• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Elderly Patient Of High Sugar In Surat Civil Is Accused Of Wandering For 5 Hours Without Treatment, Tantra Said, Appropriate Investigation Will Be Done And Action Will Be Taken.

બેદરકારી:સુરત સિવિલમાં હાઈ સુગરનો વૃદ્ધ દર્દી સારવાર વિના 5 કલાક રઝળ્યાનો આક્ષેપ, તંત્રએ કહ્યું, યોગ્ય તપાસ કરી પગલાં લેવાશે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલ(ફાઈલ તસવીર)મા દર્દીને યોગ્ય સમયે સારવાર ન મળી હોવાના આક્ષેપ થયા છે. - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલ(ફાઈલ તસવીર)મા દર્દીને યોગ્ય સમયે સારવાર ન મળી હોવાના આક્ષેપ થયા છે.
  • દર્દીના પરિવારે આક્ષેપ સાથે કહ્યું કે, અગાઉ કાઢી મૂકાયા બાદ બેભાન અવસ્થામાં સિવિલ લઈ ગયેલા

સુરત સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફ્રેક્ચર વાળા પગમાં પડી ગયા બાદ સોજા આવી ગયેલા હાઈ સુગરના વૃદ્ધ દર્દીને સિવિલમાંથી કાઢી મુકાયા બાદ 24 કલાકમાં જ બેભાન અવસ્થામાં લવાતા દાખલ કરવા ડોક્ટરો મજબુર બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ બુધવારની રાત્રે 9:30 વાગે 108માં લવાયેલા વૃદ્ધ દર્દીને 5 કલાક સુધી ટ્રોમાંના ICUમાં રઝળતો મૂકી મેડિસિન અને સર્જરી વિભાગના ડોક્ટરોએ એક બીજાને ખો આપતા રહ્યા હોવાનું પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું છે. ગુરુવારની વહેલી સવારે 3 વાગ્યે હાર માની ગયેલા મેડિસિન વિભાગે વૃદ્ધ રામાયણ ભાઈને પોતાના યુનિટમાં દાખલ કરી ભુલને સુધારવાના પ્રયાસ બાદ દર્દીએ યાતનાઓ ભૂલી સારવાર કરાવવા મજબુર બન્યા છે. સમગ્ર મુદ્દે આરએમઓએ કહ્યું કે, 3 કલાકમાં દાખલ કરવાના સુપરિટેન્ડન્ટના પરિપત્રનું ઉલ્લંઘન થયું હશે તો તપાસ કરીને યોગ્ય પગલાં ભરવામાં આવશે.

ઘરે ગયા બાદ બેભાન થયા
પીડિત વૃદ્ધના દીકરા નિલેશ ઠાકોરએ જણાવ્યું હતું કે, પપ્પાના પગમાં ફેક્ચર થયા બાદ સળિયા મૂકી સાજા કરાયા હતાં. એ વાતને ઘણા મહિનાઓ થઈ ગયા પણ રવિવારના રોજ પપ્પા અચાનક પડી જતા પગમાં સોજા આવી ગયા હતા. 56 વર્ષની ઉંમરે હાઈ સુગર સાથે દર્દ સહન ન થતા આખરે મંગળવારે સાંજે 108ની મદદથી પપ્પાને સિવિલ લાવવામાં આવ્યા હતા. જ્યાં ટ્રોમાં સેન્ટરના ICUવોર્ડમાં ડોક્ટરોએ એક બીજાને ખો આપી પ્રાથમિક સારવાર બાદ રજા આપી દીધી હતી. ઘરે ગયા બાદ ગણતરીના કલાકોમાં પપ્પાની તબિયત બગડી હતી. સિવિલમાંથી આપેલી દવા લીધા બાદ થોડી રાહત થઈ હતી. જોકે બુધવારે મોડી સાંજે અચાનક પપ્પા બેભાન થઈ જતા પરિવાર ચિતામાં મૂકાઇ ગયું હતું.

માનવતા મરી પરવાર્યાના આક્ષેપ
લગભગ 9થી 10ની વચ્ચે 108ની મદદથી પપ્પાને ફરી સિવિલ લઈ આવતા સર્જરી અને મેડિસિન વિભાગના ડોકટરો વચ્ચે 'આ દર્દી તારો છે, ને બીજો કહે તારો છે' ની પારાયણમાં રામાયણ ભાઈ કલાકો એટલે 5 કલાક સુધી દર્દ સાથે રઝળતા રહ્યા હતા. આખરે તુતું મેમેની લડાઈ બાદ મેડિસિન વિભાગે પપ્પાને દાખલ કરી દીધા હતા. પપ્પા અર્ધ બેભાન જેવા થઈ ગયા હતા. સિવિલના ડોક્ટરોની માનવતા મરી જ પરવારી છે. મારા પપ્પાની જગ્યા પર કોઈ ડોકટરના પપ્પા હોત તો પણ આવું જ કર્યું હોત, કર્મચારીઓ કહે છે બે કલાકમાં દાખલ કરી દેવા સુપરિટેન્ડન્ટ પરિપત્ર બહાર પાડ્યો છે. ટ્રોમાં સેન્ટરમાં ડોક્ટરોના તેવર જોયા બાદ એવું લાગ્યું કે, સુપરિટેન્ડન્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે તેવું વધુમાં આક્ષેપ સાથે નિલેશ ઠાકોરએ જણાવ્યું હતું.

તપાસ કરાશે-તંત્ર
વૃદ્ધને ટ્રોમાં સેન્ટરમાં 5 કલાક સુધી રઝળતો છોડી દેવાના પ્રકરણમાં RMO કેતન નાયકે, જણાવ્યું હતું કે, ચોક્કસ ધ્યાન દોર્યું છે એ માટે, 3 કલાકમાં દાખલ કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. દર્દીને કેમ રાખી મુકાયો તેની તપાસ કરાશે, ત્યારબાદ યોગ્ય પગલાં લેવાશે.