સ્માર્ટ સિટી કહેવાતા સુરતની પાલિકામાં તમામ કાર્યવાહી ઓનલાઈન અને કમ્પ્યુટરાઇઝ્ડ છે પરંતુ ઇન્ફોર્મેશન સિસ્ટમ ડિપાર્ટમેન્ટ (આઈએસડી વિભાગ) ક્વોલિફાઇડ સ્ટાફના અભાવે પાંગળો પૂરવાર થઈ રહ્યો છે. હાલ સાઇબર ક્રાઈમ, ડેટા હેકિંગની ઘટના વધી છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીના નામે ઠગબાજે પાલિકાના જ અધિકારી સાથે સાઇબર ક્રાઈમને અંજામ આપવા પ્રયાસ કર્યો હતો તે ગેંગ હજી પકડાઇ નથી. 7 હજાર કરોડનું બજેટ ધરાવતી મનપાના આઈએસડી વિભાગને વધુને વધુ સુદ્દઢ કરવાની તાતી જરૂર છે.
ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન, ઇન્ફર્મેશન ટેક્નોલોજી જેવા વિષયોના ક્વોલિફાઇ ઇજનેર વધારવાની જરૂર છે. ત્યારે આઈએસડી ખાતામાં 6 આસિસ્ટન્ટ ઇજનેર અને 7 સુપરવાઇઝરની ખાલી જગ્યા ભરાઇ નથી. નવી જગ્યા પણ વધારાઈ નથી. વિવિધ વિભાગોનાં અધિકારીઓ આ તબક્કે તેઓના મહત્ત્વના ડેટા, દસ્તાવેજો હેક થઈ શકે તેવી ભીતિ સેવી રહ્યાં છે.
લ્યો બોલો.., સ્માર્ટ સિટીના આઈએસડી વિભાગમાં ઈસી-આઈટી-એમટેક ઇજનેરને સ્થાને હવાલો એમબીએ વાળા પાસે! પાલિકાની વિવિધ વેબ સાઇટ, એપ્લિકેશનો, ઓનલાઈન સર્વિસીસ અને તમામ વિભાગોની આઇડી સિસ્ટમ બની હોય તેના કસ્ટોડિયન તરીકે આઈએસડી વિભાગની જવાબદારી છે. પણ તેમાં ઈસી-આઈટી-એમટેક ઇજનેરને સ્થાને હવાલો એમબીએને સોંપાયો છે.
તમામ કામગીરીઓ ઓન લાઈન થતી હોવાથી ચિંતા
પાલિકામાં એકાઉન્ટ, ઓડિટ, આકારણી, આરોગ્ય, સિટી ઇજનેર સ્પે. સેલ, બ્રિજ- ડ્રેનેજ-હાઇડ્રોલિક, કમિશનર કચેરી વહીવટી વિભાગ, સેક્રેટરી વિભાગ, સ્મેક સેન્ટર, વોચ એન્ડ વોર્ડ સહિતના ઘણાં વિભાગો આવ્યાં છે. પાલિકાના અધિકારીઓએ ભીતિ દર્શાવી રહ્યાં છે કે, તેમના વિભાગોમાં ઘણાં અગત્યના ડેટા, દસ્તાવેજો કમ્પ્યુટરમાં છે, તમામ કામગીરી હવે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ થકી થતી હોય ત્યારે અપૂરતાં ક્વોલિફાઇડ ઇસી, આઈટી ઇજનેરોને પગલે સાઇબર ક્રાઇમ થઈ શકે છે તેથી નિષ્ણાંત ઇજનેરો હોવા જોઈએ.
ડાયરેક્ટર (IT)ની જગ્યા ઉભી કરાઇ પણ ભરતી હજુ થઈ નથી
ગત માર્ચ મહિનામાં મળેલી સામાન્ય સભામાં આઈએસડી વિભાગના વર્ગ-1 ની ડાયરેક્ટર(ઈન્ફોર્મેશન ટેક્નોલોજી)ના હોદ્દા માટે આઈએસડીના મહેકમ પર જગ્યા ઉપસ્થિત કરવામાં આવી છે. પરંતુ બે મહિના થવા છતાં આ જગ્યા અંગેની ભરતી પ્રક્રિયા સુધ્ધાં હાથ ધરવામાં આવી નથી. જ્યારે અન્ય ઈસી, આઈટી ઇજનેરોની જગ્યા ઉપસ્થિત કરવામાં પણ અનઘડ તંત્રને પડી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.