કોરોનાના કપરાકાળમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા, અનેક દર્દીઓની સેવા કરનારા સ્ટાફ નર્સ સ્વ.મુક્તિબેન પટેલનું કોરોનાના કારણે દુઃખદ નિધન થયું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને રૂ. 50 લાખનો ચેક અર્પણ કરાયો હતો. આજે સાંસદ સી.આર.પાટીલના હસ્તે સ્વ.મુકિતબેનના પરિવારજનોને ધનરાશિ અર્પણ કરી આર્થિક સધિયારો આપવાં સાથે સાંત્વના પાઠવવામાં આવી હતી.
મુક્તિબેન 21મી એપ્રિલે કોરોના પોઝિટીવ થયા હતા
કોળી પટેલ પરિવારના 32 વર્ષીય મુક્તિબેન ગત તા.21મી એપ્રિલ,2021ના રોજ કોરોના પોઝિટીવ આવતા નવી સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તા.24મી એપ્રિલે નિધન થયું હતું.
રાજ્યમાં 10 નર્સિંગ સ્ટાફના મોત થયા છે
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે રાજયભરમાં નર્સિંગના 10 કોરોના વોરિયર્સના મૃત્યુ થયા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ત્રણ મૃત્યુ થયા હતા. તમામ કોરોના વોરિયર્સના પરિવારજનોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રૂા.50 લાખના ચેકો અર્પણ કરવામાં આવ્યા છે. આજે સ્વ.મુક્તિબેન પટેલના પતિ નટવરલાલ તથા તેમની નવ વર્ષીય પુત્રી હાર્વી સહિતના પરિવારજનોને ચેક અર્પણ કરીને આર્થિક આધાર આપ્યો છે. રાજ્યભરના નર્સિંગ કર્મચારીઓએ ડોક્ટરો સાથે ખભેખભા મિલાવીને કોરોના દર્દીઓની સારવાર-સુશ્રુષા કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.