જ્ઞાનવત્સલ સ્વામીનું વ્યાખ્યાન:‘તણાવમાં પણ જો વિચારોને સ્થિર રાખશો તો માર્ગ ચોક્કસ નીકળશે’

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગપતિઓના તણાવને દૂર કરવા ચેમ્બરે કાર્યક્રમ યોજ્યો

‘જો તમે ડિસ્ટર્બ થશો તો તમારી સાથે પરિવાર અને બિઝનેસ પણ ડિસ્ટર્બ થશે. પરંતુ, જો વ્યક્તિ વ્યવસ્થિત હોય તો ડિસ્ટર્બ થયેલું કામ, કરીયર અને બિઝનેસ વ્યવસ્થિત થઇ જાય છે. તણાવ સારા વિચારો આવવા ન દે પણ વિચારોની સ્થિરતા રાખો તો ચોક્કસ માર્ગ નીકળે છે. ’ ચેમ્બર ખાતે ‘પ્રતિકૂળતામાં સકારાત્મકતા’ વિષય પર ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરાયું હતું જેમાં જ્ઞાનવત્સલ સ્વામીએ આ વાત કહી હતી.

ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતીએ કહ્યું હતું કે, આર્થિકની સાથે-સાથે શારીરિક અને માનસિક વિકાસ માટે આધ્યાત્મિક શિક્ષણની વ્યવસ્થા ગોઠવાઇ છે. જોકે, વ્યાપાર અને ધંધામાં વિવિધ સમસ્યાઓને કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં તણાવની સ્થિતિ ઉભી થાય છે. આ તણાવને દૂર કરવાની પણ ચેમ્બરની ફરજ છે.

સફળતા માટે નિષ્ફળતા-સંઘર્ષ જરૂરી
જ્ઞાન વત્સલ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, જીવનમાં જ્યારે સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે વિચારો સરળ રાખીને ક્રિયા, અભિગમ અને અભિવ્યક્તિને સકારાત્મક રાખવી અત્યંત આવશ્યક છે. સકારાત્મક રહીશું ત્યારે જ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાશે. વિચારો સકારાત્મક રાખવા આપણા હાથમાં છે. કારણ કે, ભગવાને આપણી સિસ્ટમમાં આ વ્યવસ્થા ગોઠવી જ છે.

માણસ વ્યવસ્થિત ગોઠવાય એટલે દુનિયા ગોઠવાઇ જ જાય છે. દુનિયામાં કોઇ તાળું ચાવી વગરનું નથી. સમાધાન માટે તમે કેટલા પ્રયત્નશીલ છો તથા ભગવાન, કુદરતના ન્યાય ઉપર કેટલો વિશ્વાસ રાખો છો તેના ઉપર પ્રશ્નનું સમાધાન નિર્ભર કરે છે. જીવનમાં નિષ્ફળતા અને સંઘર્ષ આવે જ છે અને સફળતા માટે એ અત્યંત જરૂરી પણ છે. જીવનમાં પ્રતિકૂળતા આવવાની જ છે પણ ક્રિયા ઉપર તેનો પ્રભાવ નહીં પડવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...