કોરોના કાળ બાદ ઉતરાયણ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતના પરંપરાગત પતંગ બજાર ડબગરવાડ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.મોટી સંખ્યામાં લોકો છેલ્લી ઘડીએ પતંગ દોરીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.
સુરતમાં ઉત્તરાયણને લઇ અંતિમ ઘડીએ ખરીદીની ડોટ
સુરતીઓ દરેક તહેવારને ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. ત્યારે કોરોના કાળ બાદ ઉતરાયણને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત આ વર્ષે શનીવારે ઉતરાયણ અને રવિવારની રજા હોય પતંગ રસિયાઓમાં ઉત્સાહ બમણો થયો છે. સુરતમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની ભારે ભીડ શહેરમાં જોવા મળી રહી છે. પતંગ રસિકો ઉતરાયણની અંતિમ ઘડીની રાત્રીએ પતંગ દોરાની ખરીદી માટે ડોટ લગાવી છે.
જુદા જુદા વિસ્તારમાં પરિવાર સાથે ખરીદી કરવા નીકળ્યા
સુરતના અલગ અલગ એરિયાઓમાં લોકો પરિવાર મિત્રો સાથે પતંગ દોરાની ખરીદી કરવા નીકળ્યા હતા. આ ઉપરાંત શહેરની પરંપરાગત પતંગની બજારોમાં પણ અંતિમ ઘડીએ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પગ મુકવાની પણ જગ્યા ન રહે એ રીતે ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ભાગળ વિસ્તારમાં આવેલા ડબગરવાડ અને રાંદેરના પતંગ બજારમાં હજારોની સંખ્યામાં લોકો અંતિમ ઘડીએ પતંગ ખરીદવા નીકળ્યા હતા.
અંતિમ ઘડીએ ખરીદીનો દર વર્ષનો સુરતીઓનો મિજાજ
આમ જોવા જઈએ તો સુરતીઓનો એક મિજાજ રહ્યો છે કે કોઈપણ તહેવાર હોય તેની ખરીદી અંતિમ ઘડીએ કરવા માટે ડોટ લગાવે છે. ઉતરાણ પર્વમાં પણ સુરતીઓ પતંગ દોરાની ખરીદી કરવા માટે છેલ્લા દિવસની રાહ જોતા હોય છે. અનેક તો એવા હોય છે કે પતંગ દોરાની ખરીદી માત્ર બહાનું હોય છે પરંતુ બજાર ફરવાનો તેમનો શોખ હોય છે. લોકો પરિવાર મિત્રો, બાળકો સાથે બજારમાં પતંગ દોરા અને ચશ્માની ખરીદી કરવા દોટ લગાવે છે. સુરતના જુદા જુદા વિસ્તારમાં આવેલા પરંપરાગત પતંગ બજારમાં અંતિમ ઘડીએ હજારોની સંખ્યામાં લોકોનો ભારે જમાવડો ખરીદી પાછળ જોવા મળે છે.
અંતિમ ઘડીએ પતંગોની હરાજી પણ કરાય છે
ડબરગરવાડ અને ભાગળ ખાતે પતંગ દોરાની સૌથી મોટી માર્કેટ તરીકે પ્રખ્યાત છે. અહી અલગ અલગ પ્રકારના પતંગો આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અહી છેલ્લી ઘડીએ પતંગની હરાજી પણ થતી હોય છે. જેથી આ હરાજીનો લાભ લેવા સુરતીઓ મોટી સંખ્યામાં મોડી રાત્રી સુધી અહી ઉમટી પડે છે. પતંગની હરાજી રાત્રીના બાર વાગ્યા બાદ કરવામાં આવે છે જેને લઇ લોકોની પતંગ બજારોમાં મધરાત્રી સુધી ભારે ભીડ જોવા મળે છે.
ગત વર્ષે કોરોનાને કારણે દસ વાગ્યે માર્કેટઓ બંધ થઈ ગયા હતા
સુરતીઓનો અંતિમ ઘડીએ ખરીદી કરવાનો મિજાજ ગત વર્ષે પૂર્ણ થઈ શક્યો ન હતો. કોરોનાને લઈ ગત વર્ષે ઉતરાયણ મનાવવાની છૂટતો સરકાર દ્વારા આપવામાં આવી હતી. પરંતુ કેટલાક નિયમો અને એસ ઓ પી બનાવ્યા હતા જેનું પાલન કરવું ફરજિયાત હતું. ગત વર્ષે ઉતરાયણને લઈ પતંગ બજારનો સમય 10:00 વાગ્યા બાદ બંધ કરી દેવાનો જણાવાયું હતું. જેને લઇ મોડી રાત્રી સુધી માર્કેટ ઓ ચાલી શક્યા ન હતા. શહેરના તમામ પતંગ બજારો પણ સરકારના નિયમને સમર્થન આપી માર્કેટ ઓ 10 વાગ્યા પહેલા બંધ કરી દીધા હતા. જેથી સુરતીઓનો અંતિમ ઘડીએ ખરીદી કરવાનો અને તહેવારની ખરીદીનો આનંદ માણવાનો અવસર મળ્યો ન હતો. આ વર્ષે તમામ છૂટછાટ હોવાથી સુરતીઓનો બેવડો ઉત્સાહ અંતિમ ઘડીની ખરીદી પર જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.