ડિંડોલીમાં રવિવારે રાત્રે તપાસ કરવા ગયેલા પોલીસ જવાન પર લિસ્ટેડ મહિલા બુટલેગરના પરિવારે હુમલો કર્યો હતો. ડિંડોલી પોલીસના કોન્સ્ટેબલનો કોલર પકડીને તેને ગાળો ભાંડી હતી. જેથી ચાર લોકો સામે કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ડિંડોલી પોલીસથી મળતી માહિતી મુજબ, ઇ-કોપ એપ્લિકેશન મારફત પોલીસે લિસ્ટેડ બુટલેગરોને ચકાસવાનું હતું. તેથી ડિંડોલીના કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ ભરતસિંહ રવિવારે રાત્રે બુટલેગરોનું લિસ્ટ લઈને બુટલેગરોના ઠેકાણે તપાસ માટે ગયા હતા.
કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ ડિંડોલી નવાગામ ચોકીથી અડધા કિલોમીટરના અંતરે આવેલી બાબા હોસ્પિટલ પાસે નવા હળપતિવાસમાં રહેતી આધેડ વયની બુટલેગર મીના સુરેશ રાઠોડની તપાસ કરવા માટે તેના ઘરે ગયા હતા. ત્યાં કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ મીનાનો ફોટો એપ્લીકેશનમાં અપલોડ કરી રહ્યાં હતા ત્યારે મીનાનો પતિ સુરેશ રાઠોડ, દીકરો મનીષ રાઠોડ, પિયુષ રાઠોડ અને અન્ય એક ઓળખીતી મહિલા કૈલાશબેન વિપુલ સોજીત્રાએ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ સાથે ઝઘડો કરવાનું ચાલુ કરી દીધું હતું.
આ તમામ લોકોએ બ્રિજરાજસિંહને શા માટે અહીં વારંવાર આવો છો? એમ કહીને તેઓએ ઝપાઝપી કરી હતી.એટલું જ નહીં આ તમામ લોકોએ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહના શર્ટનું કોલર પકડી લઇને તેમને તમાચો મારીને ગાળો આપી ત્યાંથી જતા રહેવા કહ્યું હતું.
કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આરોપી સુરેશ રાઠોડ, મનીષ રાઠોડ, પિયુષ રાઠોડ અને કૈલાસબેન વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ અને પોલીસ કર્મચારી પર હુમલો કરીને તેને માર મારવાની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.