ધરપકડ:વ્યાજ વસૂલવા યુવકને ત્રાસ આપનાર પિતા-પુત્ર ઝડપાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કાપોદ્રામાં પાનનો ગલ્લો ચલાવતા યુવકે જરૂર પડતા પોતાના મિત્ર પાસેથી 1.20 લાખ રૂપિયા લીધા હતા. મિત્ર પાસેથી મદદરૂપે રૂપિયા લીધાં બાદ યુવક પાસે મિત્ર અને તેના પિતાએ ભારે વ્યાજની માંગણી કરી હતી. એટલું જ નહીં પિતા-પુત્રે વ્યાજ વસુલવા માટે યુવકને સતત ત્રાસ આપ્યો હતો. જેથી યુવકે આ બંનેના ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવતા પોલીસે માથાભારે પિતા-પુત્રની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ઉત્રાણમાં શિવાંત હાઇટ્સમાં રહેતા દિનેશ ખીમજી વેકરિયા પાનનો ગલ્લો ચલાવે છે. તેમના દીકરા સાથે વર્ષો પહેલાં સ્કુલમાં ગોપાલ ભરવાડ અભ્યાસ કરતો હોવાથી તેની સાથે સારો ઘરોબો હતો. દિનેશ વેકરિયાને રૂપિયાની જરૂરત પડતા 1.20 લાખ રૂપિયા ગોપાલ પાસે લીધી હતા. જ્યારે ગોપાલે રૂપિયા આપ્યા ત્યારે વ્યાજની કોઈ વાત થઈ નહતી. દિનેશે 10 મહિનામાં 1.20 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા.

હવે ગોપાલ અને તેના પિતા લક્ષ્મણ ભરવાડ દિનેશ પાસે વ્યાજ પેટે 1.34 લાખ રૂપિયા માંગે છે. તેથી દિનેશ વેકરિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે વ્યાજખોર પિતા-પુત્ર ગોપાલ લક્ષ્મણ ભરવાડ અને લક્ષ્મણ લઘરાભાઈ ભરવાડ(બંને રહે.રામકૃષ્ણ કોલોની,ભરવાડ ફળીયું,કાપોદ્રા)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...