ડમી સીમકાર્ડનો ઉપયોગ કરવાના ગુનામાં દોઢ કરોડના એમડી ડ્રગ્સ કેસના આરોપી સલમાન ઝવેરીની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. ડુમસ રોડ પરથી કારમાં દોઢ કરોડના એમડી ડ્રગ્સ સાથે સલમાન ઝવેરી ક્રાઇમબ્રાંચના હાથે જાન્યુઆરીમાં પકડાયો હતો. તે વખતે પોલીસે તેની પાસેથી 4 મોબાઇલ કબજે કર્યા હતા. જેમાં ડમી સીમકાર્ડ વાપરતો હોવાની હકીકતો સામે આવી હતી. ડમી સીમકાર્ડ તેનો પિતરાઈ ભાઈ જુનેદ બીલાલ ઝવેરી પાસેથી લાવ્યો હતો. જેથી જુનેદની ધરપકડ થઈ હતી. જયારે સલમાન એમડીના કેસમાં લાજપોર જેલમાં હતો.
ડીસીબીએ જેલમાંથી મોહંમદ સલમાન અમન મોહંમદ હનીફ ઝવેરી (27) (રહે, આશીયાના કોમ્પલેક્ષ, અડાજણ પાટિયા)ની ધરપકડ કરી છે. સલમાને ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાનું બહાનું બતાવી જુનેદ પાસેથી 3 હજારમાં 4 સીમકાર્ડ લીધા હતા. બાદમાં ડ્રગ્સના નાના પેડલરો સાથે વાત કરતો હતો. જુનેદ ખાનગી ટેલિકોમ કંપનીમાં એજન્ટ અને સેલ્સમેન હતો. ગ્રાહકો નવા સીમ ખરીદવા આવે ત્યારે જુનેદ સીમકાર્ડનું કેવાયસી ડિજિટલ પ્રિપેઈડ કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ઓનલાઇન ભરી તેમાં ઓટીપી નંબર માટે પોતાનો ફોન નંબર આપતો પછી તે ડમી સીમ એક્ટિવ કરી વેચી દેતો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.