સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કડોદરાના 62 વર્ષીય દર્દીના થાપાનો ગોળો કાઢી લીધા બાદ થાપાના ઓપરેશન માટે ઈમ્પ્લાન્ટ સ્ટોકમાં ન હોવાથી 3 કિલોના વજનીયા લટકાવી રોકી રાખ્યા છે. ખાનગી ઈજારદાર પાસે ઈમ્પ્લાન્ટ સ્ટોક મંગાવવાની પ્રક્રિયા કરવાનું ભૂલી ગયેલી સ્મીમેરે નવેસરથી ટેન્ડર જાહેર કર્યા છે. સ્મીમેરની લાપરવાહીનો ભોગ દર્દીએ બનવું પડ્યું છે.
કડોદરાની HRP રેસિડેન્સી ખાતે રહેતા અને 62 વર્ષિય રતિભાઇ ગોંડલિયા અકસ્માતે ઘરમાં પડી ગયા હતાં. જેના લીધે તેમના ડાબા પગના થાપાના ગોળામાં ફ્રેક્ચર થયું હતું. આ સારવાર માટે રતિભાઇ સ્મીમેર હોસ્પિટલમાં ગઇ તા. 21-03-22ના રોજ દાખલ થયાં હતાં. ઓર્થોપેડિક વિભાગમાં ડો. કુશલ, ડો. નિશાંત અને ડો. રોનકે 30-03-22ના રોજ ઓપરેશન કરી થાપાનો ભાંગી ગયેલો ગોળો કાઢી લીધો હતો સાથે જ ઇન્ફેક્શન ક્લિયર કરી ઇમ્પલાન્ટ મુકવાની તજવીજ હાથ ધરી હતી.
ગઇ 21મી માર્ચથી દાખલ રતિભાઇનો થાપાનો ગોળો ભાંગી ગયો હોવાથી તેમને ડાબા પગ સાથે 3 કિલોનું વજનીયુ બાંધી પથારી પર રાખી મુકાયા હતાં. જોકે પહેલા ઓપરેશન પછી તેઓ હવે ચાલી શકવાનું તો દૂર પથારી પણ છોડી શકતા નથી. બીજું ઓપરેશન ઇમ્પલાન્ટ મુકવા માટે બાકી રાખવામાં આવ્યું છે. જોકે ત્રણ વખત ઓપરેશનની તારીખ આપ્યા બાદ પણ સ્મીમેરમાં ઇમ્પલાન્ટ ન હોવાથી 2 મહિના બાદ પણ સારવાર પૂરી ન થતો ઘરે પરત જઇ શક્યા નથી.
આ અંગે સ્મીમેરના ઈ.ચા.મેડિકલ સુપ્રિ.ડો.વંદના દેસાઈએ કહ્યંુ કે, ઇમ્પલાન્ટ રિક્વાયરમેન્ટમાં વારંવાર થતી ગૂંચ ઉકેલવા ટેન્ડરિંગથી સમય વેડફાયો છે. લોએસ્ટ ઇજારદાર મળતા જ પેન્ડિંગ દર્દીના ઓપરેશન કરાશે.
લાપરવાહીનો ભોગ દર્દી બન્યા
પરચેઝ કમિટિ પાસે 2 લાખ સુધીના ખર્ચની સત્તા છતાં ઈમ્પ્લાન્ટ મંગાવાયા ન હોવાનો આક્ષેપ રૂગ્ણાલય સમિતિના વિપુલ સુહાગીયા અને રચના હીરપરાએ કર્યો છે. તેમણે વિજિલન્સ તપાસની પણ માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.