તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરંભે શૂરા:અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં વેક્સિન ખૂટી પડી; સાત જ દિવસમાં 50% રસીકરણ કેન્દ્રો બંધ કરી દેવા પડ્યા, જ્યારે વેક્સિનેશનમાં 75%નો ઘટાડો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં છેલ્લા સાત દિવસમાં રસીકરણમાં અગ્રેસર રહેલા સુરતમાં રસી ખૂટી પડી
  • છેલ્લા સાત દિવસમાં 24 જૂનના રોજ સુરતમાં 44,965 લોકોનું રસીકરણ થયું હતું

ગુજરાતમાં 21 જૂનથી મોટા ઉપાડે શરૂ થયેલા વેક્સિનેશન મહાઅભિયાનનો સાત દિવસમાં જ ફિયાસ્કો થઈ ગયો છે.અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વેક્સિન ખૂટી પડી છે.

છેલ્લા સાત દિવસમાં સુરતમાં વેક્સિનેશનમાં 75 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે રસીકરણ કેન્દ્રો પણ 50 ટકા ઘટાડી દેવામાં આવ્યાં છે. વેક્સિનનો જથ્થો ઓછો આવતો હોવાથી રસીકરણ કેન્દ્રો ઘટાડવામાં આવ્યાં હોવાથી લોકોને વેક્સિન લેવામાં હાલાકી ભોગવવી પડી રહી છે.

વેપારી અને દુકાનદારોને વધારે મુશ્કેલી
30 જૂન સુધીમાં વેપારીઓ અને દુકાનદારોને વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી છે. જોકે હાલ વેપારીઓ અને દુકાનદારો વેક્સિનનેશન સેન્ટરો પર ધક્કા ખાઈ રહ્યા છે. નજીકમાં આવેલા મોટા ભાગનાં સેન્ટરો પર તાળાં લાગેલાં છે અથવા તો વેક્સિન ન હોવાથી સેન્ટર બંધ હોવાનાં બોર્ડ લાગ્યાં છે. જેથી વેપારી અને દુકાનદારોમાં વેક્સિનને લઈને મૂંઝવણ જોવા મળી રહી છે.

રાજકોટમાં 50 ટકાથી ઓછું વેક્સિનેશન
રાજકોટમાં કોરોના પ્રતિરોધક રસી માટે આજે પણ વેક્સિનેશન કેન્દ્ર પર વહેલી સવારથી જ લોકોની લાઇનો જોવા મળી હતી. પરંતુ વેક્સિનનો પુરતો જથ્થો ન હોવાને કારણે વેક્સિનેશનના મહાઅભિયાનને બ્રેક લાગી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજ 20 હજાર વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ છે. પરંતુ તેની સામે છેલ્લા એક અઠવાડિયાથી 50 ટકાથી પણ ઓછું વેક્સિનેશન થઇ રહ્યું છે. જેમાં કોવિશીલ્ડનો અપુરતો જથ્થો હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં આજે 50 ટકા રસીકરણ કેન્દ્ર બંધ છે. વડીલો વેક્સિન માટે ટળવળી રહ્યા છે અને રસીકરણ કેન્દ્રો પરથી ધક્કા ખાય રહ્યા છે.

અમદાવાદમાં 1 લાખના ટાર્ગેટ સામે 25 હજારથી 35 હજારનું જ વેક્સિનેશન
​​​​​​​અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા પંડિત દિનદયાળ હોલમાં વેક્સિનેશન સેન્ટર પરથી ઓન સ્પોટ રજિસ્ટ્રેશન સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અભિયાનની શરૂઆત કરાવી હતી. જો કે અભિયાનના ત્રીજા જ દિવસે ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં વેક્સિન ખૂટી પડી છે. રોજના એક લાખના ટાર્ગેટની જગ્યાએ હવે 25000થી 35000 લોકોને જ વેક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે દરરોજ 50 હજાર જેટલા શહેરીજનો વેક્સિન લેવા તૈયાર હોય છે. શહેરમાં સતત ત્રીજા દિવસે વેક્સિન ન હોવાના કારણે લોકોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે.

રાજકોટમાં વેક્સિન ખૂટી પડતા લોકોને ધક્કો થયો
રાજકોટમાં વેક્સિન ખૂટી પડતા લોકોને ધક્કો થયો

વડોદરામાં કોવિશીલ્ડ ખૂટી પડી
બીજી તરફ વડોદરામાં પણ રસી ઉપલબ્ધ ન હોવાથી લોકોને ધક્કા પડી રહ્યા છે. રવિવારે રેલવે સ્ટેશન ખાતેના કેમ્પમાં કોવિશીલ્ડ લેવા લોકોની કતારો લાગી હતી. બીજી તરફ સયાજી હોસ્પિટલ સહિતના વિવિધ સેન્ટરો ખાતે માત્ર કોવેક્સિન ઉપલબ્ધ હોવાથી સેન્ટરો ખાલીખમ જોવા મળ્યાં હતાં. શહેરમાં રવિવારે કોવિશીલ્ડ ન આવતાં કેન્દ્રો પર સવારથી બીજો ડોઝ લેવા પહોંચેલા 1 હજારથી વધુ લોકોને પરત જવું પડ્યું હતું. જ્યારે રેલવે સ્ટેશન અને મુસ્લિમ સમાજ દ્વારા યોજાયેલા રસીકરણમાં કોવિશીલ્ડ ફાળવી હોવાથી કતારો જોવા મળી હતી. બીજી તરફ કોવેક્સિન લેવા પ્રત્યે લોકોમાં ઉદાસીનતા હોવાથી રસીકરણ કેન્દ્રો ખાલીખમ રહ્યાં હતા.

આજે પણ 20થી 21 હજાર જ ડોઝ અપાશે
વેક્સિનેશન મહાઅભિયાનમાં 84 દિવસ ઉપર થઈ જતાં હેલ્થકેર-ફ્રન્ટલાઈનવર્કરો-સિનિયર સિટિઝન્સને બીજો ડોઝ આપવાની આવશ્યકતા ઊભી થઈ છે, પરંતુ સરકાર દ્વારા વેક્સિનનો ડોઝ ઓછો સપ્લાય થઈ રહ્યો છે. ગત રોજ માંડ 13,153ને જ રસી મુકાઈ છે, એમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં 1097 તો સેન્ટ્રલ ઝોનમાં માંડ 590ને જ રસી મુકાઈ છે. આજે પણ 20થી 21 હજાર જ ડોઝ અપાશે.

મોટા ભાગનાં વેક્સિનેશન સેન્ટર પર તાળાં લાગ્યાં છે.
મોટા ભાગનાં વેક્સિનેશન સેન્ટર પર તાળાં લાગ્યાં છે.

લોકોમાં ઉત્સાહ, પણ તંત્ર પાસે ડોઝ નથી
એક સમયે રાજ્યનાં અનેક શહેરોમાં લોકો રસી લેતાં થોડા ખચકાતા હતા. એટલું જ નહીં, એક સમયે રસી પણ 45 વર્ષથી વધુ વયજૂથના લોકોને જ અપાતી હતી. આ બંને કારણસર રસીકરણ ખૂબ ધીમું હતું, પરંતુ હવે સ્થિતિ એ સર્જાઈ છે કે લોકો રસી લેવા ઉત્સાહ બતાવી રહ્યા છે. જોકે તંત્ર પાસે રસીના ડોઝ ઓછા હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

વેક્સિનેશન સેન્ટરો બંધ હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વેક્સિનેશન સેન્ટરો બંધ હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રોજ 1 લાખને રસીના દાવાનો ફિયાસ્કો
સુરત શહેરનાં રસી કેન્દ્રો પર ડોઝ ખૂટી પડ્યા છે. આ કારણસર કેન્દ્રો પર લોકો રસી લીધા વિના જ પાછા જઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને દરરોજ એક લાખ લોકોને વેક્સિન આપવાનો દાવો કર્યો હતો. જોકે 7 દિવસમાં જ એનો ફિયાસ્કો થઈ ગયો છે. છેલ્લા બે દિવસથી મોટા ભાગનાં સેન્ટર પર 'વેક્સિન ઉપલબ્ધ નથી'ના બોર્ડ લાગતાં રસીનો બીજો ડોઝ લેવા આવેલા સિનિયર સિટિઝન્સને હાલાકી પડી રહી છે, જ્યારે યુવાનોને રસી લેવા ધક્કા ખાવા પડી રહ્યા છે.