સુરતમાં વડીલોનો પસંદગી મેળો:કરોડપતિ વેપારી, ખેડૂત, તબીબ સહિતના વૃદ્ધો જોડાયા; 10 મહિલાઓ લગ્નની સાથે લીવ-ઈનમાં રહેવા પણ તૈયાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતના વરાછામાં આયોજિત પસંદગી મેળામાં એકબીજા સાથે વાત કરતા વડીલો. - Divya Bhaskar
સુરતના વરાછામાં આયોજિત પસંદગી મેળામાં એકબીજા સાથે વાત કરતા વડીલો.

સામાન્ય રીતે અપરિણીત યુવક-યુવતીઓના પસંદગી મેળા યોજાય છે, પરંતુ સુરતના નાના વરાછામાં એક અનોખો પસંદગી મેળો યોજાયો હતો. આ મેળામાં કોઈ યુવક-યુવતી નહીં પરંતુ વૃદ્ધજનો એકબીજાની પસંદગી માટે ભેગા થયા હતા. અનુબંધ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ દાદા-દાદી પસંદગી મેળામાં 51થી 75 વર્ષ સુધીના કુલ 800 વૃદ્ધોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 70 મહિલા-200 પુરુષને બોલાવાયા હતા. તેમાં એક કપલે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે, જ્યારે બીજા દસ લગ્ન કરે તેવું અનુમાન છે.

આ મેળાની ખાસ વાત એ હતી કે, 70માંથી 17% એટલે 10 મહિલાએ લગ્નની સાથે લિવ ઇનમાં રહેવાનો પણ વિકલ્પ આપ્યો હતો. મોટા ભાગના લોકો માને છે કે, કોઈ મહિલા જીવનસાથી ગુમાવી દે ત્યારે તેને ભરણપોષણની સમસ્યા આવે છે. તેના કારણે અનેક મહિલાઓ વૃદ્ધાશ્રમમાં જતી રહે છે. જો કે આ પસંદગી મેળામાં આવેલી મોટાભાગની મહિલાઓ એવી હતી કે, જે 15 હજારથી લઈને 70 હજાર સુધીની આવક ધરાવે છે. એમાં કોઈ નિવૃત્ત હતી, તો કોઇ સરકારી કર્મચારી હતી.

સુરતના 50થી વધુ લોકો આ પસંદગી મેળામાં સામેલ થયા હતા. આ ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરો તેમજ મુંબઈ, ચેન્નઈ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશના વડીલો પણ જીવનસાથીની શોધમાં છેક અહીં સુધી આવ્યા હતા.

‘એવો જીવનસાથી જોઈએ કે જે જોગિંગ કરીને હાંફ્યા વગર I LOVE YOU કહે’
લીવ ઇનમાં રહેવા માંગતી મહિલાઓમાં એક વૃદ્ધા એવા પણ હતા કે, જેમની પાસે કરોડોની સંપત્તિ છે પણ જીવનસાથી નથી. તેમની ઈચ્છા છે કે જેને તેઓ પસંદ કરે તે એમના ઘરે આવીને રહે. તેમની પાસે રાજકોટમાં પિતાજીનો તેમજ પોતાનો એમ બે બંગલૉ છે. તેઓ નિવૃત્ત સરકારી કર્મચારી છે. તેઓ કહે છે કે, હું વિધવા છું. સંતાનો પણ ગુજરી ગયા. માતા-પિતા પણ નથી. ભાઈનો પરિવાર અમેરિકામાં છે. ફોન પર તો બધા કહે છે કે ‘કોઈ તકલીફ હોય તો કહેજો’ પણ રોજિંદા જીવનમાં એકલતા છે. હું અમેરિકા પણ જઈ આવી પણ ત્યાં કોઈ વાત કરનારું નથી. જેથી હાલ મિત્રને ત્યાં પેઇંગ ગેસ્ટ છું. મને એવો માણસ જોઈએ જે 5 મિનિટ સુધી દોડીને હાંફ્યા વગર આવીને કહે કે, ‘આઇ લવ યુ’.

પતિ માટે જીવનસાથી શોધતી વૃદ્ધા
આ મેળામાં એક એવાં વૃદ્ધા આવ્યા હતા, જેમની બંને કિડની ખરાબ થઈ ગઈ છે. તેથી તેઓ મહિને દોઢ લાખની આવક ધરાવતા ફોટોગ્રાફર પતિ માટે જીવનસાથી શોધે છે. તેઓ કહે છે કે, મારું આયુષ્ય નક્કી નથી, જેથી પતિની સારસંભાળ માટે મારા જીવતેજીવ કોઈ મળી જાય એમ હું ઈચ્છું છું.

કોઈ માતા તો કોઈ પિતા માટે આવ્યા
​​​​​​​કોઈ પોતાની માતા માટે જીવનસાથીની શોધમાં હતું, તો કોઈ પિતા માટે. આ લોકોમાં ડૉક્ટર, એન્જિનિયર, કસ્ટમ-સેલ્સ અધિકારી, મામલતદાર, વેપારી, શિક્ષક, 25 વીઘા જમીન ધરાવતા ખેડૂત સહિતના લોકો સામેલ હતા, જેમની માસિક આવક રૂ. દોઢ લાખથી સાડા ત્રણ લાખ સુધી હતી.

અન્ય સમાચારો પણ છે...