આક્રમક નીતિની તૈયારી:દબાણોથી કાયમી છૂટકારો મેળવવા લારી-ગલ્લાને સ્થળ પર જ નષ્ટ કરી દેવા કવાયત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર મોડલની જેમ આક્રમક નીતિની તૈયારી
  • શાસકોએ ઝોન અધિકારીઓ પાસે મંતવ્યો માંગ્યા

આડેધડ દબાણના લીધે ટ્રાફિક સહિતની સમસ્યાઓ વધતાં પોલિસીને વધુ આક્રમક બનાવવા કવાયત શરૂ કરાઈ છે, જેમાં લારી-ગલ્લાને 30 દિવસ પછી છોડી મુકવાને બદલે નષ્ટ જ કરી દેવાના નિયમ બનાવવા વિચારણા કરાઇ હતી.

શાસકો ટુંકમાં જ મહારાષ્ટ્રની જેમ લારીઓને સ્થળ પર જ સ્ક્રેપ કરવાની પોલિસી અમલમાં મૂકી શકે છે. સ્ટેન્ડિંગ કમિટીએ જણાવ્યું કે, શહેરમાં રાઉન્ડ ધ ક્લોક દબાણ હટાવ કામગીરી થતી હોવા છતાં ઘણા પોઇન્ટ પર થોડીવારમાં જ ફરી દબાણ થઇ જાય છે. તપાસ કરતાં જણાયું કે, દબાણકર્તાઓ એક સાથે 3-4 લારી સ્પેરમાં રાખે છે. 30 દિવસ પછી જપ્ત કરાયેલી લારી દંડ લઇ છોડી દેવાય છે. જેથી ફરી તે જ સ્થળે દુષણ શરૂ થાય છે.

આ ન્યુસન્સથી કાયમી છૂટકારો મેળવવા માટે બુઘવારે પદાધિકારી તેમજ અધિકારીઓ વચ્ચે દબાણ પોલિસીને વધુ આક્રમક બનાવવા મહારાષ્ટ્ર મોડલ અપનાવવાની વ્યુહરચના ઘઢાઇ હતી. લારી-ગલ્લા પરત કરવાના બદલે તેને નષ્ટ કરી દેવાની નીતિ સુરત શહેરમાં પણ અપનાવવા વિચારણા શરૂ કરી દેવાઇ છે. સંભવત: દબાણ માટે કેટલાક ડેન્જર ઝોનથી આ એક્શન પ્લાનીંગના શ્રી ગણેશ થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરાઇ હતી.

પાણી સમસ્યા : ગરમી વધતાં શહેરમાં દૈનિક પાણી પુરવઠામાં 5 કરોડ લિટરનો વધારો કરાયો
તાપમાન વધતાં લોકોની પાણીની જરૂરિયાત પ્રમાણે પુરવઠો વધારવા સ્ટેન્ડિંગ કમિટીએ હાઇડ્રોલિક વિભાગને સુચના આપી હતી. કતારગામના બહુચરનગર, વરાછા અને પુણાની સોસાયટીઓ તેમજ રાંદેરના ગામતળ વિસ્તારમાં ફરિયાદો રજુ કરાઇ હતી. જેથી દૈનિક ડિમાન્ડમાં 50 એમએલડી પાણીનું સપ્લાય વધારી દેવાયો છે. સામાન્ય દિવસોમાં શહેરમાં એવરેજ 1200થી 1300 એમએલડી પાણીની ડિમાન્ડ રહે છે. જોકે તહેવારો દરમ્યાન તે 1350 એમએલડી સુધી પહોંચી જાય છે.

કર્મીઓ પર થતાં હુમલા સામે પાલિકાને પોલીસ સ્ટેશન ફા‌ળવવા માટે સરકારને પત્ર લખાયો
પાલિકાની ટીમ અને દબાણકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ ટાળવા પાલિકાને સેપરેટ પોલીસ સ્ટેશન આપવા માંગ કરાઈ છે. સ્ટેન્ડિંગ અધ્યક્ષ પરેશ પટેલે કહ્યું કે, પાલિકા પાસે 1997 સુધી પોલીસ સ્ટેશન હતું જ. જે દબાણ, ડિમોલીશન, રખડતા ઢોર અને વેરા વસુલાત જેવી કામગીરીમાં જોતરાતા હતાં. ઉપરાંત ફોજદારી કાર્યવાહીમાં પણ કામગીરી ઝડપી થઇ શકશે. જેથી ACP, PI, અને PSI તથા કોન્સ્ટેબલ સહિતની ટીમ સાથેનું સેપરેટ પોલીસ સ્ટેશન ફાળવી આપવા રાજ્ય ગૃહમંત્રીને પત્ર લખાયો છે.

આંજણામાં દબાણકર્તાની આપઘાત કરી લેવા ધમકી
લિંબાયત ઝોનમાં બીજા દિવસે પણ દબાણકારો-પાલિકા સ્ટાફ વચ્ચે ઘર્ષણ થયું હતું. એક દબાણકર્તાએ કેરોસીન છાંટી સળગી જવાની ધમકી આપી હતી તો એકે ફર્નીચરના કાચ તોડી નાંખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...