કંચન જરીવાલાના નાટ્યાત્મક વળાંકો:8 મહિના પહેલાં AAPમાં જોડાયા, 14મીએ ઉમેદવારીનું ફોર્મ ભર્યું, 15મીએ ગાયબ, 16મીએ ફોર્મ પાછું ખેંચ્યુ, હવે કહે છે 'કોંગ્રેસથી ખતરો'

સુરત4 મહિનો પહેલા

સુરત પૂર્વ બેઠક આજે આખો દિવસ રાજકીય નાટ્યાત્મક વળાંકોનો રહ્યો છે. જેને ગઈકાલ સુધી કોઈ નહોતું ઓળખતું તે કંચન જરીવાલા આજે નેશનલ સેલિબ્રિટી બની ગયા છે. કારણ... આઠેક મહિના પહેલાં આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાનારા કંચનભાઈએ 14મીએ આ બેઠક પર ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. હવે બે દિવસમાં જ ઘણી બધી પલટીઓ મારીને કંચનભાઈએ પોતાનું કિડનેપ થવાની વાતો વચ્ચે ઉમેદવારી પાછી ખેંચી છે. અહીંથી જ ડ્રામા અટકતો નથી કારણ કે હવે તેઓ કોંગ્રેસના ઉમેદવારના માણસોથી પોતાને ખતરો હોવાનું કહી પોલીસ રક્ષણ માગી રહ્યા છે.
ઈસુદાનના ટવિટથી શરૂ થયો રાજકીય ડ્રામા
કંચનભાઈને લગતા પોલિટિકલ ડ્રામાની શરૂઆત આજે સવારે AAPના નેતા ઈસુદાન ગઢવીના ટવિટથી થઈ. ઈસુદાને ટ્વીટ કરી ભાજપના ગુંડાઓ કંચન જરીવાલાને કિડનેપ કરી ગયાની વાત કરી હતી. કંચનભાઈના ઘરે જઈને દિવ્ય ભાસ્કરે તપાસ કરતા તેઓ પરિવાર સાથે કશેક ગયા હોવાની ખબર પડી. આવામાં બપોરે અચાનક જરીવાલા ચૂંટણી કચેરીએ ઉપસ્થિત થયા અને 'રાજીખુશી'થી ઉમેદવારી પાછી ખેંચવાની નોટિસ આપી હતી. બીજી તરફ કંચનભાઈએ એક વીડિયો જારી કરીને પોતાના પર કોઈ દબાણ ન હોવાની વાત કરી હતી.

કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત ખેચ્યું.
કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત ખેચ્યું.

ફોર્મ પાછું ખેંચી જરીવાલા બાઉન્સરો સાથે નીકળ્યા
કંચન જરીવાલા ફોર્મ પરત ખેંચવા માટે આજે બપોરે બહુમાળી ભવન પહોંચ્યા હતા. જ્યારે ધક્કામુક્કીનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. ત્યારબાદ કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત ખેચ્યું હતું. ફોર્મ પરત ખેંચવા સાથે અધિકારીની સાથે વાતચીત કરી હતી. કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી અને રાજીખુશીથી ફોર્મ પરત ખેચ્યું હોય તેવું અધિકારી સમક્ષ કંચન જરીવાલાએ જણાવ્યું હતું. જો કે, ત્યારબાદ ત્યાંથી તેઓ બાઉન્સરોની ટાઈટ સિક્યુરિટીમાં બહાર નીકળ્યા ત્યારે ધક્કામુક્કી પણ થઈ હતી.

કોણ છે કંચન જરીવાલા?
કંચન જરીવાલા જરીના કામ સાથે જોડાયેલા છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી તેઓ વોર્ડ નંબર 13માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અંદાજે 14,000 જેટલા મતો મેળવ્યા હતા અને આખી પેનલ જે કોંગ્રેસને હતી તે હારી ગઈ હતી. આ અગાઉ પણ તેઓ વર્ષો પહેલાં જનતા દળમાંથી કોર્પોરેશનમાં લડ્યા હતા અને અપક્ષમાંથી પણ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતા. કુલ અત્યાર સુધીમાં તેઓ 3 ઇલેક્શન લડી ચૂક્યા છે. આ વખતે પ્રથમ વાર તેઓ વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર થયા હતા.

ઈસુદાન દ્વારા ટ્વિટ કરાયું
કંચન જરીવાલા ગત રોજથી ગાયબ હોવાની વાતો વહેતી થઈ હતી. ત્યારે આજે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદના ચહેરા ઈસુદાન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમાં ઈસુદાને લખ્યું છે કે BJP આપથી એટલી ડરી ગઈ છે કે તે ગુંડાગીરી પર આવી ગઈ છે. ભાજપવાળા થોડા દિવસોથી સુરત પૂર્વથી ચૂંટણી લડી રહેલા કંચન જરીવાલાની પાછળ પડ્યા છે. માનવામાં આવે છે કે ભાજપના ગુંડાઓએ તેમને ઉઠાવી લીધા છે. તેમનો પરિવાર પણ ગાયબ છે. ભાજપ કેટલી નીચલી કક્ષાએ જશે?

ઈસુદાને કરેલું ટ્વિટ.
ઈસુદાને કરેલું ટ્વિટ.

ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર આક્ષેપ
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલ બપોરથી જ કંચન જરીવાલાને કિડનેપ કરી લીધા હતા. એ સંપર્કવિહોણા થઈ ગયા હતા. તેમની આખી રાત શોધખોળ કરી હતી પણ કોઈ સંપર્ક થયો ન હતો. અહીં ફરિયાદ કરવા આવ્યા ત્યારે ખબર પડી કે 100 જેટલા ભાજપના ગુંડાઓએ ઘેરી લીધા ને ફોર્મ પરત ખેંચાવ્યું છે. ભાજપના જ માણસો હતા આટલી હદે ગુંડાગીરી કરવાની હિંમત કોની છે? શું ગુજરાતમાં સરકારી તંત્ર નથી. સરકારી તંત્ર-પોલીસ તંત્ર હોવા છતાં ખુલ્લેઆમ કિડનેપિંગ કરવાની હિંમત તો ભાજપની જ છે. આ રીતે બધી બેઠક પર પ્રયાસ કરી રહ્યા છે. સુરત પૂર્વમાં સફળ થયા છે. અમે પણ એલર્ટ છીએ અને આગળના પ્રયાસો કરી રહ્યા છીએ.

કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાઇકલવાલાએ AAP પાસે સમર્થન માંગ્યું
કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાઇકલવાલાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા તેના મળતિયાઓ અને ગુંડા તત્ત્વો દ્વારા AAPના ઉમેદવાર કંચન જરીવાલાને પ્રલોભનો અને ધાકધમકી આપી દબાણ ઊભું કરીને તેની પાસેથી આ ફોર્મ પરત ખેચાવ્યું છે. આ સમગ્ર ખેલ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ઇશારા પર થયો છે. જેને લઈને આમ આદમી પાર્ટીને જો ઇંટનો જવાબ પથ્થરથી આપવો હોય તો કોંગ્રેસનો હું મજબૂત ઉમેદવાર છું અને તેઓ મને ખૂલીને સમર્થન કરશે તો ચોક્કસથી ભાજપને તેનો વળતો જવાબ મળી જશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારા મત વિસ્તારમાં મતદારો પાસે મત માંગવા માટેની પાર્ટીના હાઈકમાન્ડ પાસે મંજૂરી માંગવાની રહેતી નથી. આ લડાઈ ભાજપની ગુંડાગર્દી અને અસામાજિક તત્ત્વો સામેની છે. જેને લઇ મેં આ પ્રકારે આમ આદમી પાર્ટી સાથે ખુલ્લું સમર્થન માંગ્યું છે.

ફોર્મ ભરવા ગયા પછી ગાયબ થઈ ગયા
કંચન જરીવાલા ગાયબ હોવાની વાતો વહેતી થવા અંગે તેમનાં ભાભીએ જણાવ્યું હતું કે, એ ક્યાં છે એ ખબર જ નથી. ગઈ કાલથી કોઈ સંપર્ક થતો ન હતો. ફોર્મ ભરવા ગયા હતા ત્યાંથી જ ગાયબ થઈ ગયા હોવાની વાત મળી હતી. ઘરે પરત આવ્યા જ ન હતા. માતાને પગે લાગીને ગયા એ ગયા પછી આવ્યા જ નથી. આપમાંથી પણ કોઈ પૂછવા આવ્યું નથી. તેમણે પણ ઘરે કોઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ન હતો.

ફોર્મ પરત ખેંચવા જતા સમયે ધક્કામુક્કી થઈ હતી.
ફોર્મ પરત ખેંચવા જતા સમયે ધક્કામુક્કી થઈ હતી.

ભાજપના ઉમેદવારે કહ્યું-કોઈ માહિતી નથી
સુરત પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, કંચન જરીવાલા આપના ઉમેદવાર છે. એ ઉમેદવાર તરીકેની એમનું કર્તવ્ય કરતા હશે. મને તેમની કોઈ માહિતી નથી. હું મારા મત વિસ્તારમાં લોકસંપર્ક કરી રહ્યો છું. કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લીધું હોવાની પણ માહિતી નથી. ભાજપ ત્રણ ટર્મથી અહીં જીતે છે. આ ચૂંટણીમાં પણ ખૂબ મોટી લીડથી જીત મેળવશે. અમને સામેવાળા કોણ છે, શું કરે છે એની પરવા નથી. ભાજપના કાર્યકર્તાની મહેનતથી જ જીતવાનું છે.

ફોર્મ પરત ખેંચવા માટે દબાણ?
સુરત પૂર્વ બેઠક પર દર વખતે નજીવા માર્જિનથી જીત થાય. એવી સ્થિતિ ભાજપ માટે પણ ઊભી થઈ જતી હોય છે, પરંતુ આ વખતનાં સમીકરણો કંઈક અલગ છે અને કોંગ્રેસ તરફથી જે મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં ઊતર્યો છે તે પણ મુસ્લિમોના વોટ સારા એવા મેળવી શકે તેમ છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાને જો હિન્દુઓના ભાજપ તરફેણના મત મળે તો ખૂબ મોટું નુકસાન થઈ શકે તેમ છે અને સીટ ગુમાવી પણ પડી શકે છે. આવી સ્થિતિ ઊભી ન થાય એના માટે પહેલાંથી જ ગેમ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો હોય એવું લાગે છે. યેનકેન પ્રકારેણ કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લે એના માટેના પ્રયાસો થઈ રહ્યા હોય એવી સ્થિતિ ઊભી થઈ છે.

હાઈ વોલ્ટેજ ડ્રામાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
હાઈ વોલ્ટેજ ડ્રામાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

ફોર્મ સ્વીકારાઈ ગયા પછી ડમી ઉમેદવારને પક્ષનું ચિહ્ન મળતું નથી
જો કંચન જરીવાલા કોઈ કારણસર પોતાનું ફોર્મ પરત ખેંચી લે તો તેમના જે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે તેને ચૂંટણીમાં લડવું હોય તો પણ તે અપક્ષ તરીકે લડી શકે છે, તેને ઝાડુનું આમ આદમી પાર્ટીનું ચિહ્ન મળી શકે તેમ નથી. આવી સ્થિતિમાં ટેક્નિકલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સિમ્બોલ જ નીકળી જશે, જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે અને આ રણનીતિના આધારે તેઓ હાલ આગળ વધી રહ્યા હોય એવી ચર્ચા છે.

સુરત પૂર્વ બેઠકના AAPના ઉમેદવાર કંચન જરીવાલા.
સુરત પૂર્વ બેઠકના AAPના ઉમેદવાર કંચન જરીવાલા.

પૂર્વ બેઠક પર નવાં સમીકરણો સર્જાઈ શકે
જો આમ આદમી પાર્ટીના કંચન જરીવાલા પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી લે તો સીધી લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થઈ જશે. AIMIM પાર્ટી દ્વારા પણ મુસ્લિમ ઉમેદવારને ઊભો રાખવામાં આવ્યો છે, પરંતુ તેને મત મળે એવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ રહી છે. એને કારણે જે વોટ મુસ્લિમોના કપાવા જોઈએ એ કપાઈ શકે એવી સ્થિતિ દેખાતી નથી.

કંચન જરીવાલાનું ફોર્મ પરત લેવા પ્રયાસો થતા હોવાના આક્ષેપ.
કંચન જરીવાલાનું ફોર્મ પરત લેવા પ્રયાસો થતા હોવાના આક્ષેપ.

કંચન જરીવાલા મેદાનમાંથી બહાર જતા રહે તો જ ભાજપને ફાયદો થઈ શકે
હવે એકમાત્ર વિકલ્પ એવો છે કે કંચન જરીવાલા જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. તેઓ ચૂંટણીમાં ન ઊતરે તો જ આસાનીથી ભાજપ જીતી શકે, નહીં તો ત્યાં લેન્ડ જેહાદ, અશાંત ધારાનો મુદ્દો તેમજ અન્ય સ્થાનિક લોકોમાં વર્તમાન ધારાસભ્યને લઈને જે અસંતોષ છે એનું નુકસાન ભાજપને ઉઠાવવું પડે એમ છે, તેથી કંચન જરીવાલા મેદાનમાંથી બહાર જતા રહે તો જ ભાજપને ફાયદો થઈ શકે. હવે જોવાનું એ રસપ્રદ બનશે કે કંચન જરીવાલા પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચે છે કે ચૂંટણીમાં ઝંપલાવશે.

અન્ય સમાચારો પણ છે...