મેટ્રો ટ્રેન અને ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનારા ખજોદના ખેડૂતોને અન્ય સ્થળે જમીન આપવાના મુદ્દે નારાજગી છે. યોગ્ય ન્યાય નહીં મળે તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચિમકી ઉચ્ચારી છે. મંગળવારે કપાતમાં જતી જમીનના માલિકો, પાલિકા કમિશ્નર-મેટ્રો પ્રોજેક્ટના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર બંછાનિધિ પાની અને ડ્રીમસીટીના ઉચ્ચ અધિકારીઓ સાથે ડાયમંડ બુર્સ ખાતે બેઠક મળી હતી.
જેમાં અધિકારીઓએ ખેડૂતોને જાણ કર્યા વિના ખેતરમાં ડિમાર્કેશન ખૂંટ માર્યા હોવાનો વિરોધ કર્યો હતો તેમજ તેમને અમારી મૂળ જમીનમાં જ ટીપી સ્કીમમાં ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવે તેમજ કપાત ટીપીના નિયમોનુસારની ૪૦% કપાતમાં જ ગણી લેવી એવી રજૂઆત કરી હતી. જે બાબતે કમિશ્નરે મૂળ જમીનમાં જ ફાઇનલ પ્લોટ અપાશે એવી હૈયાધરપત આપી છે.
જ્યારે ડ્રીમ સીટી પ્રોજેક્ટમાં ખજોદ ગામની ખાનગી ખેડૂતોની ૧૧૯ હેક્ટર જમીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જમીનના બદલામાં ખેડૂતોને મીંઢોળા નદીની આસપાસ બંજર અને બિનઉપજાઉ જમીન આપવામાં આવશે એવી જાહેરાત ડ્રીમસીટીના કાર્યપાલક ધર્મેશ મિસ્ત્રીએ કરી હતી. જે બાબતનો ખજોદ ગામના ખેડૂતો વિરોધ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.