સુરત ક્રાઈમ ન્યૂઝ:દુબઈ રહેતા વેપારીની દુકાનનો વહીવટકર્તા 8.57 લાખના કાપડનું પેમેન્ટ કર્યા વિના ફરાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સલાબતપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.

સુરતના રીંગરોડ ખાતે આવેલી સિલ્ક સિટી માર્કેટમાં દુકાન ધરાવતા અને દુબઈ રહેતા કાપડ વેપારીની દુકાનનો વહીવટકર્તા તેમની જાણ બહાર વેપારીઓ પાસે કાપડ ખરીદી પેમેન્ટ કર્યા વિના ઉઠમણું કરી ફરાર થઈ ગયો હતો. જેથી સલાબતપુરા પોલીસે ભોગ બનેલા એક વેપારીની રૂ.8.57 લાખની છેતરપિંડીની ફરિયાદના આધારે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

પહેલા સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો
સુરતના ગોડાદરા રોડ સાંઈ મિલન રેસિડન્સીમાં રહેતા 46 વર્ષીય ઇશ્વરસિંહ ભુરસિંહ રાવ રીંગરોડ ટેક્સટાઈલ્સ ટાવર માર્કેટમાં શિવાની ફેશનના નામે કાપડનો વેપાર કરે છે. સપ્ટેમ્બર 2021માં દલાલ કૈલાશ જોષી મારફતે તેમની ઓળખાણ રીંગરોડ સ્થિત સિલ્ક સિટી માર્કેટમાં દિનેશ ટ્રેડીંગના નામે દુકાન ધરાવતા ભરત જૈન સાથે થઈ હતી. ભરત જૈને સમયસર પેમેન્ટ કરવાની વાત કરતા ઈશ્વરસિંહે તેની સાથે વેપાર શરૂ કર્યો હતો. ભરત જૈને રૂ.3.50 લાખનું કાપડ લઈ તેનું સમયસર પેમેન્ટ કરતા ઈશ્વરસિંહને તેના ઉપર વિશ્વાસ કરાવ્યો હતો. ત્યારબાદ ભરત જૈને ઈશ્વરસિંહ પાસેથી 13 સપ્ટેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન કુલ રૂ.8,57,400 નું કાપડ મંગાવ્યું હતું.

પેમેન્ટ લેવા જતા દુકાનમાંથી કાઢી મૂક્યા
પેમેન્ટ સમયસર કરવાને બદલે ભરત જૈને વાયદા કર્યા હતા અને ઈશ્વરસિંહ પેમેન્ટ લેવા ગત 20 ડિસેમ્બર 2022ના રોજ તેની દુકાને ગયા ત્યારે ભરત જૈને પેમેન્ટ આપવાની ના પાડી તેમને દુકાનમાંથી કાઢી મુક્યા હતા. ઈશ્વરસિંહ બીજા દિવસે ફરી તેની દુકાને ગયા ત્યારે દુકાન બંધ હતી અને ભરત જૈનનો ફોન લાગતો નહતો. જેથી તેના વિશે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે ભરત જૈન ઘણા વેપારીઓ પાસેથી ઉધારમાં કાપડ ખરીદી પેમેન્ટ કર્યા વિના દુકાન બંધ કરી ભાગી છૂટ્યો છે.

માલિકની જાણ બહાર ઉઠમણું કર્યું
ભરત જૈને જે દિનેશ ટ્રેડીંગના નામે કાપડ ખરીદ્યું હતું તેના માલિક વિજયકુમાર મોલીયાની દુબઈમાં રહે છે અને ભરત જૈન માત્ર તેમનો વહીવટકર્તા હતો. ભરત જૈને વિજયકુમારની જાણ બહાર ઉઠમણું કર્યાનું પણ ઈશ્વરસિંહને જાણવા મળ્યું હતું. રૂ.8.57 લાખની છેતરપિંડી અંગે તેમણે ભરત જૈન વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...