પ્રદર્શનથી ફાયદો:સુરતમાં વિવનીટ એક્ઝીબિશનમાં એક્ઝીબિટર્સને આશરે રૂપિયા 100 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થયો હોવાનો અંદાજ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંસદ અને મંત્રી દર્શના જરદોષે પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
સાંસદ અને મંત્રી દર્શના જરદોષે પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
  • ચેમ્બર દ્વારા પ્રથમ વખત જ યોજાયેલું વિવનીટ એક્ઝીબિશન સુરતને બ્રાન્ડ તરફ લઇ જનાર સાબિત થયું
  • પ્રદર્શનથી વિવર્સ અને નીટર્સમાં ક્રાંતિની સાથે નવો જોમ અને ઉત્સાહ વધ્યો: આશીષ ગુજરાતી

સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘વિવનીટ એક્ઝીબિશન-2021’ને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. દેશ અને વિદેશમાંથી બાયર્સનો પ્રતિસાદ મળતા એક્ઝીબિટર્સ દ્વારા અત્યારથી જ આગામી વર્ષનું બુકીંગ નોંધાવવામાં આવ્યું છે. આ એક્ઝીબિશનમાં એક્ઝીબિટર્સને આશરે રૂપિયા 100 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થયો હોવાનો અંદાજ છે.

દેશ-વિદેશથી બાયર્સ આવ્યા હતા
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના 65 હજાર કાપડના વેપારીઓ પૈકી મોટા ભાગના વેપારીઓએ વિવનીટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને એક્ઝીબિટર્સને ઢગલાબંધ ઓર્ડર આપ્યા હતા. ભારતની 20 મોટી કાપડની મંડી જેવી કે જયપુર, બનારસ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઇથી બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. દેશભરમાંથી બાયર્સ પ્રદર્શનમાં તો ઉમટ્યા જ હતા પણ યુકે, દુબઇ અને ચાઇનામાંથી પણ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. દેશ-વિદેશમાંથી ઉમટી પડેલા બાયર્સ માટે આ પ્રદર્શનમાં રેપીયર જેકાર્ડમાંથી બનતું કાપડ તથા વોટરજેટ, એરજેટ, સાદા લૂમ્સ ઉપરની ચાર બાય એક ડોબીવ્યુવ અને લેપેટવ્યુવ ફેબ્રિકનું આકર્ષણ રહયું હતું. ત્રણ દિવસમાં એક્ઝીબિટર્સને આશરે 30 લાખ મીટરથી વધુ ગ્રે ફેબ્રિકનો ઓર્ડર મળ્યો હતો. જ્યારે 6 લાખથી વધુ રેપીયર જેકાર્ડની સાડીના ઓર્ડર એક્ઝીબિટર્સને મળ્યા હતા.

આજે 6700 જેટલા વિઝીટરોએ પ્રદર્શનની મુલાકાત લીધી
આ પ્રદર્શનમાં એક્ઝીબિટર્સને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. પ્રથમ દિવસે 6150 અને બીજા દિવસે 10500 બાયર્સે મુલાકાત લીધી હતી. આજે ત્રીજા દિવસે આખો દિવસ સતત વરસાદમાં પણ 6700 જેટલા વિઝીટરોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેને પગલે આગામી વર્ષના એક્ઝીબિશન માટે અત્યારથી જ 60થી વધુ સ્ટોલ બુક થઇ ગયા હતા. આ પ્રદર્શનમાં કાપડની વિવિધ કવોલિટીઓ જેવી ડોલા સિલ્ક, રશિયન સિલ્ક, ટિશ્યુ સિલ્ક, પ્યોર વિસ્કોસ ઓર્ગેન્ઝા સિલ્ક, મુસ્લીન સિલ્ક, હેવી કોટન સિલ્ક, નેચરલ ક્રેપ અને ચિનોન શિફોનનું પ્રદર્શન થયું હતું.