• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Even After The Death Of 15 Children In Smeer, No One's Face Will Be Massaged, Who Will Listen To The Pain Of The Hospitals?

વાત બેધડક:સ્મીમેરમાં 15 બાળકોનાં મોત બાદ પણ કોઈના ચહેરા પર મલાજો નહીં, હોસ્પિટલોની વેદના કોણ સાંભળશે?

સુરત4 દિવસ પહેલાલેખક: વિજયસિંહ ચૌહાણ
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

કોરોનાકાળમાં એક સમાચાર લંડનની રોયલ ફ્રી હોસ્પિટલના પણ હતાં. જ્યાં એક 42 વર્ષીય નર્સે અન્ય 50 વર્ષીય નર્સનું વેન્ટિલેટર બંધ કરવું પડ્યું હતું. ભારતીય મૂળની જુવેનીતા નીતલા અહીં ICUની ઇન્ચાર્જ નર્સ હતી. જે તે સમયે તેની ફરજમાં દર્દીનું વેન્ટિલેટર કાઢવાનું પણ સામેલ હતું. જ્યારે વેન્ટિલેટરની અછત હતી ત્યારે તબીબોએ કાળજું કઠણ કરીને વેન્ટિલેટરને સ્વિચ ઓફ કરવા જેવા નિર્ણયો પણ લેવા પડ્યા.

જુવેનીતા એ સમયનું વર્ણન કરતાં કહે છે કે, અમને એવું અનુભવાતું કે માનો એ દર્દીનું મોત અમારે કારણે થયું છે. વિચારો, એ વ્યક્તિના મન પર શું વિતતી હશે કે જે સ્વિચ ઇશ્વરે બંધ કરવાની હોય તે માણસ કરી રહ્યો હતો. આ ઘટના તો લંડનની થઇ, પરંતુ સુરતમાં શું થઇ રહ્યું છે તે જુઓ. અહીં સંપૂર્ણ વ્યવસ્થા જ નિર્લજ્જ થઇ ચૂકી છે.

7 હજાર કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવતી પાલિકાની સ્મીમેર હોસ્પિટલના બાળદર્દીઓના ICUના એસી મે મહિનાથી જુલાઇના સમયગાળા દરમિયાન બંધ રહ્યા જ્યારે સૌથી વધુ ગરમી અને બફારો હતો. હોસ્પિટલમાં નોંધાયેલા આંકડાનું વિશ્લેષણ કરતાં જણાઈ આવે છે કે, આ સમયગાળામાં 4 ગણા માસૂમોનાં મોત થયાં.

જો કે, સ્મીમેર અને પાલિકાના ધૃતરાષ્ટ્રોને આનો અહેસાસ પણ નથી કે તેમણે કોઇ અપરાધ કર્યો છે. એક તરફ એક નર્સ કોઇનું જીવન બચાવવાની આશામાં અન્ય વ્યક્તિના ધબકારા છીનવવા બદલ પોતાને દોષી માની રહી છે. ત્યારે બીજી તરફ સુરતમાં માસૂમોના જીવ સાથે રમત રમનારાઓમાં કોઇ પાપબોધ પણ નથી.

આ એક તથ્ય છે કે, તબીબ અને નર્સ ઉપચાર કરી શકે છે, પરંતુ સાજા કરી શકતા નથી. પરંતુ આ પણ એક ઇતિહાસ છે કે જ્યારે પોતાનું શોષણ થવા પર તબીબો-નર્સ હડતાળ કરે તો દર્દીઓને જે હાલાકી વેઠવી પડે છે તેના માટે તેઓ કાળીપટ્ટી નહીં બાંધી શકે ? કાળીપટ્ટી એ માટે કે, તેઓ જ્યાં કામ કરે છે ત્યાંની વાસ્તિવકતા તેઓ સારી પેઠે જાણે છે. સ્મીમેરની ઘટના જોતાં એવું પણ લાગે છે કે સુરતના જનપ્રતિનિધિઓ સત્તાના મદમાં લીન છે.

પોતાના જય જયકારમાં તેમને હોસ્પિટલોની વેદના સંભળાતી નથી. 12 ધારાસભ્યો, 3 મંત્રી, 3-3 ટર્મથી ચૂંટાતા સાંસદ જેવા જનસેવકોની લાંબી શ્રેણી છે, પરંતુ હકીકત એ છે કે તેમની પાસે શહેરમાં ઉપચારની સુવિધાઓ મામલે કોઇ વિઝન જ નથી. સુપર સ્પેશિયાલિટી, સ્ટેમ સેલ રિસર્ચના નામે માત્ર સિમેન્ટ-ક્રોકિંટના માળખા ઊભા કરાઇ રહ્યાં છે અને સમગ્ર શહેર રિંગ રોડથી પસાર થતાં સમયે એને જોવા ટેવાઈ ગયું છે.

આમ તો દેશની ટોપ-10 મેડિકલ કોલેજની વાત કીરએ તો ગુજરાતનું એક પણ શહેર એ શ્રેણીમાં આવતું નથી, પરંતુ સુરતની સ્થિતિ તો પોતાનાથી 4 ગણી ઓછી વસ્તી ધરાવતા નગરો-શહેરોથી પણ બદતર છે. રાજકોટ, જોધપુર, ભોપાલ, ઇન્દોર, લખનૌ, પટનામાં એમ્સ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો શરૂ થઇ ચૂકી છે, જે સુરતમાં નથી. વળી, એવું પણ નથી કે, સુરત કે સુરતીઓમાં આ ક્ષમતા નથી. એક વખત શાસકો કહે તો શહેરમાં એવા એવા દાતા છે કે જેઓ સરકારથી સારી હોસ્પિટલ બનાવી અને ચલાવી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...