તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગર્ભસંસ્કાર:સુરતમાં કોરોનાકાળમાં સગર્ભા માતાઓ ગર્ભસંસ્કાર તરફ વળી, સગર્ભાઓએ દાળના દાણા અને મમરા પર ધાર્મિક મંત્રો લખી એકાગ્રતા વધારી

સુરતએક મહિનો પહેલાલેખક: આશિષ મોદી
  • આયુર્વેદમાં પણ 5 હજાર વર્ષ પહેલાં ગર્ભસંસ્કારનો ઉલ્લેખ કરાયો છે

કોઈએ મમરા પર તો કોઈએ મગ અને મસૂરની દાળના દાણા પર ધાર્મિક મંત્ર લખી અને કોઈએ 20 ભાષાઓમાં મહામંત્ર લખીને સુરતની સગર્ભા માતાઓએ કોરોનાની મહામારીના ડરામણા સમયમાં ગર્ભસંસ્કારથી બાળકનો ઉછેર કરવાનો રસ્તો અપનાવ્યો છે. સગર્ભાઓ સાથે દિવ્ય ભાસ્કરે વાત કરતા જાણવા મળ્યું હતું કે, આવા કપરા સમયમાં ધાર્મિક ક્રિએટિવિટી કરવાથી ગર્ભમાં ઉછેર કરતા બાળકનો માનસિક વિકાસ મજબૂત બને છે અને પોઝિટિવ વિચારધારા સાથે બાળકનો જન્મ થાય છે. મર્મ દાબ સ્પેશિયાલિસ્ટ અને ગર્ભસંસ્કાર કાઉન્સિલર અમીશાબેન પટેલે જણાવ્યું હતું કે આવી ક્રિએટિવ અને ચેલેન્જિંગ એક્ટિવિટી કરવાથી ગર્ભમાં વિકસીત થતાં બાળકના મગજને અને મનને વધુ એકાગ્રતાના લેવલે વિકસિત કરી શકાય છે. જે આગળ જીવનમાં તેને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આયુર્વેદમાં પણ 5 હજાર વર્ષ પહેલાં ગર્ભસંસ્કારનો ઉલ્લેખ કરાયો છે.

ગીતાના 18 અધ્યાયના 700 શ્લોક લખવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું
નિકિતા જીજ્ઞેશ રાબડીયા (સગર્ભા) એ જણાવ્યું હતું કે નવ મહિના પહેલા અમે વિચાર્યું હતું કે, મારે ગર્ભાધાન અને ગર્ભસંસ્કાર થકી બાળકનું પ્લાનિંગ કરવું છે. અમે મર્મ દાબ સ્પેશિયાલિસ્ટ અને ગર્ભસંસ્કાર કાઉન્સેલર અમિષાબેનના સંપર્કમાં આવ્યા અને આજે મને 6 માસનો ગર્ભ છે. કોરોનાકાળમાં માઈન્ડ ડાઇવર્ટ ન થાય એટલે અમે ગર્ભસંસ્કારનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે. હંમેશા કંઈક નવું અને કંઈક જુદું કરવાનું કહેતા અમિષાબેનના માર્ગદર્શન હેઠળ અમે મગની દાળના દાણા પર શ્રીમદ ભાગવત ગીતાના 18 અધ્યાયના 700 શ્લોક લખવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.

રોજના 3 કલાકનો ઉપયોગ કરી છેલ્લા 10 દિવસમાં અમે 7 હજાર મગની દાળના દાણા પર 4 અધ્યાયના 120 શ્લોક લખી કાઢ્યા છે અને મારી સગર્ભાવસ્થાના 7 મહિના પુરા થાય એ પહેલાં બાકીના 14 અધ્યાયના તમામ શ્લોક 38 હજારથી વધુ મગની દાળના દાણા પર લખીને અમારા આ કાર્યને પૂર્ણ કરીશું. મને વિશ્વાસ છે કે મારી આ મહેનત અને એકાગ્રતા થકી ગર્ભમાં ઉછરી રહેલા બાળકના માનસિક વિકાસને અમે વધુ મજબૂત બનાવી શકીશું. હું હાલ જે કંઈ પણ ક્રિએટીવીટી કરીશ એની સીધી અસર મારા બાળકને થશે. વિશેષ આનંદ એ વાતનો છે કે આવું સર્જન સગર્ભાવસ્થા દરમિયાન આજદિન સુધી કોઈએ કર્યું નથી. મિરેકલ ગર્ભસંસ્કાર થકી હું આ કરી શકી એ વાતનું ગૌરવ છે.

મમરા પર લખવું કઠિન તો રહ્યું પણ અમારી એકાગ્રતા વધે છે
એનાલી અર્પિત શાહે જણાવ્યું હતું કે, મારી સગર્ભાવસ્થાના છ મહિના કમ્પ્લીટ થયા છે અને હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. કોરોના કાળમાં ગર્ભસંસ્કાર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે એટલે અમે અમિષાબેનના માર્ગદર્શન હેઠળ આ નવતર પ્રયોગ કરી રહ્યા છે. અમે જૈન છીએ એટલે અમારા ધાર્મિક નવકાર મંત્રોને, ઉવસગ્ગહરં સ્તોત્ર અને સંતિકરં સ્તોત્રને મમરા પર લખવાનું વિચાર્યું હતું. મમરા જેવી નાની, નાજુક અને હલકી વસ્તુ પર લખવું ખૂબ જ અઘરું છે. મમરા પર લખવું કઠિન તો રહ્યું પણ અમારી એકાગ્રતા વધે છે આ વાત સમજાતી ગઈ. રોજના 2 કલાક નો સમય ફાળવી અમે 4 દિવસમાં 536 મમરા પર મંગલકારી આધ્યાત્મિક મંત્ર લખીને પૂર્ણ કર્યા છે.

અમને વિશ્વાસ છે કે મારું બાળક એની ખૂબ સારી એકાગ્રતા લઈને જન્મ લેશે. ગર્ભમાં ઉછેર લેતા બાળક પર આની સીધી અસર થાય છે, આ વાત વિજ્ઞાન પણ સાબિત કરે છે . બાળક માનસિક રીતે વધુ મજબૂત બને છે. આવી માહામારીના સમયમાં મારી તમામ સગર્ભા બહેનોને એક સલાહ છે કે મગજને વધારે માં વધારે ક્રિએટિવ રાખવા ગર્ભસંસ્કારનું કાઉન્સેલિંગ ચોક્કસ લે. અમારા પડોશીઓ અને અમારા ઘરના સર્વ સભ્યો પણ અમારા ક્રિએટિવ પ્રયત્ન ને જોઈને આશ્ચર્ય સાથે આનંદનો સુખદ અનુભવ કરે છે.

કોવિડ પોઝિટિવ થઈ ત્યારે થોડી માનસિક તણાવમાં આવી ગઈ હતી
માનસી હાર્દિક ડોબરીયાએ જણાવ્યું કે, અમે નક્કી જ કર્યું હતું કે, જ્યારે પણ હું બેબી પ્લાન કરીશ ત્યારે ગર્ભાધાન અને ગર્ભસંસ્કાર થકી જ કરીશ, આજે મને 8 માસની પ્રેગનેન્સી છે, આ દરમિયાન હું કોવિડ પોઝિટિવ પણ આવી હતી. મારે ચાઇનાથી એકલા બે ફ્લાઇટ બદલીને, ટ્રાવેલીંગ કરીને ઇન્ડિયા આવવાનું હતું. આ મારા માટે ચેલેન્જ હતી. અમે છેલ્લા ત્રણ વર્ષથી મર્મ દાબ સ્પેશિયાલિસ્ટ અને ગર્ભસંસ્કાર કાઉન્સેલર અમિષાબેનના સંપર્કમાં હતા. જ્યારે હું ભારત આવી અને કોવિડ પોઝિટિવ થઈ ત્યારે સ્વભાવિક રીતે થોડી માનસિક તણાવમાં આવી ગઈ હતી.

અમિષાબેનની સલાહ સુચન હેઠળ મેન્ટલ ફોકસ ને વધારવા અને મારા સમયનો મહત્તમ ઉપયોગ ક્રિએટિવ કામ માં થાય તે આશયથી મસૂરની 2000 દાળના દાણા ઉપર હનુમાન ચાલીસા અને 527 મસૂરની દાળના દાણા પર ગાયત્રી મંત્ર લખી ને મેં મારી એકાગ્રતા ,ક્રિએટિવિટી અને સમયનો સદ્ઉપયોગ કરવાની કોશિશ કરી. ત્યારબાદ મે સ્વામીનારાયણ મહામંત્રને 20 અલગ અલગ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ભાષાઓમાં લખ્યા. મેં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યો હોવાથી આ મારા માટે ખૂબ જ અઘરું કામ હતું. જોકે ઘણી મહેનત બાદ સફળતા મળતા હું ખૂબ જ ખુશ છું. અમારો સમગ્ર પરિવાર અમિષાબેન પટેલનો આભારી છે.

ગર્ભાવસ્થાના 9 મહિનાનો સમય એવો હોય છે જેમાં ગર્ભ શિશુ ની આત્મા સાથે આપણો સીધો સંપર્ક થતો હોય છે.
ગર્ભાવસ્થાના 9 મહિનાનો સમય એવો હોય છે જેમાં ગર્ભ શિશુ ની આત્મા સાથે આપણો સીધો સંપર્ક થતો હોય છે.

ગર્ભસંસ્કારએ સુવર્ણથી ભરેલી સોનાની થાળી
અમિષાબેન પટેલ (મર્મ દાબ સ્પેશિયાલિસ્ટ અને ગર્ભસંસ્કાર કાઉન્સિલર) એ જણાવ્યું હતું કે ગર્ભસંસ્કાર એ 5 હજાર વર્ષ જૂની પ્રાચીન સંસ્કારપદ્ધતિ છે. ભારતીય સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારનું ખૂબ જ મહત્વ છે. ગર્ભસંસ્કાર એ ઈચ્છિત ગુણોવાળા સંતાન ની પ્રાપ્તી માટેનું પ્રાચીન વિજ્ઞાન છે. પ્રહ્‌લાદ, અભિમન્યુ , સ્વામી વિવેકાનંદ, શિવાજી વગેરે મહાન પુરુષોના જન્મ પાછળ ગર્ભસંસ્કારનું રહસ્ય જવાબદાર છે. આપણા ૠષિમુનિઓએ ગર્ભસંસ્કારને ખૂબ મહત્વ આપ્યું છે. ગર્ભસંસ્કાર ની અસર બાળકના માનસિક વિકાસ પર તો થાય જ છે પણ શારીરિક અને આત્મિક વિકાસ પર પણ થાય છે. જ્યારે કોઈ પણ બાળક ગર્ભમાં પોતાના આત્મિક વિકાસ તરફની યાત્રાનો આરંભ કરે છે ત્યારે ગર્ભાવસ્થાના આ 9 મહિનાનો સમય એવો હોય છે જેમાં ગર્ભ શિશુ ની આત્મા સાથે આપણો સીધો સંપર્ક થતો હોય છે. એટલે આત્મિક ગુણો પર વધુમાં વધુ કામ કરી શકીએ છે. ગર્ભસંસ્કાર આત્મિક વિકાસ ના ગતિ પથનું સૌથી ઉત્કૃષ્ટ સાધન છે. ગર્ભસંસ્કારએ સુવર્ણથી ભરેલી સોનાની થાળી છે. જેનો આપણે બહુ આયામી ઉપયોગ કરી શકીએ છીએ. લગભગ 18 હજાર દંપતિઓ ને 15 વર્ષમાં ગર્ભસંસ્કાર આપ્યા બાદ મારો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

વધુમાં જણાવ્યું હતું કે, ભારતે વિશ્વને આપેલ યોગની ભેટ અજોડ છે તેમજ ગર્ભસંસ્કારએ પણ ભારતની જ આગવી દેણ છે. આજે અમેરિકા, જાપાન, યુરોપ જેવાં વિકસીત દેશોમાં પ્લાનીંગ અને પ્રેગ્નન્ટ માતાઓ માટે નિયમિત વર્ગો લેવાઇ રહ્યાં છે, ત્યારે આપણી નવી પેઢી એ ગર્ભાધાન અને ગર્ભસંસ્કારના વિષયમાં જાગૃતા રાખવાની સવિશેષ જરૂર છે. આવનાર જનરેશનને બુદ્ધિમત્તા ની સાથે રચનાત્મક જ્ઞાન નો સંયોગ સફળતા અપાવવામાં સહાયક બની શકશે અને આ ગુણોને ડેવલપ કરવા ગર્ભસંસ્કાર એ ઉત્તમ સાધન છે . આ જ્ઞાન વિશ્વની દરેક માતા સુધી પહોચાડવા જાગૃતિ અભિયાન કરવા જોઈએ.