ભાસ્કર LIVE:સુરત સિવિલમાં રાત્રે લોહીલુહાણ દર્દીઓને પણ 3 કલાક સુધી ટાંકા લગાવાતા નથી!

સુરત15 દિવસ પહેલાલેખક: સૂર્યકાંત તિવારી
  • કૉપી લિંક
પેટમાં અસહ્ય દુખાવો હોવા છતાં વૃદ્ધને સ્ટ્રેચર ન મળ્યું - Divya Bhaskar
પેટમાં અસહ્ય દુખાવો હોવા છતાં વૃદ્ધને સ્ટ્રેચર ન મળ્યું
  • રિપોર્ટરે રાત્રે 4 કલાક રોકાઈને સારવારની તપાસ કરી
  • લોહીથી તરબોળ દર્દીઓને 2-3 કલાક સુધી ટાંકા નહીં
  • એક્સ-રે, સોનોગ્રાફી માટે 4 કલાક રઝળપાટ

પૂરતાં તબીબો અને નર્સ હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં રાત્રે ઇમરજન્સીમાં દર્દીઓની સમયસર સારવાર કરાતી નથી. તબીબોનું વર્તન બેદરકારી ભર્યું હોય છે. આ મુદ્દે ભાસ્કરના રિપોર્ટર રાત્રે 12થી 4 વાગ્યા સુધી સિવિલમાં રોકાઈને તપાસ કરી તો ખબર પડી કે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અને લોહીથી તરબોળ દર્દીઓને 2થી 3 કલાક સુધી ટાંકા લગાવાતા નથી. એક્સ-રે અને સોનોગ્રાફી કરાવવા માટે પણ 4-4 કલાક સુધી રાહ જોવી પડતી હોવાનું જાણવા મળ્યું હતું.

તબીબોની પણ મનમરજી, એકલા દર્દીને વોર્ડ કર્મી પણ મળતા નથી
સારવાર માટે વારંવાર વિંનંતી કરવા છતાં તબીબ પોતાની મરજી મુજબ જ વર્તતા જોવા મળ્યા હતા. રાત્રે એવા દર્દીઓની સ્થિતિ વધારે ખરાબ થાય છે જ્યારે તેમની સાથે પરિવારનો કોઇ સભ્ય સાથે હોતો નથી. આવા દર્દીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે વોર્ડ કર્મચારીઓ સુદ્ધાં મળતા નથી.

કેસ-1ઃ માથા પર ચપ્પુના 4 ઘા હતા છતાં પણ 1 કલાક સુધી યુવક સ્ટ્રેચર પર પડ્યો રહ્યો
ડિંડોલી રહેતા 27 વર્ષીય સુરજ દુબે પર મંગળવારે રાત્રે પાંડેસરામાં કોઈએ ચપ્પુના 4 ઘા માર્યા હતા. 108 દ્વારા 12:27 કલાકે રાત્રે સિવિલ લવાયો હતો. સારવારની રાહ જોતા તેને 1 કલાક સુધી લોહી નીકળતું રહ્યું. રાત્રે 1.21 વાગ્યા સુધી ટાંકા વિના જ તે સ્ટ્રેચર પર પડ્યો રહ્યો.

કેસ-2: લોહી નીગળતા દર્દીને રિપોર્ટ કઢાવવા કહેવાયું
અંબાનગરના 56 વર્ષીય અશોક ત્રિપાઠીનો રાત્રે 10 કલાકે એક્સિડન્ટ થતાં 11:20 કલાકે સિવિલ લવાયા. તેઓ બેભાન હતા. સાથે કોઇ ન હતું. માથામાંથી લોહી નીકળતું હતું. તબીબોએ સોનોગ્રાફી, એક્સ-રે, સિટી સ્કેનનો રિપોર્ટ આવ્યા બાદ સારવાર કરવા કહ્યું. રાત્રે 1.25 કલાક સુધી ટાંકા લેવાયા ન હતા.

કેસ-3: પેટમાં અસહ્ય દુખાવો હોવા છતાં વૃદ્ધને સ્ટ્રેચર ન મળ્યું
રાત્રે 12:41 કલાકે પેટમાં દુખાવા સાથે સિવિલ લવાયેલા 60 વર્ષીય રાજેન્દ્રભાઇને સ્ટ્રેચર સુદ્ધાં મળ્યું નહીં. ટ્રોમા સેન્ટરના કેઝ્યુલિટી વોર્ડમાં જતાં તબીબે વોર્ડની બહાર જ અટકાવી દીધા હતા. ગંભીર સ્થિતિ હોવા છતાં આ વૃદ્ધ દર્દીને 5 મિનિટ સુધી ઊભા રાખીને સવાલો કર્યા. તબીબને જ્યારે એવું લાગ્યું કે આ દર્દીની સ્થિતિ ખરેખર ખરાબ છે ત્યારે અંદર પલંગ પર જગ્યા આપી.

આ છે નિયમો

  • ટ્રોમા સેન્ટરમાં દર્દીને 1 કલાકમાં પ્રાથમિક સારવાર આપી દાખલ કરવાનો નિર્દેશ છે.
  • ગેટ પર સ્ટ્રેચર, વ્હીલચેર છે. દિવસે દર્દી આવતા જ 1 સર્વન્ટ ઇમરજન્સી વોર્ડમાં લઇ જાય છે, પરંતુ રાત્રે કોઈ હોતું નથી.
  • સર્જરી, મેડિસિન અને ઓર્થોના તબીબોની ટીમે 24 કલાક હાજર રહેવાનું હોય છે.

રાત્રે 70થી વધુ દર્દી આવે છે. સૌથી વધુ એક્સિડન્ટ, મારામારીના હોય છે. રાત્રે 12થી સવારે 8 સુધી 50થી વધુ દર્દી આવે છે. આ જ દરમિયાન 20થી 30 એમ્બ્યુલન્સ પણ દર્દીઓને લઇને આવે છે.

રાત્રે કોઈ અધિકારીને રાઉન્ડ મારવા કહેવાશે
જો દર્દીઓને આટલો લાંબો સમય રાહ જોવી પડતી હોય તો તે ગંભીર બાબત છે. આવું ન થાય તે માટે અધિકારીને રાઉન્ડ મારવા કહીશું. - ડો. ધારિત્રી પરમાર. ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ.

અન્ય સમાચારો પણ છે...