વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષા લેવામાં નાપાસ સાબિત થઈ છે. રેગ્યુલર પરીક્ષા ઓનલાઇન લેવા માટે યુનિવર્સિટીએ છેલ્લા બે દિવસથી મોક ટેસ્ટ લીધી હતી. પણ હજારો વિદ્યાર્થીઓ લોગ-ઈન નહીં કરી શકતા અને અન્ય ટેક્નિકલ ખામીઓ હોવાથી શનિવારે મળેલી એકેડેિમક કાઉન્સિલની બેઠકમાં પરીક્ષા મુલતવી કરવાનો નિર્ણય કરાયો છે. નવેસરથી પરીક્ષા ક્યારે લેવાશે તેનું ટાઈમટેબલ સોમવારે જાહેર કરવામાં આવશે.
રેગ્યુલર ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે હેતુસર યુનિવર્સિટીએ છેલ્લા બે દિવસથી મોક ટેસ્ટ લઈ રહી હતી. પરીક્ષા આપનારા 30 હજાર વિદ્યાર્થીઓમાંથી હજારો વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપી શક્યા ન હતા. લોગ ઈન ઉપરાંત સંખ્યાબંધ વિદ્યાર્થીઓના ડેટા મિસમેચ થતાં હોવાનાં કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું યુનિવર્સિટી સત્તાધીશોનું કહેવું છે. ઓનલાઈન પરીક્ષા માટે સોફ્ટવેર બનાવવાનું કામ ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું હતું.
કુલપતિ કે.એન.ચાવડાએ કહ્યું કે, સોફ્ટવેર બનાવનારી કંપનીની કોઈ ભૂલ નથી પરંતુ વિદ્યાર્થીઓએ તેમનો મોબાઈલ નંબર, ઈ-મેઈલ સહિતનો ડેટા ખોટો આપ્યો હોવાને કારણે લોગ-ઇન કરવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. હવે વિદ્યાર્થીઓને તેમનો ડેટા કોલેજ પર જઈને સુધારવા માટે કહેવામાં આવ્યું છે. એકાદ સપ્તાહમાં આ ડેટા સુધરી જતા નવેસરથી પરીક્ષા લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 10, 11 અને 12 જૂને બીકોમ, બીએ, બીબીએ, બીસીએ અને બીએસસીના ત્રીજા સેમેસ્ટર માટે મોક ટેસ્ટ લેવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠનોની રજૂઆત બાદ શનિવારે એકેડેમિક કાઉન્સિલે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કે, 14 જૂનના રોજ લેવાનારી બીએડ સેમેસ્ટર-1ની ઓનલાઈન પરીક્ષા યથાવત રાખવામાં આવી છે. યુનિવર્સિટી સુત્રોના કહેવા પ્રમાણે, આગામી 25 જૂને એકેડેમિક કાઉન્સિલની ફરી વખત બેઠક મળશે.
કોલેજના આચાર્યો કહે છે, અમને જ ટ્રેનિંગ નથી આપી તો વિદ્યાર્થીઓને શું સમજાવીએ?
કોલેજોના આચાર્યોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા કઈ રીતે આપવી તેની ટ્રેનિંગ કોલેજોના ટીચિંગ કે નોન-ટીચિંગ સ્ટાફને જ હજુ સુધી આપી નથી. કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોલેજના સ્ટાફને ઓળખે છે. તેઓ યુનિવર્સિટીમાં કામ કરતા સ્ટાફને ઓખળતા નથી. કોઈ પણ વિદ્યાર્થીને લોગ-ઇન સમયે પ્રોબ્લેમ આવે તો તે અમને ફોન કરતા હોય છે. જેથી અમારે ના છૂટકે હેલ્પલાઇન નંબર પર ફોન કરવા કહેવું પડે છે. પણ ત્યાં પણ લાઇન વ્યસ્ત આવતી હોય છે. જેથી વિદ્યાર્થી હેરાન-પેરેશાન થાય છે. ઓનલાઇન પરીક્ષા કઈ રીતે આપવી તેની ટ્રેનિંગ કોલેજના સ્ટાફને પણ આપવી જોઈએ. કોલેજોએ વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા ફોર્મ ભરાવ્યા છે. જે પછી અમે યુનિવર્સિટીને મોકલી આપીયે છીએ. પણ યુનિવર્સિટી તે મામલે કોઈ પણ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરતી નથી.
આ કોર્સની ઓનલાઇન પરીક્ષા મોકૂફ
એમબીએ, એમઆરએસ એમ, એમકોમ અને એમએસસીના પહેલાં સેમેસ્ટરની સાથે બીસીએના છઠ્ઠા સેમેસ્ટરની તથા બીકોમ, બીએ, બીબીએ, બીસીએ અને બીએસસી ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા મોકૂફ કરાઈ છે. જેનો કાર્યક્રમ અગામી દિવસોમાં ફરી જાહેર કરાશે. તે સાથે મોક ટેસ્ટનો પણ જાહેર કરાશે.
ઓનલાઇન પરીક્ષામાં આ સમસ્યા આવી
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.