આ બાગ નહીં, તળાવ છે:સાફસફાઇના અભાવે ભાઠાનું તળાવ જળકુંભીના ભરડામાં અવદશા સાથે મચ્છરનો ત્રાસ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ બાગ નહીં, તળાવ છે: પાલિકામાં સમાતાં સ્થિતિ કથળી

હદ વિસ્તરણના લીધે શહેરનો દરજ્જો પ્રાપ્ત કરનાર ભાઠા ગામમાં સ્ટ્રીટ લાઇટ સહિતની પાયાની સમસ્યાનો હજુ ઉકેલ આવ્યો નથી ત્યાં પાલિકાએ નવા સમાવિષ્ટ દરેક ગામના તળાવોના વિકાસ માટે અલાયદું બજેટ નક્કી કર્યું હોવા છતાં ભાઠા ગામનું 21,293.24 ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું તળાવ સફાઇના અભાવે હવે દુર્ગંધ મારતું થયું છે.

સમગ્ર તળાવ પર જળકુંભીની વિશાળ ચાદર પથરાઇ ગઇ છે જેના લીધે મચ્છરોનાં ઉપદ્રવને લીધે રહીશો માંદગીઓમાં સપડાઇ રહ્યાં છે. ગામ જ્યારે શહેરમાં ન હતું ત્યારે સરપંચની ગ્રાન્ટમાંથી સમયસર સફાઇ થતી હતી જોકે હવે ફરિયાદ કરવા છતાં 1500થી વધુ ગ્રામજનો માટે વિવિધ તબક્કે મહત્વાકાંક્ષી તળાવ લીલનાં લીધે ઢોરોને પાણી પાવા માટે પણ ઉપયોગી રહ્યો નથી.

પંચાયત સમયે સમયસર ગ્રાંટ ફાળવી દેવાતી હતી
સ્થાનિકો આ તળાવના પાણીનો ઉપયોગ કરતાં આવ્યાં છે. વિસર્જન, વિધિઓ માટે આસ્થાના પ્રતિક સમાન આ તળાવની સમયસર સફાઇ થતી હતી. ભાઠા શહેરમાં સમાવાયું તે પહેલાં પંચાયત સમયસર સફાઇ માટે ગ્રાન્ટ ફાળવી દેતી હતી. જોકે લોકોના મતે હવે વિકાસ રૂંધાયો છે.

તળાવની સામે જ વૉર્ડ ઓફિસ છતાં બેદરકારી
આ તળાવની બરાબર સામે પાલિકાની વૉર્ડ ઓફિસ છે, જ્યાં રોજ અધિકારી-કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ પણ આવે છે. આવી ગંદકી અને અવદશા તેમને નજરે ચઢી રહી નથી. આખો દિવસ દુર્ગંધ મારવાની સાથે સાંજ પડતાં જ ગામમાં મચ્છરોનો ત્રાસ હોવાથી માંદગીની પણ ભીતિ ફેલાઇ છે.

ગામ-તળાવોના વિકાસનું બજેટ માત્ર કાગળ પર
નવા સમાવિષ્ટ ગામોને શહેરનો દરજ્જો મળ્યા બાદ પાલિકાએ ગામોમાં પ્રાથમિક સુવિધાની સાથે બ્યુટીફિકેશન માટે તળાવોને નવી ડિઝાઇન સાથે ડેવલપ કરવા બજેટ નક્કી કર્યું હતું. આ જોગવાઇ અનુસાર ભાઠા ગામના 21,293.24 ચો.મી. ક્ષેત્રફળમાં ફેલાયેલા આ તળાવને પ્રાથમિકતા મળવી જોઇતી હતી. જો કે, વિશાળ તળાવ જાણે ગંદકીના લીધે હવે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝજુમતું હોય તેવાં દ્રશ્યો સામે આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...