મગદલ્લા ઓએનજીસી બ્રિજ પર 10 દિવસ પહેલાં એક ઉદ્યોગપતિના પુત્રએ ઓવર સ્પીડમાં કાર દોડાવી સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર બ્રિજની રેલિંગ તોડી નદીમાં ખાબકતા માંડ બચી હતી. શરૂઆતમાં આરોપીને બચાવવા હાઇવે ઓથોરિટીએ સમાધાન કરી લીધું હતું. બ્રિજને 7 મીટરનું નુકશાન થયું હોવા છતાં પોલીસ ફરિયાદ કરી ન હતી. આખરે રેલો આવતા ઈચ્છાપોર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે કારચાલક રાજ બિપીન રામાણી (રહે. હિમગીરી બંગલો, પિપલોદ) સામે ગુનો નોંધ્યો છે.
હાઇવે ઓથોરિટીના સ્ટાફ ધવલ રાજુ થોપટે જણાવ્યું કે નિશાન કંપનીની ટેરેનો કાર રાજ બિપીન રામાણી ચલાવતો હતો. તે હજીરાથી એસકે નગર થઈ પિપલોદ ઘરે જતો હતો ત્યારે મગદલ્લા ઓએનજીસી બ્રિજ પર કારનું ટાયર ફાટતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રેલિંગ તોડી નાખી હતી.
સદનસીબે કાર તાપી નદીમાં ખાબકતા બચી હતી. બાકી કાર નીચે પડી હોત તો ચાલકના જીવને પણ જોખમ થયું હોત. બ્રિજની રેલિંગ તોડી નાખવાને કારણે 40 હજારનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં હાઇવે ઓથોરિટીએ 10 દિવસ પછી ગુનો નોંધાવવા તસ્દી કેમ લીધી તે બાબતે હાઇવે ઉચ્ચ અધિકારી તપાસ કરાવે તો ઘણી હકીકતો બહાર આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.