શહેરમાં એક વર્ષથી વોટર મીટરના બિલ કાઢવાની વિલંબિત કામગીરી અંગે ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ થતા જ શુક્રવારે પાલિકાના હાઇડ્રોલિક વિભાગે ડિલે થયેલી વોટર મીટર બિલની કામગીરી પાટે ચડાવવા કસરત શરૂ કરી હતી. આ મામલે શાસકોએ પણ આગામી 18મી જાન્યુઆરી સુધીમાં વોટર મીટરના બાકી લેણાં વસૂલવા કયા ધોરણો અપનાવવા તે માટે ઉચ્ચ અધિકારીઓને પૉલિસી માટે ધારા-ધોરણો નક્કી કરવા સૂચના આપી હતી.
જેના પગલે શુક્રવારે હાઇડ્રોલિક વિભાગના કર્મીઓ ફાઇલો સાથે મુગલીસરા કચેરીમાં સતત દોડતાં દેખાયા હતાં. આ સાથે જ પાણી સમિતિ બિલ વસૂલાત પૉલિસી નક્કી કરવા પહેલા સ્ટેન્ડિંગ કમિટી સાથે સંકલન સાધશે તેવું પણ શાસકોએ ઉમેર્યું હતું.
વોટર મીટરથી બિલ વસૂલાતની કામગીરી ખાનગી એજન્સી પાસે જ કરાવવાના હઠાગ્રહના લીધે દર વર્ષે કુલ ડિમાન્ડની સામે વસૂલાતનો રેશિયો તળિયે ગયો હોવાનું વિભાગે નોંધ્યું છે. જોકે, પાંડેસરા GIDCના ઔદ્યોગિક એકમો પાસેથી પાણી સપ્લાય પેટેની બિલ વસૂલાત વર્ષોથી પાલિકા ખાતાકિય ધોરણે કરી રહી છે, જે નાણાકીય ગૂંચ વગર નિર્વિવાદ ચાલી રહી હોવા છતાં ખાનગી એજન્સી પાસે જ વોટરમીટર બિલ કાઢવાના હઠાગ્રહ છૂટ્યો નથી.
સ્ટેન્ડિંગ કમિટીના સૂચનો પણ મેળવાશે
સુરત શહેરમાં મોટા ઉપાડે લગાડવામાં આવેલા વોટર મીટરથી થઇ રહેલી બિલ વસૂલાત કામગીરી વર્ષ 2017થી વિવાદોમાં રહી છે. ગત વર્ષોમાં વોટર મીટરના આધારે થઇ રહેલી વસૂલાતના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2017-18માં 59.6 કરોડની કુલ ડિમાન્ડ સામે 38.4 કરોડ રૂપિયા જ તિજોરીમાં જમા થયા હતાં. તેવી જ રીતે વર્ષ2018-19માં પણ 52.9 કરોડની ડિમાન્ડ સામે 33 કરોડ જમા થયા હોવાનું સામે આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.