• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Lankapati Family, On Dussehra, Friends Say 'don't Leave The House Or People Will Burn It', If You Search On Google, One Shows Ravana And The Other Shows This Family.

ભાસ્કર એક્સક્લૂસિવઆ છે દેશનો એકમાત્ર 'લંકાપતિ’ પરિવાર:દશેરાએ મિત્રો કહે છે, 'ઘર બહાર ન નીકળતા, નહીંતર લોકો સળગાવી દેશે', ગૂગલ પર સર્ચ કરો તો એક રાવણ દર્શાવે ને બીજો આ પરિવાર

સુરત2 મહિનો પહેલાલેખક: પંકજ રામાણી

વિશ્વવિખ્યાત સાહિત્યકાર શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે, પરંતુ ક્યારેક નામ કરતાં પણ ઉપનામ જ વ્યક્તિની ઓળખ બની જતી હોય છે. ત્યારે સુરતમાં રહેતો એક પરિવાર તેની કળા અને કાર્યથી તો ઓળખાય જ છે, સાથે તેમની અનોખી સરનેમ(અટક) લંકાપતિના કારણે ફેમસ છે. મિત્રો દશેરાએ ખાસ મેસેજ કે ફોન કરીને કહે કે આજે ઘર બહાર ન નીકળતા, નહીંતર લોકો સળગાવી દેશે. પરિવારના પુરુષોને લોકો રાવણ અને મહિલાઓને મંદોદરીના નામથી પણ સંબોધન કરતા હોય છે. ત્યારે આવો... જાણીએ લંકાપતિની અનોખી કથા...

લંકાપતિનો ઇતિહાસ
લંકાપતિ સરનેમનો ઇતિહાસ જણાવતાં મિતુલભાઈ અને મહેશભાઈ લંકાપતિના કહેવા અનુસાર, પાંચ પેઢીથી અમારી આ સરનેમ પડી ગઈ છે. એ સમયે સુરત સિટીને બદલે નાનાં નાનાં ગામોમાં કે વિસ્તારોમાં વહેંચાયેલું હતું. ત્યારે સલાબતપુરા પાસે મિતુલના દાદાના પરદાદા કાલિદાસ ગોટાવાલા રામમંદિર પાસે વસવાટ કરતા હતા અને રોજ રાત્રે જમ્યા પછી રામમંદિરના ચોરા પર મંદિરના મહારાજનો સત્સંગ સાંભળવા જતા હતા. કાલિદાસ ગોટાવાલા પોતાની ભરાવદાર મૂંછ અને મજબૂત કદ કાઠીના હતા, પરંતુ એક દિવસ રાતના સત્સંગમાં કોઈ કારણસર પહોંચ્યા નહીં અને મંદિરના મહારાજને તેમનું નામ યાદ નહીં હોવાથી તેમના કદ અને મૂંછો પરથી લોકોને એમ પૂછ્યું કે પેલા લંકાપતિ રાવણ જેવા દેખાય છે તેઓ આજે કેમ નથી આવ્યા. ત્યારથી લોકો તેમને લંકાપતિ રાવણના નામથી બોલાવતા હતા. આ રીતે કાલિદાસ ગોટાવાલાની સરનેમ લંકાપતિ પડી હતી.

ફિલ્મમાં પણ કરી રહ્યા છે કામ
પિપલોદ વિસ્તારમાં વસવાટ કરતા મિતુલ લંકાપતિને લોકો રાવણના નામથી બોલાવે છે. હાલ તેમના નામની સાથે ગોટાવાલા સરનેમની બદલે ઑફિશિયલ રીતે લંકાપતિ સરનેમ લાગે છે. મિતુલ મિલમાં પ્રિન્ટિંગ માસ્ટરની સાથે ડ્રામા આર્ટિસ્ટ છે. મલ્ટી એક્ટરની ટેલન્ટ રહેલી છે અને આ ટેલન્ટને કારણે ઘણીવાર તેને મલ્ટી રોલવાળા ડ્રામા પણ કર્યા છે. ડ્રામાના બેનરોમાં લંકાપતિ રાવણના 10 માથાવાળા ફોટાની જેમ મિતુલ લંકાપતિની પ્રતિભા જોઈ 5 માથાવાળો મિતુલ લંકાપતિ દેખાડવામાં આવે છે. સાઇક્લિંગ પણ સ્પિટી વેલી સુધીની સફર ખેડવા સહિતના અવોર્ડ જીત્યા છે. તો આગામી 7મી ઓક્ટોબરના રોજ ચોકઠું ફિટ ફિલ્મ આવી રહી છે, જેમાં મિતુલે અભિનય કરવાની સાથે સાથે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી પણ નિભાવી છે.

દક્ષિણ ભારતમાં સરનેમથી સન્માન મળ્યું
સરનેમમાં રાવણ અને તેના આરાધ્ય શંકર બન્નેનું સમિશ્રણ નામ ધરાવતા તથા સ્કેચ આર્ટિસ્ટ અને ઓરકેસ્ટ્રા ચલાવતા મહેશભાઈ લંકાપતિએ જણાવ્યું હતું કે અમને વારસામાં મળેલી આ અનોખી અટકથી અમને ઘણીવાર સન્માન પણ મળ્યાં છે. અમે દક્ષિણ ભારતમાં ફરવા ગયા ત્યારે ચેન્નઈની એક હોટલમાં નામ લખાવ્યું ત્યારે મેનેજર અમારાથી પ્રભાવિત થઈ ગયો હતો. અમારી સાથે ફોટો પડાવ્યા હતા. હોટલના સ્ટાફે અમને વિશેષ સવલતો આપી હતી. આ સિવાય પણ રાવણના નામના કારણે ગૌરવ પણ અનુભવીએ છીએ.

મિતુલ લંકાપતિ અને તેનો પરિવાર.
મિતુલ લંકાપતિ અને તેનો પરિવાર.

પુરુષ રાવણ ને મહિલા મંદોદરી તરીકે જાણીતા
મહેશભાઈ લંકાપતિના હાઉસવાઈફ પત્ની નીલુબહેને જણાવ્યું હતું કે અમારી અટક વિશેષ છે, જેથી અમારા કુટુંબના પુરુષોને તેમના ફ્રેન્ડ સર્કલમાં બધા રાવણ અથવા તો લંકેશ તરીકે સંબોધે છે. જ્યારે મહિલાઓને મંદોદરી કહીને બોલાવતા હોય છે. અમને આ પ્રકારના હુલામણા નામ અપાય છે. તો અમારા ફ્રેન્ડ સર્કલમાં અમારાં બાળકોને પણ મેઘનાદ સહિતના નામથી બોલાવવામાં આવતા હોય છે, એટલે એક જ પરિવારના એક જ સભ્યને પપ્પાનું ફ્રેન્ડ સર્કલ મેઘનાદ તો તેમનું ફ્રેન્ડ સર્કલ રાવણ કહીને સંબોધિત કરતું હોય છે.

કુટુંબના પુરુષોને તેમના ફ્રેન્ડ સર્કલમાં બધા રાવણ અથવા તો લંકેશ તરીકે સંબોધે છે.
કુટુંબના પુરુષોને તેમના ફ્રેન્ડ સર્કલમાં બધા રાવણ અથવા તો લંકેશ તરીકે સંબોધે છે.

રાવણ પરિવારપ્રેમી હતો
રાવણના ગુણો વિશે વાત કરતા મિતુલભાઈનાં પત્ની અને ફેશન-ડિઝાઈનર તથા બુટિક ચલાવતાં પૂનમ લંકાપતિએ કહ્યું હતું કે અમારી યુનિક સરનેમના કારણે લોકો પૂછે કે તમે શ્રીલંકાના છો? ત્યારે મારે સ્ટોરી કહેવી પડતી હોય છે. રાવણમાં ખૂબ બધા ગુણો હતા. હું લોકોને પોઝિટિવ થિંકિંગ માટે પણ વીડિયો મારફત સમજાવું છું ત્યારે એ જ કહું કે કોઈના અવગુણ જોવા કરતાં ગુણો જોવા જોઈએ. રાવણમાં અહંકાર સિવાય ઘણા બધા ગુણો હતા. રાવણનો પરિવારપ્રેમ ખૂબ ઉચ્ચકક્ષાનો હતો. પોતાની બહેન ખોટી હોવા છતાં તેનું અપમાન થયું હોવાથી સીતાજીનું અપહરણ કર્યું અને ક્યારેય તેને હાથ સુધ્ધાં પણ લગાવ્યો નહોતો. મહિલાઓ માટે પણ રાવણને ખૂબ આદર હોય એવું સાબિત થાય છે.

પરિવારના દરેક સભ્યને રાવણ અને રામ તથા રામાયણ વિશે પણ પૂરતું નોલેજ આવી ગયું છે.
પરિવારના દરેક સભ્યને રાવણ અને રામ તથા રામાયણ વિશે પણ પૂરતું નોલેજ આવી ગયું છે.

ગૂગલ પણ લંકાપતિ સર્ચ કરતાં અમને બતાવે છે-મિતુલ
મિતુલ લંકાપતિએ કહ્યું હતું કે અમારી અનોખી સરનેમ ઈન્ટરનેટમાં પણ ધૂમ મચાવે છે. ગૂગલ પર લંકાપતિ સર્ચ કરીએ તો એક તો રાવણને દર્શાવે છે. બીજું અમારું નામ આવે છે. દેશમાં કદાચ અમારા એક જ પરિવારની સરનેમ લંકાપતિ છે. લંકાપતિ સરનેમના કારણે અમારા પરિવારના દરેક સભ્યોને રાવણ અને રામ તથા રામાયણ વિશે પણ પૂરતું નોલેજ આવી ગયું છે, કારણ કે લોકો જ્યારે લંકાપતિ સરનેમ કહીએ અને પછી બધું પૂછે ત્યારે અમારે અલગ અલગ સવાલોના અલગ અલગ જવાબો આપવા પડતા હોય છે, જેના કારણે અમારું ધાર્મિક નોલેજ પણ ખૂબ સારું થયું છે.

અન્ય સમાચારો પણ છે...