સુરત માતા-બહેન હત્યા કેસ:આત્મહત્યાનો પ્રયાસ કરનારી ડો. દર્શનાએ પોલીસ નિવેદનમાં કહ્યું, ‘પિતાએ જવાબદારી ન નિભાવી, હવે હું આત્મહત્યા જ કરી લઈશ’

સુરત2 મહિનો પહેલા
ડો. દર્શનાની તસવીર.
  • કતારગામની ડો. દર્શનાની ધરપકડ બાદ પોલીસ સમક્ષ નિવેદન
  • માતા- બહેનની હત્યા બાદ હવે જીવવું વ્યર્થ છે: ડો.દર્શના

કતારગામમાં માતા અને બહેનની હત્યાની આરોપી દર્શના પોતે શા માટે આત્મહત્યા કરવા માગે છે એ બાબતે પોલીસને નિવેદન આપ્યું હતું. એમાં તેણે કહ્યું હતું કે તેના પિતા પરિવારની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી શક્યા હોત, પરંતુ તેમણે એવું કર્યું ન હતું. હાલમાં તેને આર્થિક સંકડામણ હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

મૃતક માતા અને બહેનની તસવીર.
મૃતક માતા અને બહેનની તસવીર.

મંગળવારે દર્શનાની ધરપકડ કરી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, કતારગામમાં ચીકુવાડી ચાર રસ્તા પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતી દર્શના કાંતિલાલ પ્રજાપતિએ તેની માતા મંજુલાબેન અને નાની બહેન ફાલ્ગુનીને ઇન્જેક્શન આપી હત્યા કરી હતી. ત્યાર બાદ પોતે ઊંઘની વધુપડતી ગોળીઓ ખાઈને આત્મહત્યાની કોશિશ કરી હતી, પરંતુ તે બચી ગઈ હતી. ચોકબજાર પોલીસે તેની વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરીને મંગળવારે દર્શનાની ધરપકડ કરી છે. દર્શનાએ પોલીસને જણાવ્યું હતું કે તે ઘણા સમયથી ડિપ્રેશનમાં છે. તેના પિતાએ પરિવારની જવાબદારી નિભાવી ન હતી. એક પિતા તરીકે પણ તેમણે સામાજિક-આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી ન હતી.

કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી
દર્શના છેલ્લા બે દિવસથી સતત રડ્યા કરે છે. દર્શના કહે છે કે તેની માતા અને બહેન તેની વગર જીવી શકે એમ ન હોવાથી તેમની હત્યા કરી હતી. હવે પોતે માતા અને બહેન વગર કેવી રીતે જીવી શકશે? માતા અને બહેન વગરનું જીવન વ્યર્થ છે. મંગળવારે ચોકબજાર પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જ્યુડિશિય કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દર્શના આર્થિક સંકડામણ પણ અનુભવતી હતી.

અન્ય સમાચારો પણ છે...