સબ રજીસ્ટ્રાર કચેરીના રેકર્ડ રૂમમાંથી કરોડોની કિંમતની 5 જમીનોના દસ્તાવેજો સાથે ચેડા કરવાના મામલે ક્રાઇમબ્રાંચે વલસાડના ખેડૂત પુત્ર વિજય છીબુ પટેલની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી રવિવારે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટએ 13મી તારીખે સુધીના રિમાન્ડ આપ્યા છે. વધુમાં આ કેસમાં ક્રાઇમબ્રાંચે બિલ્ડરના પુત્રને પણ ઊંચકી લાવી હોવાની વાત સામે આવી છે. જો કે આ બાબતે પોલીસે કાંઈપણ કહેવાનો ઈનકાર કર્યો છે.
રિમાન્ડ દરમિયાન આરોપી વિજય સાથે અન્ય કોણ કોણ સામેલ હતા તેની તપાસ કરવામાં આવશે ઉપરાંત આવી બીજી કોઈ જમીનમાં બોગસ દસ્તાવેજો બનાવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ કરાશે. આરોપી વિજય પટેલની ક્રાઇમબ્રાંચે બોગસ દસ્તાવેજ બાબતે પૂછપરછ કરી જેમાં તેણે એવુ જૂઠાણું ચલાવ્યું કે ઘરમાં સાફ-સફાઇ વેળા પિતાની માલિકીના ખજોદ અને વેસુની જમીનના દસ્તાવેજો મળ્યા હતા. જેમાં વિજય પટેલે ખજોદની જમીનનો સોદો કરવા માટે 5 થી 7 જણા સાથે મિટિંગ પણ કરી લાખો-કરોડોની રકમ પણ લીધી હોવાની વાત છે. એટલું જ નહિ ખજોદની જમીનનો થોડા મહિના પહેલા બિલ્ડરના 3 માણસોના નામે દસ્તાવેજ કરાવી આપ્યો હોવાની શક્યતા છે.
ખરેખર આ બાબતે ક્રાઇમબ્રાંચ તપાસ કરાવે તો 3 માણસોની સાથે બિલ્ડરની સંડોવણી બહાર આવી શકે તેમ છે. સાચા માલિકોની જમીન ઘોંચમાં નાખવા માટે કેટલાક બની બેઠેલા જમીન માલિકોએ બોગસ સાટાખત, એમયુઓ અને રજીસ્ટ્રડ વેચાણ દસ્તાવેજ તેના સાગરિતોના નામે બનાવ્યા હોવાની વાત છે. ભલે તેઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં સામેલ ન હોય પરંતુ જમીન પચાવી પાડવામાં પડદા પાછળનો રોલ કહી શકાય ! જેથી આવા તત્વોની સામે અલગથી લેન્ડગ્રેબીંગ એકટનો ગુનો પોલીસ દાખલ કરશે કે કેમ તે જોવુ રહયું,
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.