તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાકાળ:કોરોના કાળમાં 250 ટેસ્ટિંગ ડોમ, કન્ટેઇન્મેન્ટ માટે 82 કરોડ ખર્ચાયા

સુરત3 મહિનો પહેલાલેખક: મોઇન શેખ
  • કૉપી લિંક
12x15ના આ બુથ પેટે રોજ 900 રૂપિયા ભાડું ચુકવાય છે. જેમાં ટેબલ, ખુરશી અને પંખાનું ભાડું અલગથી લેવાય છે. - Divya Bhaskar
12x15ના આ બુથ પેટે રોજ 900 રૂપિયા ભાડું ચુકવાય છે. જેમાં ટેબલ, ખુરશી અને પંખાનું ભાડું અલગથી લેવાય છે.
  • અને બીજી તરફ કેસ ગણ્યા-ગાઠ્યા, ટેસ્ટ માટે કોઈ આવતું ન હોવા છતાં ડોમ યથાવત
  • ઉધનામાં 10 હજાર કેસ સામે સૌથી વધુ 9 કરોડ જ્યારે રાંદેરમાં 20 હજાર સામે 68 લાખ ખર્ચાયા
  • દરેક ઝોનમાં 68 લાખથી માંડી 9 કરોડ સુધીનો ખર્ચ છતાં પાલિકાની મધ્યસ્થ કચેરીને નામે પણ 16 કરોડનો ખર્ચ દર્શાવાયો

કોરોનાકાળમાં પાલિકાએ ખર્ચેલા નાણાંમાં સૌથી વધુ ખર્ચ લોજીસ્ટીક પાછળ રૂા. 82.28 કરોડનો કરવામાં આવ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં અંદાજે ટેસ્ટિંગ માટે 250 ડોમ, કલસ્ટર અને કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને ઘરની બહાર નીકળવા માટે જે તે સોસાયટીઓ બહાર બાંધવામાં આવેલા બામ્બુ ઉપરાંત રસ્તાઓ પરના બેરિકેટિંગ, કન્ટેઇન્મેન્ટ, વેક્સિન માટેના મંડપ, હોસ્પિટલમાં લાવવામાં આવેલા નવા બેડ સહિતની સામગ્રી પાછળ 82 કરોડ ખર્ચાયા હોવાનું પાલિકાના અધિકારી સુત્રોનું કહેવું છે.

વરાછા મીની બજારમાં સરદાર પ્રતિમાની સામે બનેલાં ટેસ્ટિંગ બુથમાં કર્મીઓની ગેરહાજરીમાં રોજ ફ્રુટની લારીઓ લાગે છે.
વરાછા મીની બજારમાં સરદાર પ્રતિમાની સામે બનેલાં ટેસ્ટિંગ બુથમાં કર્મીઓની ગેરહાજરીમાં રોજ ફ્રુટની લારીઓ લાગે છે.

આ નાણાં કોન્ટ્રાકટરને ચૂકવવા માટે રાજય સરકાર પાસેથી ગ્રાન્ટ માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ઉધનામાં સૌથી ઓછા 10056 કેસ પણ અહીં સૌથી વધુ 9 કરોડ ખર્ચાયા, જ્યારે રાંદેરમાં 20 હજાર કેસ પણ તેની સામે ખર્ચો 68 લાખનો થયો છે. બીજી તરફ, હાલમાં કોરોનાના કેસ ઘટી ગયા છે છતાં પણ 250માંથી 50 જેટલા ટેસ્ટિંગ ડોમ ચાલુ રાખવામાં આવ્યા છે. આ ડોમમાં હેલ્થ સ્ટાફ કે ટેસ્ટ કરવા માટેનો સ્ટાફ પણ હોતો નથી, દિવસ દરમિયાન ડોમ ખાલી રહે છે છતાં તેનું ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે.

મંડપના પડદા ફાટી ગયાં છે પણ બુથ દૂર કરાયું નથી. તે રાહદારીઓ માટે આરામનું એક સ્થળ બની ગયું છે.
મંડપના પડદા ફાટી ગયાં છે પણ બુથ દૂર કરાયું નથી. તે રાહદારીઓ માટે આરામનું એક સ્થળ બની ગયું છે.

દવા કરતા પણ વધુ ખર્ચ લોજિસ્ટીક ખર્ચ પાછળ બતાવવામાં આવ્યો છે. આ અંગે એક ડેપ્યુટી કમિશનરે નામ નહીં આપવાની શરતે કહ્યું કે, કોઈ પણ કાર્યક્રમ કે આ પ્રકારે જયારે લોજીસ્ટીક હેડ હેઠળ ખર્ચ લખવામાં આવે ત્યારે તેની સામે પ્રશ્નો ઉભા થતાં નથી. કેમ કે,આ ખર્ચને આનુસંગિક ખર્ચ તરીકે લેવામાં આવે છે અને કોઈ પણ પ્રકારના ઓડિટમાં તેની કવેરી ઉભી થતી નથી .

પાલિકાએ રાજ્ય સરકાર પાસે ખર્ચેલા નાણા પેટે ગ્રાન્ટ માંગી
કોરોના કાળમાં પહેલી લહેરમાં કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરોને ચૂકવી દેવામાં આવ્યા છે. જ્યારે બીજી લહેરમાં ખર્ચાયેલા 200 કરોડથી વધુના બીલ હજી ચુકવવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે. જોકે પાલિકાએ આ નાણાં માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ માંગી છે. એક કોન્ટ્રાક્ટરે કહ્યું કે, ભોજનનું 20 લાખ રૂપિયાનું બીલ હજુ પાલિકાએ અમને ચૂકવ્યું નથી. તમામ બીલો અમે આપી દીધા છે.

ઝોનખર્ચ
સ્મિમેર કોલેજ29,38,79,584
સ્મિમેર હોસ્પિટલ3,33,86,263
હેડ ક્વાર્ટર16,05,71,704

સેન્ટ્રલ મેડિકલ સ્ટોર

9,07,87,297
ઉધના9,24,51,043
લિંબાયત5,51,20,417
કતારગામ3,27,67,329
અઠવા2,18,85,359
વરાછા-એ1,73,87,822
સેન્ટ્રલ92,97,787
વરાછા-બી84,75,557
રાંદેર68,03,756
ટોટલ82,28,13,923

​​​​​​​

મંડપ, બેરિકેડ સહિતની વસ્તુઓ માટે ખર્ચ થયો
કોરોના કાળની શરૂઆત બાદથી હાલ સુધીમાં મંડપ, બેરિકેડ જેવી મુવેબલ વસ્તુઓ પાછળ થયેલાં ખર્ચને લોજીસ્ટિક કોલમમાં ઉમેરીને ગ્રાન્ટ માટે રજૂ કરાઇ છે. હાલ સુધીમાં આ પેટે 82.28 કરોડ ઉપરાંતનો ખર્ચ થઇ ચૂક્યો છે. > ગૌરવ ચૌહાણ, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, પાલિકા​​​​​​​

​​​​​​​જરૂરિયાત અને લોકસુવિધા માટે મંડપ- બેરીકેટિંગ વધારતા ખર્ચ વધ્યો
​​​​​​​ ઝોન સ્તરે જરૂરીયાત મુજબ અલગ અલગ કન્ટેઇન્ટમેન્ટ ઝોન અને માઈક્રો ક્લસ્ટર એરિયામાં બેરીકેટિંગ કરાયું હતું. તેવી જ રીતે કોવિડ ટેસ્ટિંગ સેન્ટર તથા વેક્સિન સેન્ટર માટે પણ મંડપ બનાવાયા હતાં. તે તમામ લોજીસ્ટિક ખર્ચ લોક સુવિધા માટે જ કર્યો હતો. આ ખર્ચ ઘટાડવા ઘણા પ્રયાસ હતાં, પતરાં ભાડે લેવાના બદલે વેચાતા લીધાં છતાં કોઈ ઝોનમાં વધુ મંડપ અને બેરીકેટિંગના લીધે ખર્ચ વધ્યો હોય શકે. > ડી. એમ. પટેલ, એડિ. સિટી ઈજનેર, ડિવિઝનલ હેડ, નોર્થ ઝોન

લોજીસ્ટિક ખર્ચમાં શું-શું ગણવામાં આવ્યું

  • ટેસ્ટિંગ માટે બનાવેલા 250 ડોમ
  • ખુરશી, પંખા, ટેબલ
  • ક્લસ્ટર ઝોનમાં વપરાયેલા બાબુ
  • 76 હેલ્થ સેન્ટરમાં તૈયાર કરેલા ડોમ
  • વેક્સિન સેન્ટર ઉપર મુકેલા બાંબુ
  • તમામ વસ્તુઓ લાવવા-લઇ જવાનો આનુસંગિક ખર્ચ અને વાહનનું ભાડું
  • સ્મીમેરમાં ઉભા કરવામાં આવેલા વધારાના બેડનો ખર્ચ પણ લોજીસ્ટિકમાં ગણવામાં આવ્યો
અન્ય સમાચારો પણ છે...