યાંક મારા ઘરે આવીને શરીર ઉપર તેણે પ્રવાહી છાંટીને આપઘાત કરી લીધો. તે સમયે મારા પિતા પણ હાજર હતા, તેમણે બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ, દુઃખની વાત એ છે કે, તે પોતે પણ મોતને ભેટ્યો અને મારા પિતા પણ ખૂબ ગંભીર રીતે દાઝી જતાં તેનું પણ મોત થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.