સુરતમાં કોરોનાની બીજી લહેર હવે થાળે પડી રહી છે. ત્યારે આ બીજી લહેરમાં પોતાની પ્રેક્ટિસની ચિંતા કર્યા વગર કે રૂપિયાના મોહમાં અટવાયા વગર 85 ડોક્ટરોએ 'જનસેવા એજ પ્રભુસેવા'ને સર્વોપરી ગણી સિવિલ અને સ્મીમેરમાં નિ:શુલ્ક તબીબી સેવા આપી હતી. કોરોનાની બીજી લહેર દરમિયાન બંને હોસ્પિટલમાં તબીબી સ્ટાફની અછતને નિવારવા સિવિલમાં 44, સ્મીમેરમાં 25, આઇસોલેશન સેન્ટરોમાં 16 ખાનગી ડોક્ટરોએ વિનામુલ્યે અને નિ:સ્વાર્થ સેવા આપીને સાબિત કર્યું છે કે 'માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, અને માનવ સેવાથી મોટી કોઈ સેવા નથી'.
દર્દીને કોરોનામુક્ત કરવામાં આનંદ મળતો
તબીબોની ટીમ એક સૂરે જણાવે છે કે, કોરોનાની ત્રીજી લહેર આવશે તો પણ અમારી ટીમ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવા સંકલ્પબદ્ધ છીએ.તબીબ ડો.હિતેશ ઇટાલિયા જણાવે છે કે, 'સવારે અમે જ્યારે દર્દીની મુલાકાતે જતા, ત્યારે કોવિડના દર્દીઓ અમને આવજો કહીને 'સાંજે પણ તમે આવશો ને? એવું પૂછતા ત્યારે ખુબ આનંદની લાગણી થતી. કોવિડમાં દર્દીને સારવારની સાથે સહાનૂભૂતિની જરૂર હોય છે, જે માટે અમે સારવાર સાથે જ મનોબળ અને જુસ્સો વધારતાં વાક્યો બોલીને તેમને જરાયે ચિંતા ન કરવાં કહેતા.
સેવા માટે ડોક્ટરનું ગ્રુપ બનાવ્યું
નવી સિવિલમાં સેવા આપનાર ડો.રિતેશ શાહ જણાવે છે કે, 'કોરોનાની વિકટ સ્થિતિ જોવા મળી ત્યારે સિવિલમાં સેવાભાવી સંસ્થાઓ સાથે કોવિડ વોર્ડમાં જવાનું થતું હતું. જ્યાં મને લાગ્યું કે, જો હજુ વધુ તબીબો કાર્યરત હોય તો વધુ સારી સારવાર કરી શકાય. જેથી એકબીજાથી પરિચિત મિત્ર ડોક્ટરોનું એક ગ્રુપ બનાવ્યું. જેમાં ધીરે-ધીરે 85 તબીબો જોડાયા અને સૌએ સરકારી હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં સેવા આપવાના વિચારને વધાવી લીધો. સ્થાનિક આરોગ્ય તંત્રવાહકો સાથે વાત કરી એમની અનુમતિ લઇ 44 તબીબોના પાંચ ગુપ બનાવી અલગ અલગ કોવિડ વોર્ડમાં સેવા આપવાનું શરૂ કર્યું હતું. ઘણીવાર મોટી ઉંમરના દર્દીઓ પોતાના દિકરા-દીકરીઓને મળવા માટે માનવસહજ જિદ્દ કરે એવા સમયે વડીલ દર્દીને 'અમે જ તમારા દીકરા છીએ, પછી ચિંતા શાની કરો છો?' એવું આત્મીયભાવે કહીને એમને એકલતાનો અનુભવ થવા દેતા ન હતા.
તબીબોનો સાથ સહકાર મળ્યો
સ્મીમેરમાં સેવા કરનાર આ ડોક્ટર ગ્રુપના ડો.હસમુખ બલરે જણાવ્યુ હતું કે, હું પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. ભૂતકાળમાં પૂર, પ્લેગ જેવી અનેક કુદરતી આફતોમાં સપડાયેલા સુરતને આપણે સૌએ સાથે મળીને ફરીવાર ધબકતું કર્યું છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ. સિવિલ, સ્મીમેરમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો, જેથી તબીબી ધર્મને અનુસરી, મુશ્કેલીમાં મૂકાયેલા આપણા ભાઈઓ-બહેનો માટે કંઈક કરવું જોઈએ એવી ભાવનાથી પ્રેરાઈને ગ્રુપ બનાવ્યું. સાથી તબીબોએ પણ સાથ-સહકાર આપવા ઉમળકો દર્શાવ્યો. સ્મીમેર આરોગ્યતંત્રની સંમતિથી અહીં 25 તબીબો કોરોના દર્દીઓની સેવામાં જોડાયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.