ઉજવણી:સુરતના કોંગ્રેસ અને ખેડૂતોએ કાયદા પરત ખેંચાતા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી કહ્યું,-'કાયદાની સામે લડત લડતા શહીદ ખેડૂતોને નમન'

સુરત2 મહિનો પહેલા
ખેડૂતોએ નારેબાજી હર્ષ વ્યક્ત કર્યો હતો.
  • દ.ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખે કહ્યું,સ્વામિનાથન કમિટીના રિપોર્ટને અમલમાં મુકવો જોઈએ

મોદી સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રની અંદર ત્રણ મોટા વિવાદાસ્પદ નિર્ણય લીધા હતા. કાયદાનું સ્વરૂપ આપ્યા બાદ સમગ્ર દેશભરના ખેડૂતોની અંદર અસંતોષની લાગણી પ્રવર્તી હતી. આખરે ખેડૂત આંદોલનકારીઓની જીત છે. રાષ્ટ્ર જોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. આવનારા લોકસભાના સત્રમાં વિધિવત રીતે ત્રણેય કાયદાઓને પરત ખેંચી લેવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા નિર્ણયને લઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયાં હતાં. પરંતુ. ખેડૂતોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.ફટાકડા ફોડીને મીઠાઈઓ ખેડૂતો દ્વારા વહેંચવામાં આવી હતી.કોંગ્રેસ દ્વારા પણ ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ હતી.

ખેડૂતોએ મીઠાઈ ખવડાવી હરખ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોએ મીઠાઈ ખવડાવી હરખ વ્યક્ત કર્યો હતો.

ખેડૂતોમાં ખુશીનો માહોલ
જહાંગીરપુરા ખાતે ખેડૂતોએ એકત્રિત થઈને કેન્દ્ર સરકારની ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત થતાની સાથે જ આનંદ ફેલાયો છે. સુરત જિલ્લાના યુવા ખેડૂત લખન પટેલે જણાવ્યું કે, જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં કૃષિ કાયદો પસાર કર્યો છે. ત્યારથી સતત વિરોધ જોવા મળી રહ્યો હતો. સરકારે આ કાયદાને ખેડૂત વિરોધી તૈયાર કર્યો હતો. કેટલાક કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાને અમલમાં લાવવાની જાહેરાત કરી હતી. મોદી સરકાર પોતાના અહંકાર અને જડ વલણને કારણે ખેડૂતોએ ખૂબ જ લાંબુ આંદોલન ચલાવવું પડ્યું છે. આંદોલન દરમિયાન અનેક ખેડૂતોના મોત નીપજ્યા છે. પરંતુ વિલબથી પણ સરકારે કૃષિ કાયદાને પરત ખેંચતા અમે સૌ કોઈ ખુશ છીએ.

રાષ્ટ્ર જોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી છે
રાષ્ટ્ર જોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી છે

લાંબી લડત બાદ સફળતા
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે, કૃષિ કાયદાની સામે ખૂબ જ લાંબી લડત બાદ સફળતા મળી છે. આંદોલન દરમિયાન 700 જેટલા ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખેડૂતોને ટેકાના પોષણક્ષમ ભાવ મળી રહે અને સ્વામિનાથન કમિટીનો જે રિપોર્ટ છે. તે મુજબ ખેડૂતોને રાહત આપવામાં આવે તે જરૂરી છે. કેન્દ્ર સરકારે જ્યારે આ કાયદાઓ અમલમાં લાવવાનો નિર્ણય લીધો હતો. તે પહેલા ખેડૂતો સાથે વિચાર-વિમર્શ કરીને જ આગળ વધવાની જરૂરિયાત હતી.

કોંગ્રેસી આગેવાનો દ્વારા ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કોંગ્રેસી આગેવાનો દ્વારા ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ચૂંટણીના ડરે નિર્ણય ફર્યો-કોંગ્રેસ
કોંગ્રેસ નેતા હરિશ સૂર્યવંશીએ જણાવ્યું કે, આજના પાવન દિવસે મોદી સરકારે આખરે કૃષિ કાયદાને પરત ખેંચીને પોતાની ભૂલ સ્વીકારી હોય તેવું લાગી રહ્યું છે. મોદી સરકારે આ ખેડૂતોના હિત માટે નહીં પરંતુ પોતાના રાજકીય નુકસાનને ઓછું કરવા માટે નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં ગુજરાત સહિતના અલગ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થાય તેની માટેની તૈયારી છે. કૃષિ કાયદાને કારણે દેશભરના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર ચૂંટણી પરિણામ ઉપર થવાને ડરે મોદી સરકારે આખરે પોતાનો નિર્ણય પરત ખેંચવાની જાહેરાત કરી છે. આ કોઈ ખેડૂતોના માટેની સહાનુભૂતિ નથી. પરંતુ રાજકીય દબાણના કારણે થયું છે.