• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • During The Corona Era, The Old Stock Of Diamonds Worth Rs 20,000 Crore Was Depleted, Rising To Rs 273 Crore In 2018 19 And Rs 4 Crore In 2020 21.

ડાયમંડ માર્કેટ:કોરોના કાળમાં 20 હજાર કરોડના હીરાનો જૂનો સ્ટોક ખાલી થતાં ઉઠમણાં ઘટ્યાં, 2018-19ના 2 વર્ષમાં 273 કરોડ સામે 2020-21માં 4 કરોડ જ ડૂબ્યાં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ વધતાં 2020માં અંદાજે 65 હજાર કરોડ, 2021માં 64 હજાર કરોડના હીરાનું એક્સપોર્ટ થયું
  • કોરોના પછી 90% સુધી રોકડેથી જ વ્યવહારો થવા સહિતનાં કારણો, પહેલી લહેર બાદ પ્રોડક્શનમાં સતત વધારો
  • 2018-19માં 39 પેઢીના ઉઠમણાં થયા હતા જ્યારે 2020-21માં માત્ર 4 પેઢી જ ઉઠી

કોરોના કાળમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાની મોટાપાયે ડિમાન્ડ ઊભી થતાં સુરતના હીરાના વેપારીઓના અંદાજે 20 હજાર કરોડનો હીરાનો જૂનો સ્ટોક ખાલી થઇ ગયો હતો. ભારે તેજીના કારણે હીરા પેઢીઓના ઉઠમણાંમાં પણ ઘટાડો થયો હોવાનો દાવો ડાયમંડ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યો છે.

ડાયમંડ એસો.ના હોદ્દેદારોના કહેવા મુજબ 2018 અને 2019માં કુલ 39 પેઢી 235 કરોડમાં ઉઠી ગઈ હતી. જેની સામે 2020 અને 2021માં 4 પેઢી 4 કરોડમાં ઊઠી ગઈ હતી. ઇન્ટરનેશનલ માર્કેટમાં તેજી અને કોરોના પછી હીરાના 90 ટકા વ્યવહારો રોકડેથી થવા સહિતનાં કારણોને લીધે ઉઠમણાંની સંખ્યા ઘટી છે.

ડાયમંડ એક ઉદ્યોગકારે કહ્યું હતું કે, શહેરના હીરા વેપારીઓના સ્ટોક ખાલી થવાને કારણે ઉઠમણાં ઘટ્યાં છે. સુરતથી અમેરિકા, હોંગકોંગ સહિતના દેશોમાં એક્સપોર્ટ મોટાપાયે થયું છે. જેમાં સુરતમાંથી અંદાજે 2020માં 65 હજાર કરોડ, 2021માં 64 હજાર કરોડના હીરાનું એક્સપોર્ટ થયું હોવાનું જીજેઇપીસીના સૂત્રોએ જણાવ્યું હતું.

ઉઠમણાં ઘટવાનાં કેટલાક કારણો

  • મોટાભાગના હીરા ઉદ્યોગકારોનો જૂનો સ્ટોક ખાલી થઈ ગયો
  • જૂનો સ્ટોક ખાલી થવાને કારણે ખર્ચાઓ ઘટ્યા
  • હીરાનો વેપાર 90 ટકા સુધી રોકડેથી થઈ ગયો
  • તૈયાર માલ ઝડપથી વેચાઈ રહ્યો છે
  • સ્ટોક ખાલી થઈ જતાં નફામાં પણ વધારો થયો

મોટા ઉદ્યોગકારો શું કહે છે?
તેજી હોવાથી પણ ઉઠમણાં ઘટ્યાં

વિનસ જ્વેલર્સના સેવંતી શાહ કહે છે કે, ‘હાલ હીરા માર્કેટમાં તેજીનો માહોલ છે, કામ થઈ રહ્યું છે જેને કારણે પણ ઉઠમણાનું પ્રમાણ ઘટ્યું છે.’

રૂપિયા છૂટા થયા, ખર્ચા ઘટ્યા
એચ.કે એક્સપોર્ટના ચેરમેન સવજી ધોળકિયા કહે છે કે, ‘ઉદ્યોગકારોનો જૂનો સ્ટોક વેચાઈ જતાં રૂપિયા છૂટા થઈ ગયા છે તેમજ માલ વેચાઈ જતાં ખર્ચાઓ પણ ઘટ્યા છે.’

અમેરિકામાં મોટા પાયે ખરીદી
ધર્મનંદનના લાલજી પટેલ કહે છે કે, 3 મહિના બંધ રહ્યા બાદ અમેરિકાએ નાગરિકોને પેકેજ જાહેર કરતાં લોકોએ હીરાના દાગીના ખરીદ્યા.

રોકડ વ્યવહાર વધતાં ઘટાડો
ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણી કહે છે કે, ‘હાલમાં મોટાભાગે રોકડેથી વ્યવહાર થતો હોવાથી ઉઠમણાં અટકી ગયાં છે.’

કોરોનાકાળમાં દલાલોની અવર-જવર પણ ઘટી ગઈ
શહેરના હીરા ઉદ્યોગમાં પહેલાં ઓફલાઈન વેચાણ વધારે થતું હતું જે હવે ઓનલાઈન પણ થઈ રહ્યું છે. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ હાલમાં કેપેસિટી અને માંગ પ્રમાણે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શહેરના હીરાબજારોમાં અંદાજે 400થી વધારે બ્રોકરો છે.

સામાન્ય દિવસોમાં ઘણા દલાલો ઓફિસોમાં આવીને ખરીદ-વેચાણ કરતા હતા, પરંતુ હવે કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવાનો હોવાથી હીરાના બ્રોકરોની કામ કરવાની પદ્ધતિમાં ફેરફારો આવ્યા છે. સામાન્ય દિવસોમાં એક સાથે 8-10 લોકો આવતા હતા એની સામે હવે એપોઈન્ટમેન્ટ આપીને માંડ 1-2 દલાલને જ બોલાવવામાં આવે છે.

ડાયમંડ એસોસિયેશનના આંકડા

  • 2018 (21 ઉઠમણા) 235 કરોડ
  • 2020 (1 ઉઠમણું) 27 લાખ
  • 2019 (18 ઉઠમણા) 38 કરોડ
  • 2021 (3 ઉઠમણા) 1.56 કરોડ
અન્ય સમાચારો પણ છે...