‘મંજૂરી’નો ધમધમાટ:92 કરોડના 131 વિકાસ કામના અંદાજ મંજૂર સૌથી વધુ 40 કરોડ 75 રોડ બનાવવા ખર્ચાશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીની આચારસંહિતા લાગે તે પહેલાં બાંધકામ સમિતિમાં ‘મંજૂરી’નો ધમધમાટ
  • કમિશનરે 30 મિનિટમાં જ ફાઇલો પર સહી કરી વધારાનાં 27 કામ રજૂ કર્યાં

વિધાનસભા ચૂંટણીનું માળખું 20મી પછી ગમે ત્યારે જાહેર થઇ શકે છે, ત્યારે વિકાસ કામો પર આચાર સંહિતાનું ગ્રહણ લાગે તે પહેલાં પાલિકાની જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં 92 કરોડના 131 કામોના અંદાજ મંજૂર કરાયાં હતાં, જેમાં સૌથી વધુ 40 કરોડ 75 રોડ બનાવવા ખર્ચાશે. ડિંડોલીમાં અધતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સુમન સ્કૂલ અને કમ્યુનિટી હોલ સહિતના પ્રોજેક્ટોના અંદાજને પણ મંજૂરી અપાઈ હતી. કમિશનરે પણ મિટિંગ દરમિયાન 30 મિનિટ સુધી વિવિધ ફાઇલો પર સહી કરી 27 સૂચિત વિકાસ કામોને સમિતિની મંજૂરી માટે રજૂ કર્યાં હતાં.

સમિતિના અધ્યક્ષા રોહિણી છોટુ પાટીલે જણાવ્યું કે, શહેરના વિવિધ રસ્તાઓને સિમેન્ટ કોંક્રિંટના બનાવવા માટે તેમજ જે ડામર રોડની મુદ્દત પુરી થતી હોય તેવા માર્ગોની સ્થિતિ અનુસાર કાર્પેટ-રિકાર્પેટ કરવા માટેની રજૂ થયેલી દરખાસ્ત પર ચર્ચા અંતે મંજૂરી અપાઇ હતી.

આ સાથે જ જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં રજૂ થયેલા એજન્ડા પરના 91 અને વધારાના 40 મળી કુલ 131 કામો પર સમિતિ સભ્યોએ પાલિકા અધિકારીઓની ઉપસ્થિતિમાં લાંબી ચર્ચા કરી હતી. આ દરમ્યાન વિવિધ ઝોનના વિકાસ કામોના અંદાજને બહાલી અપાઇ હતી.

ડિંડોલીમાં સ્પોર્ટ્સ સંકુલ માટે 9 કરોડ ખર્ચાશે
જાહેર બાંધકામ સમિતિએ ટીપી-41ના રે.સર્વે નં-1 સ્થિત ફાઇનલ પ્લોટ નં-101વાળી અને હાલમાં પાલિકાના ડેપો તેમજ હોટ મિક્સ પ્લાન્ટ તરીકે ઉપયોગમાં લેવાતી વિશાળ જમીન પર અધતન સ્પોર્ટ્સ સંકુલ બનાવવા 9.01 કરોડના અંદાજને મંજૂરી આપી હતી. ડિંડોલીમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તેમજ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેના સંકુલની લાંબા સમયથી માંગ હતી.

કમ્યુનિટી હોલ-સુમન સ્કૂલના અંદાજ પણ મંજૂર
કમિટીએ ટીપી નં-40 (લિંબાયત-ડિંડોલી)ના એફપી નં-101 રે.સર્વે નં-21 ખાતે કોમ્યુનિટી હોલ નિર્માણના કામ પર ચર્ચા કરી 11.21 કરોડ રૂપિયાનો અંદાજ મંજૂર કર્યો હતો. તેવી જ રીતે ટીપી-62 (ડિંડોલી-ભેદવાડ-ભેસ્તાન)ના એફપી નં-101ના રે.સર્વે નં-19 ખાતે સુમન શાળા નિર્માણ માટે 8.59 કરોડના ખર્ચનો અંદાજ પણ શાસકોએ મંજૂર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...