સુરતમાં વસેલા 20 લાખથી વધુ સૌરાષ્ટ્રવાસીઓનાં દર વર્ષે 1500થી વધારે સ્નેહમિલન યોજાઈ રહ્યા છે. 40 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રવાસી સમાજમાં શિક્ષણ જાગૃતિ ઓછી હતી. 8-10 ધોરણ સુધી ભણી લીધા પછી છોકરાઓ સીધા હીરા કે અન્ય ધંધામાં કામે લાગી જતા.
બાળકો શિક્ષણમાં આગળ વધે તે હેતુથી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે કોઈ પ્લેટફોર્મની જરૂર પડે તેથી દરેક ગામના લોકો મળીને સ્નેહ મિલન કરતા. જેનાથી બે હેતુ સચવાઈ જતા હતા એક તો તેજસ્વી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરાય અને બીજું વર્ષમાં એક વખત સુરતના જુદા જુદા વિસ્તારમાં રહેતા અને જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલા ગામલોકો સાથે મળી શકતા ધીમે ધીમે મોટાભાગના ગામના લોકો સ્નેહમિલન કરતા થયા તેમાંથી એક અટક ધરાવતા પરિવારના સ્નેહમિલન શરૂ થયા. અત્યારે કોઈ વિદ્યાર્થીને વિદેશ જવું હોય તો ઘણા સંગઠનો આગળ આવી રહ્યા છે.
વૃક્ષારોપણ, રક્તદાનથી આગળ વધીને આજે દેહદાન સુધીની પ્રવૃત્તિ
સૌરાષ્ટ્રમાં દુષ્કાળ હોય અન્ય રાજ્ય કે શહેરોમાં કોઈ કુદરતી આફત આવી હોય તે વખતે પણ આવા મંડળો પ્રવૃત્તિ કરતા થયા સાથે સાથે એક બીજાને કેવી રીતે મદદરૂપ થવું તેની ભાવના પણ કેળવાઈ વૃક્ષારોપણ, રક્તદાન, શિબિરો સમૂહ લગ્ન સમારોહ થી આગળ વધીને આજે નેત્રદાન, દેહદાન, અંગદાન જેવી સેવા પ્રવૃત્તિ સુધી પહોંચ્યા છે. એપ્રિલથી જૂન સુધી ચાલતા સ્નેહમિલનોમાં ગામ અટક પ્રમાણે પરિવારો જોડાતા હોય છે.
દર રવિવાર વરાછા-કતારગામ વગેરે વિસ્તારોમાં સ્નેહમિલનોની વણઝાર જોવા મળી રહી છે
દર રવિવાર વરાછા-કતારગામ વગેરે વિસ્તારમાં સ્નેહમિલનની વણઝાર હોય છે. એક જ દિવસમાં 20-25 સ્નેહમિલન થાય છે. સુરતમાં વસતા 20 લાખથી વધારે સૌરાષ્ટ્રવાસીઓ જ્ઞાતિ, સમાજ, અટક, ગામ પ્રમાણે થતા સ્નેહમિલનમાં જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.