• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Due To The Inaction Of The Officials, Works Are Not Being Done For 25 Years, The MLA From Varachha Assembly Seat Expressed Anger

કુમાર કાનાણી અધિકારીઓથી નારાજ:અધિકારીઓની નિષ્ક્રિયતાથી 25 વર્ષથી કામો થઈ રહ્યા નથી, વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્યે રોષ વ્યક્ત કર્યો

સુરત2 મહિનો પહેલા
ભાજપના ધારાસભ્ય એ કોર્પોરેશનના અધિકારીઓ કામ ના કરતા હોવાની ફરિયાદ - Divya Bhaskar
ભાજપના ધારાસભ્ય એ કોર્પોરેશનના અધિકારીઓ કામ ના કરતા હોવાની ફરિયાદ

વિધાનસભાની ચૂંટણી પહેલા જ પોતાના મતવિસ્તારમાં સતત મુદ્દાઓ ઉઠાવવા માટે કુમાર કાનાણી જાણીતા છે. ધારાસભ્ય તરીકે તેઓ સતત પોતાના વિસ્તારના મુદ્દા કામ થતા ન હોવાની ફરિયાદ ઉઠાવતા રહ્યા છે. આજે ફરી એક વખત તેમણે સોશિયલ મીડિયા ઉપર તેમના વિસ્તારના 25 વર્ષથી કામ ન થતાં હોવાની વાત મૂકી છે.
દિવ્ય ભાસ્કર સાથે કુમાર કાનાણીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે કેટલાક મહત્વની બાબતો ઉપર પોતાનો મત રજૂ કર્યો હતો.
દિવ્ય ભાસ્કર: તમારા વિસ્તારના કયા કામો થતા નથી?
કુમાર કાનાણી: મારા મત વિસ્તારની અંદર અધિકારીઓ ખૂબ જ નિષ્ક્રિય રહે છે. 25 વર્ષથી અલગ અલગ કામોની રજૂઆત કરવામાં આવતી હોય, પરંતુ તેઓ કામ પૂર્ણ કરતા નથી. અધિકારીઓને વારંવાર કહેવા છતાં પણ અધિકારી યોગ્ય અને સમયસર કામગીરી કરતા નથી.
દિવ્ય ભાસ્કર: તમારા વિસ્તારના અધિકારીઓ આટલા નિષ્ક્રિય કેમ રહે છે અને કયા કામો તમારા કરતા નથી?
કુમાર કાનાણી: અમારા વિસ્તારના સામાન્ય કામો એમને કહેવામાં આવતા હોય છે. લાઈટ રસ્તા, ગટર વગેરે જે કામો હોય છે. અલગ અલગ વિસ્તારના તે કામો પણ તેઓ યોગ્ય રીતે કરતા નથી. જ્યારે તેમને કામ સોંપવામાં આવે છે, ત્યારે તેઓ કહે છે કે હા કામ થઈ જશે. અમે વારંવાર ફોલોઅપ પણ લઈએ છીએ. કામ બાબતે પરંતુ તેઓ કામ કરતા નથી એ વાત સ્પષ્ટ છે.
દિવ્ય ભાસ્કર: કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, તો મેયર એમની પાસેથી કામ લેવામાં નિષ્ફળ થઈ રહ્યા છે?
કુમાર કાનાણી : ના, આમાં મેયરની કોઈ વાત જ નથી, અધિકારીઓ સાથે વાત કરું છું અને અધિકારીઓ કામ નથી કરતા એવું હું માનું છું.
દિવ્ય ભાસ્કર: પણ તમારા વિસ્તારના પ્રશ્નો હોય તો તમારી સત્તા હોય તો મેયરને તો તમારે ક્યારેક વાત તો કરી હશે ?
કુમાર કાનાણી: મેયર સાથે મેં આ બાબતે કોઈ ચર્ચા કરી નથી. જેવા કોઈ મોટા કામ હોય તો ઉપરના લેવલે પણ વાત કરીને કરી દેવાય અને મેયર સાથે પણ એની ચર્ચા કરાય, પરંતુ સામાન્ય કામ પણ અધિકારીઓ કરતા નથી.
દિવ્ય ભાસ્કર: પરંતુ જો અધિકારીઓ કામ ન કરતા હોય તો તમારે કોર્પોરેશનના સત્તાધીશોને તો કહેવું પડેને?
કુમાર કાનાણી: મેં કોર્પોરેશનમાં કોઈપણ સાથે વાત કરી નથી, મેયર સાથે પણ આ બાબતને મેં કોઈ ચર્ચા કરી નથી.
દિવ્ય ભાસ્કર: કામ નથી કરતા તે અધિકારીઓ તમારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર કરતા હોય એવું તમને લાગે છે?
કુમાર કાનાણી: અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે કે કેમ તેવી કોઈ ફરિયાદ મને અત્યાર સુધી મળી નથી, એટલે હું કોઈ અધિકારી ભ્રષ્ટાચારી છે એવું સીધું કહેતો નથી. કારણ કે કોઈ અધિકારીના નામ સાથે એવી ફરિયાદ મળી નથી કે તે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
દિવ્ય ભાસ્કર: વિધાનસભાની ચૂંટણી પહેલા જ તમે આ મુદ્દો ચર્ચામાં આવવા માટે ઉપાડો છો?
કુમાર કાનાણી: કુમાર કાનાણીને ચર્ચામાં આવવા માટે આવા મુદ્દા ઉઠાવવાની જરૂર નથી. હું હંમેશા ચર્ચામાં જ રહું છું. કારણ કે, હું મારા વિસ્તારમાં સતત કામ કરતો રહું છું અને લોકોના પ્રશ્નો ઉઠાવતો રહું છું. ચર્ચા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે ઉઠાવું એવી કોઈ બાબત નથી.
દિવ્ય ભાસ્કર: વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પર કોઈ અન્ય ઉમેદવાર આવે તેવી વાત છે?
કુમાર કાનાણી: હું મારા વિસ્તારમાં ખૂબ જ સક્રિયતાથી કામ કરું છું. વિધાનસભાની ઇલેક્શન સાથે આ બાબતને કોઈ લેવાદેવા નથી. છેલ્લા 2 મહિનાથી હું જન સંપર્ક કરી રહ્યો છું. મારા વિસ્તારમાં 100 કાર્યકર્તાઓ સાથે જન સંપર્ક કરી રહ્યો છું.
દિવ્ય ભાસ્કર: આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમને ટિકિટ નહીં એવું તમને લાગે છે?
કુમાર કાનાણી: કોને ટિકિટ આપશે, તે અમારો પક્ષ નક્કી કરશે. મને ટિકિટ આપશે કે નહીં આપે તે પક્ષ નક્કી કરશે, એ બાબતે મારે કંઈ કહેવું નથી.

અન્ય સમાચારો પણ છે...