શાળાઓમાં પ્રવેશોત્સવ:સુરતમાં વિદ્યાર્થીઓના કુમકુમ પગલા પાડવામાં આવ્યા, ઓલપાડમાં નોટબૂક, સ્કૂલ બેગ, રમકડાની કીટ આપી ઉત્સાહ વધારાયો

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓ સ્કૂલમાં પહેલો પગ મુકે તે પગલાંની કંકુથી છાપ કાગળ પર લેવામાં આવી હતી - Divya Bhaskar
વિદ્યાર્થીઓ સ્કૂલમાં પહેલો પગ મુકે તે પગલાંની કંકુથી છાપ કાગળ પર લેવામાં આવી હતી
  • ભૂલકાઓ સાથે સંવાદ સાધી મંત્રી મુકેશ પટેલએ સ્વચ્છતા, સ્વાસ્થ્ય, નિયમિત અભ્યાસ માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા

રાજ્ય સરકાર દ્વારા 23થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય 17મો 'શાળા પ્રવેશોત્સવ'ની શરૂઆત થઈ છે.સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને યાદગાર રીતે પ્રવેશ આપવામા આવ્યો હતો. જેના ભાગરૂપે તા.23મીએ પ્રથમ દિને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામની પ્રાથમિક શાળા અને કીમ ગામની પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી જિલ્લાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે આંગણવાડી અને પ્રાથમિક શાળાના ભૂલકાઓને બાળકોને સ્કૂલબેગ, નોટબુક, ફળો, રમકડા, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતાં.

વૃક્ષારોપણ કરાયું
મૂળદ ગામની શાળામાં ધો.1 માં 22 અને આંગણવાડીમાં 3 તેમજ કીમ ગામની શાળામાં 56 અને આંગળવાડીમાં 20 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. ભૂલકાઓ સાથે સંવાદ સાધી મંત્રીએ સ્વચ્છતા, સ્વાસ્થ્ય, નિયમિત અભ્યાસ માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. શાળાની વિદ્યાર્થિનીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. મંત્રી અને મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,પ્રાથમિક શિક્ષણ એ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો પાયો છે. રાજ્ય સરકાર પાયાથી જ વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તરને ઊંચુ લાવવાના સતત પ્રયાસો કરી રહી છે, અને તેમના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિથી માંડીને વિદેશ જવા સુધીની યોજનાઓ અમલમાં મૂકી છે, જેના પરિણામે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે.

મંત્રી મુકેશ પટેલે પ્રવેશોત્સવમાં હાજર રહીને તમામનો ઉત્સાહ વધાર્યો હતો.
મંત્રી મુકેશ પટેલે પ્રવેશોત્સવમાં હાજર રહીને તમામનો ઉત્સાહ વધાર્યો હતો.

શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
રાજ્ય સરકાર કન્યા કેળવણી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે લોન, સબસિડીયુક્ત યોજનાઓ અને તાલીમ થકી મદદરૂપ થઈ રહી છે. આ વિસ્તારની આંગળવાડીઓને સુવિધાયુક્ત બનાવવા સાથે જરૂરી સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. બાળકોના જીવન ઘડતર કરવાની મહત્વપૂર્ણ જવાબદારી શિક્ષકોની છે. તેમજ બાળકોને અભ્યાસમાં આર્થિક-સામાજિક સમસ્યા હોય તો મદદરૂપ થવાની ખાતરી મંત્રીએ આપી હતી. તેમણે બાળકોને અધવચ્ચે અભ્યાસ ન છોડવાનું ભારપૂર્વક જણાવી ભણીગણીને જીવનમાં આગળ વધવાની શુભેચ્છા આપી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં ધો.1 માં પ્રવેશપાત્ર એક પણ બાળક શાળાપ્રવેશથી વંચિત ન રહી જાય તેવા લક્ષ્ય સાથે જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ત્રણ દિવસ દરમિયાન 09 તાલુકાના 11,994 બાળકોએ ધો.1 માં પ્રવેશ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...