વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા:સુરતમાં બોર્ડના પરીક્ષાર્થીઓને કેન્દ્ર પર પહોંચવા તકલીફ ન પડે તે માટે બેઠક, ટ્રાફિક જામ ન સર્જાય તે માટે સૂચના અપાઈ

સુરત3 મહિનો પહેલા
પાલિકામાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના હિતમાં બેઠક યોજાઈ હતી - Divya Bhaskar
પાલિકામાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના હિતમાં બેઠક યોજાઈ હતી
  • મેટ્રો પ્રોજેક્ટ સહિતના કામોને કારણે વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તેની કાળજી લેવાશે

સુરત મહાનગરપાલિકા ખાતે આજે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આ બેઠક વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓમાંથી રાહત આપી શકાય તે માટે યોજાઇ હતી. જેમાં ખાસ કરીને સુરતમાં ચાલતાં વિકાસના કામો અને મેટ્રો પ્રોજેક્ટથી જે વિસ્તારમાં વધુ ટ્રાફિક જામ થાય છે. તે વિસ્તારના પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને પહોંચવામાં કોઈ મુશ્કેલી ન થાય તેના માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી.

મેયર અને પાલિકા કમિશનર બેઠકમાં હાજર રહ્યાં હતાં.
મેયર અને પાલિકા કમિશનર બેઠકમાં હાજર રહ્યાં હતાં.

વાલીઓને પણ માર્ગદર્શન અપાશે
મેટ્રો પ્રોજેક્ટને કારણે કેટલાક વિસ્તારમાં ટ્રાફિક જામ થતો હોવાનું વહીવટીતંત્રના ધ્યાન પર આવ્યું છે. જેને કારણે આજે સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં સુરત પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર સમિતિ અધ્યક્ષ જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાના આચાર્યોને પણ બોલાવવામાં આવ્યા હતા. જે વિસ્તારમાં મોત મેટ્રો પ્રોજેક્ટને કારણે પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચવામાં વિલંબ થાય છે કે, તેવી શક્યતાને જોતા ત્યાં આગળ અલાયદી વ્યવસ્થા ઊભી કરવા માટે ટ્રાફિક પોલીસ સહિત શાળાના શિક્ષકો પણ કામે લાગશે. પરીક્ષા કેન્દ્રો ઉપર બાળકોને છોડવા આવતા વાલીઓ વધુ સમય માટે શાળાના ગેટ ઉપર ઊભા ન રહે તેનું માર્ગદર્શન આપવા માટે જે તે પરીક્ષા કેન્દ્રના શિક્ષકો પણ હાજર રહેશે.

મેયરે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ડીઈઓને સૂચના આપી હતી.
મેયરે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ડીઈઓને સૂચના આપી હતી.

અલાયદી વ્યવસ્થા કરાશે-મેયર
સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, મેટ્રો પ્રોજેક્ટ, ડ્રેનેજ તેમજ રસ્તા નવિનીકરણના કામોને કારણે કેટલાક વિસ્તારોના પરીક્ષા કેન્દ્રો ઉપર અસર થાય તેનું ધ્યાન પર આવતાની સાથે જ અમે તેના માટેની અલાયદી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનું વહીવટીતંત્રને સુરત પોલીસ સાથે સંકલન સાધીને પરીક્ષા કેન્દ્રો પાસે ટ્રાફિક કર્મચારીઓને ફરજ પર હાજર રખાશે. જે શાળા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ કોઈ પોતાની હોલ ટિકિટ લીધા વગર પહોંચે તો વોટ્સઅપ ઉપર તેમના વાલી પાસેથી હોલ ટિકિટ મંગાવવામાં આવશે.પરિવારના લોકોને હોલ ટિકિટ લઈને શાળા પહોંચવાનું કહેવામાં આવશે તે દરમિયાન વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીને આ બાબતે પણ જાણ કરવામાં આવી છે. તેમને સહયોગ આપવાનું પણ કહેવામાં આવ્યું છે. તેઓ પોતે પણ આ બેઠકમાં હાજર હતા.

કન્સ્ટ્રક્શન સાઈટની ફરતે ટ્રાફિક પોઈન્ટ ઉભા કરાશે
વિકાસ પ્રોજેક્ટ માટે વિવિધ માર્ગો પર ખોદકામ અને બેરીકેડિંગના લીધે રસ્તા બંધ છે. પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ડાયવર્ઝન જાહેર કરાયેલા રસ્તા પર ટ્રાફિક રહેતો હોવાથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી વિશેષ પોઇન્ટ ઊભા કરી વિવિધ રૂટ પર વધારાના પોલીસ કર્મીઓની વ્યવસ્થા ગોઠવવા નક્કી કરાયું હતું.

વિદ્યાર્થી હોલ ટિકિટ ભૂલી જાય તો પણ પ્રવેશ અપાશે
પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તેની વ્યવસ્થા કરાશે. પાલિકાનું વહીવટીતંત્ર તથા પોલીસ અધિકારીઓ વિશેષ તૈયારીમાં જોતરાયા છે. પરીક્ષા સમયે વિદ્યાર્થી હોલ ટિકિટ ભુલી જાય તો વાલી હોલ ટિકિટ લઇ પહોંચે ત્યાં સુધી વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવામાં આવશે. > હેમાલી બોઘાવાલા, મેયર

વિદ્યાર્થીને 15 મિનિટ વહેલા પહોંચવા DEOની અપીલ
વિદ્યાર્થીઓને મુકવા લેવા આવતા વાલીઓના ટોળાના લીધે વ્યવસ્થા ન ખોરવાય તે માટે શિક્ષકોને પણ શાળા પરિસરની આસ-પાસ તૈનાત રહેવા કહેવાયું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. વાલીઓ વધુ સમય ગેટ પર ઊભા રહેતા હોવાથી વ્યવસ્થા ખોરવાતા બાળકોને 15 મિનિટ પહેલાં પહોંચી જવા DEOએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...