મોતનો ભૂસ્કો:ખેંચથી કંટાળી માતા-પુત્રી નદીમાં આપઘાત કરવા પહોંચ્યા; પુત્રી કૂદી, માતાને બચાવાઈ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરવાડાના નહેરૂનગરમાં રહેતી માતા-પુત્રી લાંબા સમયથી બિમારીમાં સપડાયા હતા
  • મક્કાઇપુલ બ્રિજ પરથી પુત્રીએ મોતનો ભૂસ્કો માર્યો

મક્કાઈપુલ પરથી ઉમરવાડાની માતા-પુત્રી ખેંચની બિમારીથી કંટાળી આપઘાત કરવા નીકળ્યા બાદ પુત્રીએ બ્રિજ પરથી તાપીમાં પડતું મુકી દીધું હતું જ્યારે માતાને લોકોએ બ્રિજ પર જ પકડી બચાવી લીધી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બ્રિજ પરથી કુદી પડેલી પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં નાવડી ઓવારા પાસેથી પુત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉમરવાડા નહેરૂનગર ખાતે રહેતા 22 વર્ષીય રૂબીના અનવર ખાનના લગ્ન અનવર ખાન સાથે થયા હતા પરંતુ અનવર ખાન રૂબીનાના પરિવાર સાથે રહે છે. રૂબીના અને તેની બહેન તેમજ 45 વર્ષીય માતા હમીદાને ખેંચની બીમારી હતી.

દોઢ મહિના પહેલા રૂબીનાને બીમારીના કારણે સિવિલમાં દાખલ પણ કરવામાં આવી હતી. આજે બન્નેએ સાથે જીવન ટુંકાવી લેવાનું મન બનાવી લીધું હતું. સોમવારે સવારે બન્ને મક્કાઈપુલ પર પહોંચ્યા હતા. જ્યાં રૂબીનાએ બ્રિજ પરથી તાપીમાં પડતું મુકી દીધું હતું અને પુત્રી કૂદી જતા માતા હમીદા પણ પડતું મુકવા જઈ રહ્યા હતા. ત્યાં લોકોએ દોડી જઈ તેમને પકડી બચાવી લીધા હતા. રૂબીના તાપીમાં કૂદી પડી હોવાથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

નાવડી ઓવારાથી રૂબિનાનો મૃતદેહ મળ્યો
બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રૂબીનાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં શોધખોળ દરમિયાન નાવડી ઓવારા પાસેથી રૂબીના મળી આવતા તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે રૂબીનાને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...